Abtak Media Google News

રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં રાજકોટ-અમદાવાદ રોડનું ધીમું કામ અને પુરવઠા સહિતના અનેક પ્રશ્નો ગાજયા હતા. આ બેઠક અગાઉ અન્ન અને નાગરિક પૂરવઠાની બેઠક પણ યોજાઇ હતી.

આ બેઠકમાં વન નેશન વન રાશન, ઉજ્જવલા સહિતની યોજના સહિતની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. તેમજ એઇમ્સ સામે બસ સ્ટેન્ડ , માધાપર પાસે સર્વિસ રોડ બનાવવા,  કુવાડવા માલિયાસણ રોડની પ્રગતિ, જનાના હોસ્પિટલમાં ફાયર એરિયા, સાંઢિયા પુલ, બેડી, રીંગ રોડ રીપેરીંગ વગેરેનાં કામો વિશેની સમીક્ષા કરાઇ હતી. આ કામો ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરએ તાકીદ કરી હતી.

કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ: ધારાસભ્ય, મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિ

એઇમ્સ સામે બસ સ્ટેન્ડ , માધાપર પાસે સર્વિસ રોડ બનાવવા,  કુવાડવા માલિયાસણ રોડની પ્રગતિ, જનાના હોસ્પિટલમાં ફાયર એરિયા, સાંઢિયા પુલ, બેડી, રીંગ રોડ રીપેરીંગ સહિતના કામોની સમીક્ષા

આ બેઠકમાં પુરવઠામાં અનાજના વિતરણમાં ઢીલી કામગીરીથી દુકાનદારોને માલ સમયસર મળતો નથી તે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જિલ્લા અને શહેરમાં ઇન્ચાર્જ હેઠળ દુકાન ચાલે છે તેની બદલે કાયમી દુકાનો ચાલે તે પ્રશ્ન પણ ઉઠવાયો હતો. જેને પગલે અધિકારીઓને તાત્કાલિક સપ્લાય સમયસર મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે અમદાવાદ- રાજકોટ નેશનલ હાઇવેનું કામ જલ્દી પૂરું કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં રાજકોટ – ગોંડલ સિક્સ લેનના સર્વિસ રોડ ઉપર નાના મોટા કામ બાકી છે તે તાત્કાલિક પૂરો કરવા અંગે પણ રજુઆત થઈ હતી. જિલ્લા કલેકટર દ્વારા વિકસિત ભારત યાત્રામાં વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે વિશે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ તકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા , જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,  જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, એસ.પી. જયપાલસિંહ રાઠોડ,  ડી.આર.ડી.એ. નિયામક આર. એસ. ઠુમર, ડી.સી.પી. સજજનસિહ પરમાર, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વચ્છતા અભિયાન અન્વયે કલેકટર દ્વારા વિવિધ કચેરીઓનું થશે ઈન્સ્પેકશન

ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અન્વયે રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અન્વયે બેઠક કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને  યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ વિવિધ કચેરીઓને સ્વચ્છ કરી બિન ઉપયોગી સામાન નાશ અથવા નિકાલ કરવા, રેકોર્ડ વર્ગીકરણ કરવા, સ્વમૂલ્યાંકન વહીવટી તંત્રને રજૂ કરવા, ઇ વેસ્ટ નો નિકાલ કરવા તેમજ કચેરીઓને રંગરોગાન અને સુશોભિત રાખવા પણ જણાવ્યું હતું.  કલેકટર દ્વારા વિવિધ કચેરીઓનું ઈન્સ્પેકશન કરવામાં આવશે.

આ તકે એસ.પી. જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડી.આર.ડી.એ. નિયામક આર. એસ. ઠુમર, ડી.સી.પી. સજ્જનસિહ પરમાર, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.