Abtak Media Google News

ઇસ્ટ ઝોનમાં આવતા 6 વોર્ડની સમીક્ષા બેઠકમાં મોટાભાગના કોર્પોરેટરોની અપૂરતા ફોર્સથી પાણી વિતરણ અને નિયમિત સફાઇ થતી ન હોવાની ફરિયાદો

મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડમાં સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. અગાઉ વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં સમિક્ષા બેઠક યોજ્યા બાદ ગઇકાલે ઇસ્ટ ઝોનમાં સમાવિષ્ટ 6 વોર્ડના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દારો સાથે એક બેઠક યોજી હતી. જેમાં ભાજપના જ કોર્પોરેટરોએ પાણી અને સફાઇ પ્રશ્ર્ને બળાપો ઠાલવ્યો હતો.

મેયર ડો.પ્રદિપ ડવે ઈસ્ટ ઝોનમાં આવતા વોર્ડના ચાલુ કામો સમયસર પૂર્ણ થાય તેમજ નવા કામો હાથ ઉપર ધરવા ઉપરાંત વોર્ડના નાના મોટા પ્રશ્નોની રૂબરૂ સમીક્ષા થઈ શકે તેવા હેતુથી ઝોન વાઈઝ મિટિંગનું આયોજન કરવામાં આવે છે.

વોર્ડ નં.4માં 36 કામો હાથ ઉપર ધરવામાં આવેલ છે. કોર્પોરેટર અને સ્થાનિક સંગઠન દ્વારા વેલનાથપરામાં આવેલ શાળાનું રીનોવેશન કરવા, જકાતનાકા, આરોગ્ય કેન્દ્રમાં મમતાકાર્ડ કાઢી આપવા, આજીનદીમાંથી વેલ કાઢવા, નદીમાં જે કોઈ લોકો ભરતી નાખી જતા લોકો સામે પગલા લેવા આ ઉપરાંત અમુક વિસ્તારોમાં પૂરતા પ્રેસરથી પાણી મળતું નથી અને અમુક વિસ્તારોમાં સફાઈની મુશ્કેલી છે. તેવી રજૂઆત કરી હતી.

વોર્ડ નં.5માં કોર્પોરેટરો દ્વારા નવા ગામવાળો રસ્તો વહેલાસર પૂર્ણ કરવા, સદગુરૂ રણછોડનગર, વલ્લભનગરમાં વરસાદી પાણી ભરાય છે. ચંપકભાઈ વોરા આરોગ્યકેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ નિકળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા, ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ સુધી સ્ટ્રીટલાઈટની સુવિધા આપવા વગેરે કામોની રજૂઆત કરવામાં આવી હતી.

વોર્ડ નં.6માં સફાઈ તેમજ અન્ય કામો માટે પુરતી માત્રામાં જે.સી.બી. અને અન્ય સાધનો ફાળવવા, માંડાડુંગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ઘટતું કરવા તેમજ આંબાવાડી વિસ્તારના આવાસ તૈયાર થઈ ગયેલ હોય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

વોર્ડ નં.15માં થોરાળા પોલીસ સ્ટેશનથી આજી નદી સુધી આર.સી.સી. ઓપન બોક્સ ગટરનું કામ, ડ્રેનેજના કામો, ખોડીયારનગર વરસાદી પાણીના નિકાલ, મોહનભાઈ સરવૈયા હોલનું રીનોવેશન વગેરે કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ ઉપરાંત કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનો દ્વારા થોરાળા વિસ્તારમાં હરીઓમ નગર અને રાધેકૃષ્ણ નગરમાં આંગણવાડીની સુવિધા આપવા, ગંજીવાડા વિસ્તારના કામોને પ્રાયોરીટી આપવા વગેરે રજૂઆત કરવામાં આવી હતી.

વોર્ડ નં.16માં કામોની ચર્ચા કરવામાં આવેલ. કોર્પોરેટર તથા સ્થાનિક આગેવાનો દ્વારા હાઈવે ગટરનું ભૂગર્ભનું પાણી બંધ કરવા, નંદા હોલથી સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર સુધીનો 150 ફૂટનો રોડ ડેવલપ કરવા, બાપુનગર સ્મશાનની પાછળ આજી નદીમાં રબીશ ન ઠલવાય તેવી વ્યવસ્થા કરવા, કોઠારીયા ચોકડીથી ખોખડદડી નદી સુધીના રસ્તા પરના રબીશના ઢગલાં દુર કરવા વગેરે અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

વોર્ડ નં.18માં 31 કામો મંજુર થયેલ છે. જે પૈકી 8 કામ ચાલુ છે. તેમજ 10 કામો ટેન્ડર પ્રક્રિયામાં છે તે સત્વરે આગળ ધપાવવા ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ દ્વારા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં સ્ટોર્મ વોટર નિકાલની કામગીરીને પ્રાયોરીટી આપવા, પીરવાડી વિસ્તારમાંથી ભરતી ઉપાડવા, મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રસ્તાના કામો ક્રમશ: હાથ ધરવા તેમજ આ વોર્ડમાં યોગ્ય જગ્યાએ માર્કેટ અથવા હોકર્સ ઝોનની સુવિધા આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે જે વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી મળે તેમજ સફાઈના પ્રશ્નો અંગે મેયર ડો.પ્રદિપ ડવ તેમજ મ્યુનિ.કમિશ્નર અમિત અરોરાએ સ્થળ મુલાકત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.