Abtak Media Google News

કોરોનાકાળમાં ડિજિટલ સેવાનો વ્યાપ અનેકગણો વધ્યો; વર્ષ ૨૦૨૫ સુધી દર વર્ષે ટેક માર્કેટ ૧૬%ની વૃધ્ધિ સાથે આગળ ધપશે !!

આજના ૨૧મી સદીનાં આધુનિક યુગમાં ઈલેકટ્રોનિક ઉપકરણોનો વ્યાપ-વિસ્તાર વધતા ડીજીટલ સેવા મોટાપાયે વધી છે. લોકો ઘેરબેઠા વિવિધ પ્રકારની સેવા મેળવતા થયા છે. જે અવનવી ટેકનોલોજીની જ દેન છે. હજુ આગામીક સમયમાં ટેકનોલોજી જ સર્વસ્વ બનશે માનવ જીવન વધુ સરળ બનશે જેમાં મહત્વનો ભાગ આઈટી ફર્મ, ટેક કંપનીઓ, અને વૈજ્ઞાનિકો ભજવશે. વિશ્ર્વ આખું ડિજીટલ થઈ રહ્યું છે. ત્યારે આવનારા પાંચ વર્ષમાં ડીજીટલ માકેટ રૂપિયા ૬૦ લાખ કરોડ રળી આપશે એટલે કે ડીજીટલ માર્કેટ ૯૦૦ બિલીયન ડોલરને આંબી જશે !!

વિશ્ર્લેષકોનાં મત મુજબ, વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ સુધીનાં પાંચ વર્ષનાં સમયગાળામાં ડીજીટલ ક્રાંતિ સર્જાશે અવનવી ટેકનોલોજીથી સજજ અધતન એપ્લીકેશનો વિકસશે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ હરણફાળ ભરશે તેમાં પણ મોટો અને મહત્વનો ભાગ આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ ભજવશે.

આઈસીઆઈસીઆઈના ડાયરેકટર દેવાંગ ભટ્ટે આ અંગે જણાવ્યું કે, આવતા ચાર વર્ષમાં દર વર્ષે ડીજીટલ માર્કેટ ૧૬ ટકા વધશે. હાલ, ૪૯૦ બીલીયન ડોલરનું માર્કેટ છે. જે વર્ષ ૨૦૨૫ સુધી ૯૦૦ બીલીયન ડોલરે પહોચશે. કોરોના કાળમાં એકબીજાનાં સંપર્કમાં આવવાથી બચવા ડિજીટલ સેવાનો વ્યાપ અનેકગણો વધ્યો છે. બેંકો, હોટેલ, રેસ્ટોરન્ટ વગેરે જેવા તેમજ હોસ્પિટલે જવાથી પણ લોકો બચી રહ્યા છે.અને આ તમામ સેવાઓ ઓનલાઈન માધ્યમથી મેળવી રહ્યા છે. આ માટે ખાસ પ્રકારનાં સોફટવેર, હાર્ડવેર, એપ્લીકેશનો વિકસી છે. કોરોના મહામારીના આ સમયમાં ટેકનોલોજીની બોલબાલા વધી છે.

૫-જી લોન્ચ થવાથી ડિજિટલ નેટવર્ક વધુ ઝડપી અને મજબુત બનશે

આગામી થોડા સમયમાં ભારતમાં ૫-જી સેવા લોન્ચ થનાર છે. વર્ષ ૨૦૨૧નાં શરૂઆતી છ માસના ગાળામાં ૫-જી નેટવર્ક શરૂ કરવા રીલાયન્સે તાજેતરમાં જાહેરાત કરી હતી. ૫-જી લોન્ચ થવાથી ડીજીટલ નેટવર્ક વધુ ઝડપી અને મજબુત બનશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. નેટ સ્પીડ વધવાથી મસમોટા ડીજીટલી કામો સેંકડોમાં થઈ જશે જેનાથી ટેકકંપનીઓ સહિત તમામ ક્ષેત્રે મોટો ફાયદો થશે.

આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સીનો વ્યાપ વધશે

અત્યારના સમયમા ઓફીસ ઘર કે હોટેલ, રેસ્ટોરન્ટ હોસ્પિટલ શાળા વગેરે તમામ સ્થળોએ રોબોટીક મશીનરીનો ઉપયોગ વધ્યો છે. ડ્રોન સેવાનો વ્યાપ પણ વધ્યો છે. જે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સના આધારે જ કામ કરે છે. આગામી ટેકનો ક્ષેત્રે એઆઈનો વ્યાપ વધુ વધશે જેના લીધે વર્ચ્યુઅલ રીઆલીટી ક્ષેત્રે વ્યાપ-વિસ્તાર વધશે. વર્ચ્યુઅલ રીઆલીટી એટલે એક એવું આભાસી વાતાવરણ કે જે ગ્લાસીસ થકી યથાર્થજ લાગે. લોકો આ માધ્યમથી વર્ચ્યુઅલી મળતા થાય તો પણ નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.