જામનગર શહેરમાં આવેલી સલામતિમાં વામણી પુરવાર થયેલી ૪૯ હોસ્પિટલોને તાળા લાગી જશે?

જામનગર મહાપાલિકા, આઇએમઓની બેઠકમાં ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલોને છેલ્લી મહેતલ

શહેરમાં ફાયર સેફટીની સવલતો નહીં ધરાવતી ૪૯ હોસ્પિટલોને ૧૫ દિવસનો વધુ સમય આપી ફાયર સેફટી સુવિધા ઉભી કરી લેવા તાકીદ કરાઈ છે. ૧૫ દિવસમાં યોગ્ય સુવિધા નહીં થાય તો હોસ્પિટલોને સીલ કરાશે તેમ મ્યુ. તંત્રે જણાવ્યું છે.

શહેરમાં આવેલી ૪૯ જેટલી સરકારી- અર્ધસરકારી અથવાતો ખાનગી હોસ્પિટલો કે જ્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે જે તમામ હોસ્પિટલોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીના સાધનો વસાવી લઈ ફાયરનું એન.ઓ.સી. મેળવવા માટેની તાકીદ કરવામાં આવી છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠકનો દોર યોજાયા પછી પંદર દિવસનો વધુ સમય અપાયો છે. ત્યાર પછી સીલીંગ ની પ્રક્રિયા હાથ ધરાશે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા તાજેતરમાં શહેરની જુદી-જુદી ૬૪ જેટલી ખાનગી તેમજ સરકારી અર્ધ સરકારી હોસ્પિટલોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વે દરમિયાન ૪૯ હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમ નો અભાવ જોવા મળ્યો હતો. જે અંગેનો રિપોર્ટ તૈયાર કરીને મ્યુનિ કમિશનરને સોંપવામાં આવ્યો હતો. જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં નાયબ કમિશનરની આગેવાની હેઠળ તાકીદની બેઠક યોજાઇ હતી.

મહાનગરપાલિકાના સિટી ઈજનેર, મેડિકલ ઓફિસર, હેલ્થ ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, તેમજ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન- જામનગર બ્રાંચના હોદ્દેદારો તથા જીજી હોસ્પિટલના ફાયર નોડલ ઓફિસર વગેરે તાકીદની બેઠકમાં હિસ્સેદાર બન્યા હતા, અને જામનગરની તમામ ખાનગી હોસ્પિટલમાં વહેલી તકે ફાયરનો એન.ઓ.સી મેળવી લેવા સુચના અપાઇ હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આ મામલે આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે, અને ૧૫ દિવસમાં તમામ ખાનગી હોસ્પિટલોને ફાયરની સિસ્ટમ વસાવી લઇ જરૂરી એન.ઓ.સી મેળવી લેવાની તાકીદ કરવામાં આવી છે.

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ સેફ્ટી એક્ટ ૨૦૧૩ની જોગવાઈઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશોનું ચુસ્તપણે પાલન અને અમલવારી કરવાના ભાગરૂપે આખરી નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારપછી પણ જો ફાયરનું એન.ઓ.સી. મેળવી લેવામાં નહીં આવે તો આવી હોસ્પિટલો સામે સીલીંગની પ્રક્રિયા હાથ ધરાશે તેવી પણ આખરી ચેતવણી અપાઈ છે.