સનદી અધિકારીઓની બદલીમાં કોઇને સજા કોઇને શીર પાંવ

હર્ષદ પટેલને મહેસુલ વિભાગના સચિવ બનાવાયા: સેટલ મેન્ટ કમિશનર કે.એમ. ભીમજીયાણીએ હવે સહકાર અને પશુપાલન વિભાગમાં સેટ થવું પડશે

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઇકાલે પાંચ આઇએએસ અને એક આઇઆરએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. આ સનંદી અધિકારીઓની બદલીમાં કોઇના કામની કદર કરવામાં આવી છે. જયારે કોઇને સજાના ભાગરૂપે બદલી કરવામા આવી હોવાની ઝલક મળી રહી છે. ચુંટણી વર્ષમાં ભાજપ પોતાની ઇમેઝને જરા અમસ્તી પણ બગાડવા ઇચ્છતુ નથી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

જીએસીએલના એમડી તરીકે ફરજ બજાવતા હર્ષદ પટેલના કામની કદર થઇ છે. તેઓને મહેસુલ વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે. જયારે જેઓની કામગીરી સાથે થોડી ઘણી ફરીયાદો ઉઠી રહી હતી.

તેમાં સેટલમેન્ટ કમિશ્નર કે.એમ. ભીમજીયાણીને હવે સહકાર અને પશુપાલન વિભાગમાં સેટ થવું પડશે. તેઓને આ વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેઓને સજાના ભાગરુપે અહી મુકવામાં આવ્યા હોવાની ચર્ચાઓ પણ સચિવાલય લોબીમાં ચાલી રહી છે. આ ઉપરાંત લેન્ડ રિફોર્મ્સના કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા પ.સ્વરુપને જીએસીએલ વિભાગના એમડી બનાવવામાં આવ્યા છે.

બાયોટેક વિભાગના મિશન ડાયરેકટર ગાર્ગી જૈનની જીઆઇએલના એમડી બનાવવામાં આવ્યા છે. નર્મદા જીલ્લાના કલેકટર ધર્મેન્દ્ર શાહને કો. ઓપરેટીવ સોસાયટીઝના રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે. જયારે જીઆઇએલના એમડી આઇઆરએસ સચિન ગુસિયાની ટ્રાયબલ ડેવલપમેન્ટ  કોર્પોરેશનના એકિઝકયુટીવ ડાયરેકટર તરીકે નિમણુંક કરાય છે.

અમુક સનંદી અધિકારીઓ સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હતા વહીવટ વિના કોઇ કામ કરતા ન હોવાની ફરીયાદો સતત ઉઠી હતી. જેના કારણે તેઓની સજાના ભાગરુપે બદલી કરાય છે.

જયારે અમુક અધિકારીઓ, પ્રમાણિકતાથી કામ કરતા હોય તેઓની કદર કરતા બદલી કરાય છે. વિધાનસભાના ચુંટણી વર્ષમાં ભાજપ સરકાર પોતાની છબી બગાડવા ઇચ્છતું નથી. જેના કારણે બદલીનો દૌર શરુ કર્યા છે. આગામી દિવસોમાં  પણ બદલીનો આ સીલસીલો યથાવત રહેશે રાજયના કેટલાક આઇએએસ અને આઇપીએસની બદલી કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે.