કેવડિયામાં ડિફેન્સ કોન્ફરન્સનો આરંભ સેનાની ત્રણેય પાંખના વડાની ઉપસ્થિતિ

કોન્ફરન્સના પૂર્ણાહુતિ પ્રસંગે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે

 

ટેન્ટ સિટી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. ટેન્ટ સીટી ખાતેની આ કોન્ફરન્સમાં સેનાની તમામ પાંખના વડા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેમજ રક્ષા મંત્રી રાજનાથ ઉપસ્થિત રહ્યા છે.

6ઠ્ઠી માર્ચના રોજ પૂર્ણાહુતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ આ પ્રસંગે અનુમોદન પણ કરવાના છે. કેવડિયા કોલોનીમાં આ દિવસને લઇને ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો હવે યોજાઈ રહી છે. ત્યારે ડિફેન્સ કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનારી છે. આ કોન્ફરન્સ લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ ત્રણેય સેનાનાં વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ આવશે.

આ બેઠકમાં સંરક્ષણક્ષેત્રે સ્વદેશીકરણ, સશસ્ત્ર બળોની સંયુક્ત કમાન્ડ તથા થિયેટર કમાન્ડ અંગે ચર્ચા કરવામાં આવશે.યુદ્ધ કે શાંતિસમયે પણ સશસ્ત્રદળોના સંશાધનોનો સંયુક્ત રીતે વધુ સારો ઉપયોગ થઈ શકે તથા તેમાં બેવડી મહેનત કે ખર્ચ ન થાય તે માટે થિયેટર કમાન્ડ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેયર્સનું ગઠન કરવામાં આવ્યું હતું અને સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે જાહેર કરવામાં આવ્યા, ત્યારથી થિયેટર કમાન્ડના ગઠનની દિશામાં પ્રયાસરત છે.

દેશ ઉપર તોળાઈ રહેલા આંતરિક તથા બાહ્યા જોખમો ઉપર પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે.કમાન્ડરોની આ કોન્ફરન્સમાં પ્રથમ વખત જુનિયર કમિશન્ડ ઓફિસર તથા જવાનો પણ પ્રેઝન્ટેશન આપશે.ચીન-પાકિસ્તાન સાથેની નિયંત્રણરેખા ઉપર તેઓ કેવા સંજોગોમાં ફરજ બજાવે છે અને કેવી રીતે દુશ્મનોનો સામનો કરે છે.તેની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપશે.