Abtak Media Google News

1937 બાદ પ્રથમ વખત પોર્ટમાં ક્રોંક્રિટ જેટીના નવ નિર્માણ બાદ કાર્ગો જેટીમાં ગતિ મળશે

ગુજરાતના વિકાસ કરવા માટે જળમાર્ગનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી નવા બંદરની સ્થાપના કરવામાં આવી હતી. બારમાસી ગણાતા ભાવનગર બંદર ખાતે 1937 બાદ પ્રથમ વખત કોંક્રિટ જેટીનુ઼ નવનિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જૂના બંદરે મોટી માત્રામાં કાંપ આવવાને કારણે બંદર બૂરાતુ જતુ હતુ તેથી જૂના બંદરથી 8 કિ.મી.ના અંતરે નવા બંદરનું નિર્માણ કરાવવામાં આવ્યુ હતુ. અને ત્યાં વાર્ફ, વેરહાઉસ, રેલવે લાઇન, પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા. 1963માં તે સમયનો ભારતનો સૌપ્રથમ લોકગેટ પણ ભાવનગર બંદરમાં ઇન્સ્ટોલ કરાયો હતો.

Advertisement

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના ભાવનગર ખાતેના બારમાસી બંદરને પુન: ધમધમતુ કરવાના પ્રયાસરૂપે કોંક્રિટ જેટીનું તેના અસ્તિત્વના 84 વર્ષ બાદ પાયાથી પુન: નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 26 કરોડના ખર્ચે નવા બંદરે તદ્દન નવી કોંક્રિટ જેટી બનાવવામાં આવી રહી છે. ભાવનગરના નવા બંદર પર નાના જહાજ, બાર્જને બર્થ કરાવવા માટે હાલ બેસિનની દક્ષિણ બાજુએ આરસીસીની કોંક્રિટ જેટી આવેલી છે. આ જેટીનું નિર્માણ વર્ષ 1937માં કરવામાં આવ્યુ હતુ અને તેની લંબાઇ 268.80 મીટર અને પહોળાઇ 12.80 મીટર છે.

આ જેટીને સમયાંતરે જરૂરીયાત મુજબ મરામત તથા રીસરફેસિંગ કરાવવામાં આવતુ હતુ. પરંતુ આ કોંક્રિટ જેટી હવે પાયાથી હલબલી ઉઠી હતી, અને કાર્ગોની નોંધપાત્ર આવકને ધ્યાનમાં રાખીને જીએમબીએ અહીં તદ્દન નવી જેટી બનાવવાનો નિર્ણય કર્યો હતો. અંદાજે એક વર્ષમાં સંપૂર્ણપણે જેટી નવી બની જશે જેનાથી કાર્ગો હેન્ડલિંગમાં સવલતો મળશે. ભાવનગર પોર્ટના વિકાસ માટે જીએમબી પ્રયાસરત છે. આ અંગે પોર્ટ ઓફિસર ભાવનગર કેપ્ટન રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે 1937માં બનાવવામાં આવેલી જેટીનું આયુષ્ય પૂર્ણ થયેલું હોય, અને જીએમબીના તજજ્ઞોના રિપોર્ટના આધારે હયાત જેટીને ડિમોલીશ કરી અને એન્જીનિયરીંગના બેજોડ નમૂના સામે 271 મીટર લાંબી, 14.20 મીટર પહોળી કોંક્રિટ જેટીનું પાયાથી પુન: નિર્માણ કરવાવાનં કાર્ય શરૂ થયું છે. સવલતમાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.