Abtak Media Google News

દેશ બદલ રહા હૈ… 

પ કરોડથી નીચેની જગ્યાએ ૭૫ કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવતા એકમોનો નાના ઉદ્યોગોમાં સમાવેશ ; જ્યારે મધ્યમ કદમાં ૧૦ કરોડની જગ્યાએ ૨૫૦ કરોડના ટર્નઓવરની માન્યતાની દરખાસ્ત

મહામારીના કારણે વૈશ્ર્વિક કક્ષાએ ઉદ્યોગોને ટકવા ગળાકાંપ હરિફાઈમાંથી પસાર થવું પડશે. ચીન ઉત્પાદન ક્ષેત્રે મહદઅંશે નબળુ પડે તેવી ધારણા છે. અનેક દેશોની કંપનીઓ ઉત્પાદન માટે ચીનના સ્થાને અન્ય વિકલ્પ તરફ નજર દોડાવી રહી છે. આવા સંજોગોમાં ભારત પાસે વિશ્ર્વ ગુરૂ બનવાની તક આવી છે જેને ઝડપી લેવા તખતો પણ ઘડાઈ ચૂકયો છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઈ સેકટર માટે નવી વ્યાખ્યા ઘડવામાં આવશે. આ વ્યાખ્યા હવેથી ટર્નઓવર મુજબ રહેશે. જે ઉદ્યોગો ૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા હશે તેને માઈક્રો એકમ ગણાશે. જે ઉદ્યોગો ૭૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા હશે તેને લઘુ ઉદ્યોગ અને જે ઉદ્યોગ ૨૫૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા હશે તેને મધ્યમ ઉદ્યોગો તરીકે ગણવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવનારી નવી વ્યાખ્યાઓ અનેક તબક્કે અસર કરશે. વર્તમાન સમયે ચીનના ઉદ્યોગોની જેમ ભારતમાં પણ ઉદ્યોગોને મોકળુ મેદાન મળે અને હાથમાં આવેલી તક સરી ન જાય તેને ધ્યાને રાખીને આ વ્યાખ્યાઓ ઘડાશે. હાલ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અલગ તારવવા માટે પ્લાન્ટ અને મશીનરીમાં ઈન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવે છે. ભૂતકાળમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને અલગ તારવવા માટે ટર્નઓવરને ધ્યાને લેવાય તેવી દરખાસ્ત થઈ હતી. પરંતુ સ્વદેશી જાગરણ મંચ અને લઘુ ઉદ્યોગ ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા તેનો વિરોધ થયો હતો અને ઉત્પાદકોને નહીં પરંતુ એસેમ્બલ કરનારને લાભ મળશે તેવી દલીલ કરાઈ હતી. અલબત હવે સંજાગો બદલાઈ ગયા છે. કોરોનાના સંક્રમણના કારણે ચીનના સ્થાને ભારત ઉદ્યોગોનો વ્યાપ અને મર્યાદા વધારવા તખતો તૈયાર કરી રહ્યો છે.

વર્તમાન સમયે કેટલાક નિતી નિયમોના કારણે ઘણા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારના પ્રોત્સાહનનો સીધો લાભ મળતો નથી. અમુક પ્રોત્સાહનો એવા છે જેમાં ૫ કરોડથી ઓછી રકમનું ટર્નઓવર હોય તો મળતા હોય છે. આવું જ ૭૫ કરોડ અને ૨૫૦ કરોડથી ઓછી રકમના ટર્નઓવરમાં પણ જોવા મળે છે. હવે નવી વ્યાખ્યા મુજબ ફેરફાર થશે તો વધુને વધુ ઉદ્યોગોને સરકારના પ્રોત્સાહનોનો લાભ મળશે. આ ઉપરાંત ઉદ્યોગોને લોન મેળવવામાં પણ સરળતા થશે.

નોંધનીય છે કે, દેશમાં મોટાભાગના ઉદ્યોગો બેંકમાંથી ઈરાન ઉપર આધારીત હોય છે. મોટાભાગની ઉદ્યોગોની લોન માટેની કેપેસીટી સરકારે તેને આપેલી વ્યાખ્યાના અનુસંધાને હોય છે. હવે વ્યાખ્યા બદલાશે તો ઉદ્યોગોને લોન મેળવવામાં પણ સરળતા થશે. આ ઉપરાંત એકસ્પોર્ટ મુદ્દે પણ સરકારના પ્રોત્સાહનોનો લાભ લઘુ અને મધ્યમ ઉદ્યોગો મળશે તેવી ધારણા છે. મોદી સરકાર દ્વારા પ્રથમ ટર્મમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કેટલીક યોજનાઓ ઘડી કઢાય હતી. પરંતુ વિરોધ પક્ષો દ્વારા કરાયેલા વિરોધના કારણે આ દરખાસ્તોને મોકુફ રખાઈ હતી. આગામી સમયમાં લોકડાઉનના કારણે ઉદ્યોગોમાં તકલીફ ન પડે તે માટે પેકેજ જાહેર થવા જઈ રહ્યાં છે. હાલ દેશમાં ૬.૩ કરોડ એમએસએમઈ એકમો છે. જેમાં ૯૯ ટકા એકમો લઘુ ઉદ્યોગ તરીકે વ્યાખ્યાયીત થયા છે. હવે નવી વ્યાખ્યા મુજબ અમલવારી થશે તો લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યામાં પણ ખાસ્સો ફેરફાર થશે. નવી વ્યાખ્યાના કારણે અત્યાર સુધી જે ઉદ્યોગોને વિશ્ર્વ વેપાર સંગઠન લાભ આપવાનો વિરોધ કરી રહ્યો હતો તે ઉદ્યોગોને લાભ આપવામાં સરકારને સરળતા રહેશે.

કોરોના પછી અર્થતંત્ર, આરોગ્ય અને સપ્લાય ચેઇન વિના આગળ વધવું અશક્ય

લોકડાઉનની તબક્કાવાર અમલવારી થઈ છે. જેના માઠા પરિણામો ઉદ્યોગોને ભોગવવા પડી રહ્યાં છે. લોકોના સ્વાસ્થ્યને પણ અસર થઈ છે. આવા સંજોગોમાં મહામારી બાદ સરકાર સામે અર્થતંત્રને ટકાવી રાકવું, સપ્લાય ચેઈન તૂટે નહીં તે નિર્ધારીત કરવું અને લોકોની આરોગ્ય વ્યવસ્થા માટે સુચારૂ પગલા લેવા સહિતના પડકારો સામે આવીને ઉભા રહેશે. હાલ દેશના ૪૫ ટકા જેટલા અર્થતંત્રને ગંભીર અસર કોરોનાના કારણે થઈ છે. આગામી પોલીસી અર્થતંત્ર ઉપર નિર્ભર રહેશે. લોકોના સ્વાસ્થ્યને પણ જાળવી રખાશે. વર્તમાન સમયે ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો ન આવે તે માટે સરકારે લીધેલા પગલા સમગ્ર વિશ્ર્વએ વખાણ્યા છે. આગામી સમયમાં વધુ કડક અમલવારી આરોગ્ય મુદ્દે થશે. સપ્લાય ચેઈન તૂટે નહીં, કાચો માલ ઉદ્યોગો સુધી પહોંચે તે માટે સરકારને કેટલીક પોલીસી ઘડી કાઢવી પડશે. હાલ સપ્લાય ચેઈન અને અર્થતંત્રને જાળવ્યા વગર વિકાસ સાધવો ખુબજ કપરો છે.

  •  કોરોના ઉદ્યોગોની ‘દીવાળી’ બગાડી નાખશે : ૪૦ ટકા ઉત્પાદન કાપ સાથે ઉદ્યોગોને ટકવું મુશ્કેલ

કોરોના મહામારીના કારણે આગામી તહેવારોમાં વેપાર-વાણીજયની રોનકમાં ઝાખપ આવશે. ઉદ્યોગોની દિવાળી બગડશે. ૪૦ ટકા ઉત્પાદન કાપ હોવાના કારણે ઉદ્યોગોને ટકવું મુશ્કેલ બનશે. અત્યારે કપડા, પગરખા, રેફ્રિઝરેટર, એર કંડીશન, સ્માર્ટ ફોન સહિતનું ઉત્પાદન કરતા હોય તેવા ઉદ્યોગોને સામાન્ય કરતા ૪૦ ટકાનું ગાબડુ પડ્યું છે. મહામારીના કારણે ઉત્પાદનમાં ૪૦ ટકાનો કાપ મુકવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પ્રિમીયમ પ્રોડકટના પોર્ટફોલીયોમાં પણ ખરીદી દેખાતી નથી. લોકોની આવકમાં ગાબડુ પડ્યું હોવાથી આગામી તહેવારોમાં ઉદ્યોગો-કંપનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. અરવિંદ ફેશનના સીઈઓ જે.સુરેશ દ્વારા આ બાબતે જણાવાયું હતું કે, લોકડાઉનના પગલે અમે ૩ મહિનાના એક્ટિવ ટ્રેડીંગ દિવસો ગુમાવ્યા છે. જુનમાં પણ વેંચાણમાં કાપ જોવા મળશે. પરિણામે ઓર્ડર બુકમાં ૪૦ ટકા કાપ જોવા મળશે. વિન્ટર સીઝન પણ ૬૦ ટકા જ નોર્મલ જોવા મળશે. દેશમાં પુમા, લોટો, પાવર સહિતની કંપનીઓને પણ રિટેલ બિઝનેશમાં કાપ મુકવાની પરિસ્થિતિ ઉભી થાય તેવી શકયતા છે.

ઈલેકટ્રોનિકસ બ્રાન્ડસને પણ મહામારીએ મરણતોલ ફટકો આપ્યો છે. આગામી સમયમાં લેબર રિફોર્મથી કેટલીક રાહત મળશે તેવી ઉદ્યોગોને આશા છે. પરંતુ ૪૦ ટકા જેટલા તોતીંગ કાપના માઠા પરિણામો લાંબા સમય સુધી ભોગવવા પડશે.

  • ઉત્પાદનમાં વધારો કરી ટેક્સ, જીડીપીને ધ્યાને લઇ  દેશની અર્થ વ્યવસ્થા બેઠી કરવા સરકાર સજ્જ

મહામારીના સમયમાં દેશના ઉદ્યોગોને ટકાવી રાખવા અતિ કપરૂ બની રહ્યું છે. સરકારે દેશની અર્થ વ્યવસ્થાને બેઠી કરવા ઉત્પાદકતામાં વધારો કરવાનો તખતો ગોઠવ્યો છે. આગામી સમયમાં અર્થતંત્ર વિ-શેપ ઢાળમાં ગતિ કરે તેવી અપેક્ષા છે. એકાએક નીચે આવેલુ અર્થતંત્ર સપાટીથી ઉછળીને ફરીથી ટોંચે પહોંચે તેવા ઘાટને વી-શેપ ગણવામાં આવે છે. વર્ષો પહેલા સ્પેનીશ ફલુ અને ઈન્ફલુ એન્ઝાના રોગચાળા સમયે પણ આવી સ્થિતિ જોવા મળી હતી. દેશના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા ટેક્સના મારફતે પણ જીડીપીને જીવતી રાખવા પ્રયાસ થશે. મહામારી નાબુદ થયા બાદ સરકાર કોવિડ બોન્ડ જાહેર કરી શકે અને ફોરેન એકસ્ચેન્જ રિઝર્વનો પણ ઉપયોગ કરી શકે તેવી સલાહ પણ નિષ્ણાંતો દ્વારા અપાઈ હતી. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ઓછી આવક ધરાવતા કર્મચારીઓને પે ચેક પ્રોટેકશન પ્રોગ્રામમાં આવરી લેવા દરખાસ્ત કરી હતી. સામાન્ય સંજોગોમાં ડેપ્ટ એકત્રીકરણની પરિસ્થિતિમાં ભારત મુશ્કેલીમાંથી ઉગરી શકે છે. કેટલાક નિષ્ણાંતો માર્કેટ બોરોવીંગ એટલે કે બજારમાંથી પૈસા લેવાની વાત

પણ આગળ ધરે છે. ૨૦૨૦-૨૧ નાણાકીય ક્ષેત્રે ખુબજ કપરુ નિવડશે. માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, યુકે અને ચીન જેવા મોટા અર્થતંત્રને પણ કોરોના મહામારી નુકશાન પહોંચાડશે. કેટલાક સંજોગોમાં કરદાતાઓ પર સરચાર્જ વધારવાની હિમાયત થઈ છે. પેટ્રોલ-ડિઝલ કે આલ્કોહોલમાં આ બાબતની અમલવારી પણ થવા લાગી છે. પરંતુ અતિ ધનાઢ્યને પણ વધુ ટેકસ પે કરાવવામાં આવે તેવી હિમાયત થઈ છે. ચાલુ વર્ષે ફિશ્કલ ડિફીશીટ પણ વધશે તેવી સંભાવના છે. અલબત અગાઉની સરખામણીમાં ફિશ્કલ ડિફીશીટ સરકાર માટે મોટો મુદ્દો નહીં હોય. ઉદ્યોગો ડગમગે નહીં તે જોવાનું રહેશે. જીડીપીમાં કર માળખુ અગત્યનો ભાગ ભજવે છે. ટેકસથી જીડીપીને આગળ ધપાવવાની તૈયારી પણ  થઈ રહી છે. કોરોનાની મહામારીને કારણે વર્ષ ૨૦૨૦-૨૧ નાણાકીય વર્ષમાં અનેક પડકારો સામે આવશે.

  • ઉદ્યોગોને ‘જીવતા’ રાખવા મજૂર કાયદામાં ફેરફાર!!!

રાજ્યમાં ઉદ્યોગોને જીવતા રાખવા માટે ગુજરાત કેબીનેટ દ્વારા નવા મજૂર કાયદાના ફેરફારને મંજૂરી અપાઈ છે. લોકડાઉન ખુલ્યા બાદ ગુજરાતના ઔદ્યોગીક એકમો શ્રમિકોની ઘટનો અનુભવ કરશે. નવો કાયદો આ ઘટમાં પુરાંત કરી શકે છે. કાયદા મુજબ ફેકટરી રાઉન્ડ ધ કલોક સંચાલીત રહી શકશે. વર્તમાન સમયે ઉદ્યોગમાં ૮ કલાકની શિફટ હોય છે. હવે નવી ગાઈડ લાઈન મુજબ ૧૨ કલાકની શિફ્ટમાં શ્રમિકો પાસે કામ કરાવી શકાશે. અગાઉ કોઈ એકમને રજિસ્ટર્ડ થવા માટે ઓછામાં ઓછા ૧૦ કર્મચારી કામ કરતા હોવાની શરતોનું પાલન કરવું પડતું હતું. હવે આ લઘુતમ ૧૦ કર્મચારીની શરતો હટાવી લેવાઈ છે. પરિણામે ૧૮૦૦૦થી વધુ નાના એકમો રજિસ્ટ્રેશન માટે તૈયાર થશે. અગાઉ કોઈપણ ઉદ્યોગને ૪ કલાક ઓવરટાઈમ થાય તો બે ગણું વળતર આપવામાં આવતું હતું. હવે શિફટ ૧૨ કલાકની થઈ જતાં બે ગણું વળતર આપવું પડશે નહીં. હવે ૪૮ કલાકની જગ્યાએ અઠવાડિયામાં ૭૨ કલાકની રોજગારી ઉપલબ્ધ કરાવી શકાશે. એકંદરે સરકાર દ્વારા મજૂર કાયદામાં થયેલા ફેરફારથી લોકડાઉનમાં જે એકમો ઠપ્પ થઈ ગયા છે. અથવા નુકશાન થયું છે તે ઝડપથી આગળ વધવા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.