Abtak Media Google News

ટેક્નોલોજીમાં આધુનિકરણની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા ભારત સજ્જ !!!

વ્યવસ્થા ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર દરેક ક્ષેત્રને પ્રાધાન્ય આપી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓને અમલી બનાવવામાં આવી છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી સુધી પહોંચવામાં ભારતને જો કોઈ સૌથી વધુ મદદરૂપ થાય તે ક્ષેત્ર હોય તો તે અવકાશ છે. ત્યારે વિકાસની ઊંચાઈને આપવા ભારત અવકાશ ક્ષેત્ર તરફ વળવા જઈ રહ્યું છે અને નવીનતમ ટેકનોલોજીની સાથોસાથ આધુનિકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસિત કરવા માટે ભારતે કમર કસી છે. એટલું જ નહીં સરકાર વધુ ને વધુ ટેકનોલોજીના ઉપયોગથી રોકેટમાં વાપરવામાં આવતી  સોલીડ મોટર, લિક્વિડ મોટર તેના એન્જિનના પેલોડ સહિતની વસ્તુઓ બનાવવા માટે આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કર્યું છે.

ભારત તમામ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે વિશ્વના મોટા અને વિકાસશીલ દેશોની સાથે ભારત પણ તમામ મોર્ચે સાથે ચાલી રહ્યું છે. તેમાં હવે ભારતીય સ્પેસ સેક્ટર પણ મહત્વનો ભાગ ભજવશે. ભારત સરકારે 2020 માં સ્પેસ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે. અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ પણ ઝડપથી વિકસિત થયા છે.  સરકારની જે અવકાશ માટેની જે યોજના ની અમલવારી કરવામાં આવી તે પૂર્વે આ ક્ષેત્રમાં કોઈ ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું ન હતું અને ભારત અન્ય દેશો ઉપર જ નિર્ભર રહેતું હતું. એટલુજ નહીં  અવકાશ ક્ષેત્ર માત્ર વ્યૂહાત્મક અર્થ સંરક્ષણ માટે હતું. અવકાશ એટલે સામાન્ય માણસનો લાભ. ઈસરો બાદ સ્ટાર્ટઅપ્સ પણ સારાભાઈના સપનાને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે પૃથ્વી પરથી અત્યાર સુધીમાં લગભગ સાડા પાંચ હજાર ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે અવકાશમાં લગભગ 10 લાખ જેટલા કાટમાળ છે. જો એક ટુકડો પણ સેટેલાઇટ સાથે અથડાશે તો સેટેલાઇટ મોકલવા પાછળ થયેલો કરોડો રૂપિયાનો ખર્ચ તો જશે જ પરંતુ તે સેટેલાઇટ દ્વારા અપાતી સેવાઓ પણ અચાનક બંધ થઇ જશે. સંદેશાવ્યવહારથી લઈને હવામાન અને કૃષિની આગાહી કરવા સુધીના દરેક ક્ષેત્રમાં ઉપગ્રહોના વધતા ઉપયોગને જોતા એક અંદાજ છે કે આગામી 10 વર્ષમાં અન્ય 50,000 ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવશે. પછી તેમના કાટમાળ સાથે અથડાવાનું જોખમ પણ ખૂબ વધી જશે. પરંતુ દિગંતરા નામના ભારતીય સ્ટાર્ટઅપે અવકાશમાં કાટમાળનું સ્થાન જણાવવા માટે એક સેન્સર વિકસાવ્યું છે. જેના દ્વારા એ જાણી શકાશે કે સેટેલાઇટ ક્યાં રાખવું સુરક્ષિત રહેશે.

છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં સ્પેસટેક સ્ટાર્ટઅપ્સ માટે સારી તકો ઊભી થઈ છે. આજે ખાનગી કંપનીઓ દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. લોંચિંગ હોય, સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ હોય, રિમોટ સેન્સિંગ હોય. દરેક ડોમેનમાં અમુક અથવા બીજી કંપની હાજર છે. આ સ્ટાર્ટઅપ્સ આવનારા દિવસોમાં ભારતને અવકાશ ક્ષેત્રમાં ખૂબ આગળ લઈ જશે. ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જ્યાં લોકોએ મહામારીના મુશ્કેલ દિવસોમાં પણ સાહસિકતા બતાવી. તેમણે માઇક્રો સેટેલાઇટ, એડવાન્સ્ડ રોકેટ પ્રોપલ્શન, લોન્ચ વ્હીકલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડીપ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને બિઝનેસ મોડલ લાવ્યા. જે દેશોએ હજુ સુધી અવકાશ ક્ષેત્રે કદમ ઉઠાવ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.