Abtak Media Google News

20 હજાર મેગાવોટના ઓફશોર પવન ઉર્જા પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી : સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ખંભાતની ખાડી સહિતના સ્થળોની પ્રાથમિક પસંદગી

કેન્દ્ર સરકાર બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે એક પછી એક મહત્વપૂર્ણ કદમ લઈ રહી છે. ગુજરાત સરકાર પણ આ દિશામાં સતત આગેકૂચ કરી રહી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના દરિયાકાંઠે દેશનો સૌથી મોટો પવન ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા તૈયારી આદરી છે. આ માટે સૈદ્ધાંતિક મંજુરી પણ આપી દેવામાં આવી છે.

દેશના સૌથી મોટા પુનઃપ્રાપ્ય ઉર્જા એકમોમાંના એક તરીકે કેન્દ્ર સરકારે ગુજરાતના દરિયાકાંઠે ઓફશોર પવન ઉર્જા ઉત્પાદન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 20,000 મેગાવોટ પવન ઉર્જાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટમાં ઑફશોર પવનચક્કી સ્થાપવામાં અંદાજે રૂ. 16,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. અને ઓનશોર ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં રૂ. 20,000 કરોડથી રૂ. 24,000 કરોડના વધારાના રોકાણની કલ્પના કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદિત તમામ પાવર રાજ્ય સરકાર દ્વારા ખરીદવામાં આવશે. સૂત્રો મુજબ કેન્દ્રીય રિન્યુએબલ એનર્જી મંત્રાલય ગુજરાતના દરિયાકાંઠે ઓફશોર વિન્ડ પાવર જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે બિડ આમંત્રિત કરશે. રાજ્ય સરકાર ટ્રાન્સમિશન નેટવર્ક સહિત દરિયાકાંઠે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે કેન્દ્ર સાથે ભાગીદારી કરશે.

આ પ્રોજેક્ટ અંગે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર જનરેટર્સ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે અને તેમના દ્વારા ઉત્પાદિત તમામ પાવર ખરીદશે. આ પ્રોજેક્ટ રાજ્યની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવામાં ઘણો આગળ વધશે.”

સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પહેલેથી જ જાહેર કરાયેલી યોજનાઓ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે ભંડોળની જરૂર હોય તેવી સંસ્થાઓને વાયાબિલિટી ગેપ ફન્ડિંગ પણ આપશે. રાજ્ય સરકાર દ્વારા પવન ઉર્જા ઉત્પાદન પર તૈયાર કરાયેલ અહેવાલ જણાવે છે કે રાજ્યનો 1,600 કિમીનો દરિયાકિનારો 32 ગીગા વોગ અને 35 ગીગાવોટ ની વચ્ચે ઓફશોર પવન ઉર્જા ઉત્પાદનની સંભાવના પ્રદાન કરે છે.

રાજ્યમાં વર્તમાન પવન ઉર્જાનું ઉત્પાદન 9,860.6મેગા વોટ છે. રાજ્ય સરકારે દરિયાકિનારે પાંચ વિસ્તારો ઓળખી કાઢ્યા છે જે ઓફશોર વિન્ડ પાવર ઉત્પાદન માટે યોગ્ય છે. આ પ્રદેશોનો સંયુક્ત ક્ષેત્રફળ 8,159 કિમી છે અને દરિયાકાંઠે આવેલા આ પાંચ પ્રદેશોમાં 37.2 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આ પ્રદેશો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા છે.

ગુજરાતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે પવન ઉર્જાથી બીજા રાજ્યોની વીજ જરૂરિયાત પણ પુરી થઈ શકે

ગુજરાત રાજ્યનો વિશાળ દરિયાકિનારો છે. જેની ભૌગોલિક સ્થિતિ સારી હોવાથી ત્યાં પવન પણ સારો રહે છે. જેને પરિણામે ગુજરાત દરિયાકિનારો મોટા પ્રમાણમાં પવન ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી ન માત્ર ગુજરાતની પણ અન્ય રાજ્યની વીજળીની જરૂરિયાત પણ પુરી કરી શકાય છે.

દેશનું આયાતનું બીલ ઘટાડવામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર 20 હજાર મેગા વોટના પવન ઉર્જા પ્રોજેક્ટથી રાજ્યની વીજ જરૂરિયાત મોટા પ્રમાણમાં સંતોષાશે. જેથી ગુજરાતને કોલસા ઉપરથી ઉત્પાદિત થતી વીજળી ઉપર વધુ નિર્ભર રહેવું પડશે નહિ. જેના કારણે ગુજરાત દેશનું કોલસાનું આયાત બિલ ઘટાડવા માટે મહત્વની ભૂમિકા ભજવવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.