Abtak Media Google News

એશિયન પેરા ગેમ્સમાં પાંચમા દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે ટુનામેન્ટ્સમાં અત્યાર સુધીમાં કુલ 108 મેડલ જીત્યા હતા જેમાં 28 ગોલ્ડ, 31 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. બંન્ને હાથ ના હોવા છતાં શીતલ દેવીએ ફરી એકવાર એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતને ગૌરવ અપાવ્યું હતું. મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શીતલ દેવીએ આ એશિયન પેરા ગેમ્સમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. બંન્ને હાથ ન હોય તેવી તે વિશ્વની પ્રથમ મહિલા તીરંદાજ છે. તેણે સિંગાપોરની અલીમ નૂર સયાહિદાને 144-142થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. અગાઉ તેણે રાકેશ કુમાર સાથે મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વર્ષ 2018 ની સરખામણીમાં કુલ મેડલની સંખ્યામાં 37.5 ટકા નો વધારો

સુહાસ યથિરાજે મેન્સ સિંગલ બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.પેરા-શટલરે તેના મલેશિયન હરીફને હરાવી ગોલ્ડ જીત્યો હતો.યથિરાજે મેચ 2-1થી જીતી લીધી હતી. ભારત તરફથી ધર્મરાજ સોલઇરાજે મેન્સ લોંગ જમ્પ ટી-64 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રમોદ ભગતે મેન્સ સિંગલ એસએલ3 બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતના નીતેશ કુમારને સિલ્વર મેડલ મળ્યો હતો. ભગતે નીતેશે આખરે મેચ 2-1થી જીતી હતી.

રમણ શર્માએ પુરુષોની 1500 મીટર ટી-38 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 4:20.80 સેકન્ડમાં રેસ પૂરી કરીને એશિયન પેરા ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. મુરુગેસન થુલાસિમથીએ મહિલા સિંગલ્સ એસયુ5 કેટેગરીની બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ચીનની યાંગ ક્વિક્સિયાને 2-0 (21-19, 21-19)થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. નીતેશ કુમાર અને તરુણે પુરુષોની ડબલ એસએલ-4 બેડમિન્ટન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીઓએ ઇન્ડોનેશિયાની જોડીને હરાવીને જીત મેળવી હતી.

કૃષ્ણા નાગરે પુરુષોની સિંગલ્સ બેડમિન્ટન એસએચ6 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે હોંગકોંગના કાઈ માન સામે શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. રાકેશ કુમારે પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન આર્ચરી ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટોચના તીરંદાજને ઈરાનની અલેસિના મનશાઈઝાદેહ સામે સખત સંઘર્ષ કરવો પડ્યો અને રમત 14-144થી સમાપ્ત થઈ હતી.

મેન્સ જેવલિન એફ-54 ઇવેન્ટમાં પ્રદીપ કુમારે સિલ્વર મેડલ અને લક્ષિતે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પ્રદીપ કુમારે આ ઈવેન્ટમાં 25.94 મીટરનો થ્રો કર્યો હતો. લક્ષિતે 21.01 મીટરનો થ્રો કર્યો હતો. માનસી ગિરીશચંદ્ર જોશી અને મુરુગેસન થુલાસિમથીએ મહિલા ડબલ્સ એસએલ3-એસયુ5 બેડમિન્ટન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રાજ કુમાર અને ચિરાગ બરેથાએ બેડમિન્ટનમાં પુરુષોની ડબલ્સ એસયુ5 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. મનુએ મેન્સ શોટ પુટ એફ37 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરા-એથ્લેટે 14.09 મીટરનો થ્રો કર્યો હતો. સુયશ જાધવે બ્રોન્ઝ મેડલ જીતીને એશિયન પેરા ગેમ્સ 2023 માટે પ્રથમ પેરા સ્વિમિંગ મેડલ જીત્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.