Abtak Media Google News

વર્ષોથી લોંગ ટર્મ વિઝા ઉપર શહેરમાં વસતા પાકિસ્તાની નાગરિકો હવે ભારતીય ગણાશે, થોડા જ દિવસોમાં જરૂરી હુકમો અર્પણ કરાશે

અબતક, રાજકોટ : શહેરમાં વસતા પાકિસ્તાનના ૧૪ નાગરિકોને ભારતીય નાગરિકત્વ મળવાનું છે. આ માટે થોડા જ દિવસોમાં જિલ્લા કલેક્ટર દ્વારા તેઓને જરૂરી હુકમો અર્પણ કરવાના હોવાની માહિતી મળી રહી છે.

રાજકોટ શહેરમાં મોરબી રોડ સહિતના વિસ્તારોમાં રહેતા પાકિસ્તાનના ૧૪ લોકોને ભારતીય નાગરિકત્વ મળવાનું છે. આ તમામ લોકો પાકિસ્તાનના લઘુમતી સમાજના છે. એટલે કે હિન્દુ છે. આ લોકો વર્ષોથી લોંગ ટર્મ વિઝા ઉપર રાજકોટ ખાતે વસવાટ કરતા હોય  તેઓએ જિલ્લા કલેકટર સમક્ષ ભારતીય નાગરિકત્વ મેળવવા અરજી કરી હતી. તમામ તપાસો અને જરૂરી કાર્યવાહી બાદ હવે આ તમામ ૧૪ લોકોને ભારતીય નાગરિકત્વ મળવાનું છે. આ માટે ટુંક સમયમાં તેઓને કલેક્ટર કચેરીમાં બોલાવવામાં આવશે અને કલેક્ટરના હસ્તે જરૂરી હુકમો અર્પણ કરવામાં આવશે.

પાડોશી દેશોના લઘુમતી સમાજના નાગરિકોને નાગરિકત્વ આપવાનો પાવર છ જિલ્લા કલેકટરોને

પાકિસ્તાન, બાંગલાદેશ સહિતના પાડોશી દેશમાં જે લઘુમતી વસે છે એટલે કે હિન્દુ કે શીખ લોકો વધુ પ્રમાણમાં નાગરિકત્વ મેળવવા માટે અરજી કરતા હોય છે. ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયા ખૂબ જટિલ હતી. આ માટે જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના ગૃહ વિભાગને જરૂરી તપાસ બાદ રિપોર્ટ સોંપવામાં આવતો હતો.

જે ત્યાંથી કેન્દ્રના ગૃહ વિભાગમાં જતો હતો. પણ  આ પ્રક્રિયા સરળ કરવા માટે રાજ્ય સરકારે શરૂઆતમાં કચ્છ, ગાંધીનગર અને અમદવાદ જિલ્લામાં આ પાવર જિલ્લા કલેકટરને સોંપ્યા હતા. ત્યારબાદ વધુ ત્રણ જીલ્લા મોરબી,રાજકોટ અને વડોદરામાં પણ આ પાવર જીલ્લા કલેકટરને સોંપવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે આ જીલ્લામાં જિલ્લા કલેકટર જરૂરી પ્રક્રિયા અનુસરીને પાડોશી દેશના લઘુમતીઓને નાગરિકત્વ આપી શકે છે.

૭ વર્ષથી લોંગ ટર્મ વિઝા ઉપર રહેતા હોય તેવા વિદેશીઓ ભારતીય નાગરિકત્વ મેળવવા કરી શકે છે અરજી

ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ૭ વર્ષથી ભારતમાં રહેઠાણ જરૂરી છે. જે વિદેશી નાગરિકો લોંગ ટર્મ વિઝા ઉપર અહી સ્થાયી થયા હોય તેઓ ૭ વર્ષ પછી ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે. આવા લોકોને દર વર્ષે લોંગ ટર્મ વિઝા મંજૂર પણ કરાવવા પડતા હોય છે. ઉલ્લેનીય છે કે ભારતીય નાગરિકત્વ મેળવવા માટે આઇબી અને પોલીસનો અભિપ્રાય પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.