Abtak Media Google News

ફૂલ ઉગ્યા પહેલા કરમાવવાનું પસંદ કરે છે

બાળકોની આત્મહત્યા કરવા પાછળના કારણો અને તેને કઈ રીતે ઓછું કરી શકાય એ વિશે મનોવિજ્ઞાન ભવનના ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ જોગસણ દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું

તાજેતરમાં જ બાળકોના આત્મહત્યાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જેણે દુનિયા જ નથી જોઈ એ ફૂલ ઉગ્યા પહેલા કરમાવવાનું પસંદ કરે છે જે સમાજના દરેક નાગરિક માટે ચિંતા નો વિષય છે. બાળકોની આત્મહત્યા કરવા પાછળના કારણો અને તેને કઈ રીતે ઓછું કરી શકાય એ વિશે મનોવિજ્ઞાન ભવનના ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ જોગસણ દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું

મનોરોગ માત્ર વયસ્કો માં જ હોય એ જરૂરી નથી. બાળકો પણ ઘણી સમસ્યાઓ નો સામનો કરતા હોય છે. જો યોગ્ય સમયે બાળકોનો વ્યવસ્થિત ઉપચાર કરવામાં ન આવે તો તેની બાળક પર ખૂબ નિષેધક અસર પડી શકે. સમાજમાં મનોરોગ વિશેના જ્ઞાનની ખૂબ જરૂર છે.

ભૌતિક સુખ-સુવિધાઓ માટેની આંધળી દોડે લોકોની વિચારસરણીને ઘણી અસર કરી છે.  આજે, સફળ વ્યક્તિની ઓળખ તેના ચારિત્ર્યથી નહીં, પરંતુ આર્થિક રીતે સમૃદ્ધ અને ભૌતિક સુખના માધ્યમથી થાય છે.  આ કારણથી દરેક વાલીઓએ નાનપણથી જ બાળકોના મનમાં આ વાત ફિટ કરવાનું શરૂ કરી દીધું છે કે જો તેમને સફળ થવું છે અને જો તેઓને આત્મનિર્ભર બનવું હશે તો અમીર બનવું પડશે. બાળકોને આત્મનિર્ભરતા અને આર્થિક રીતે સમૃદ્ધ થવાનો અર્થ સમજાવે છે.  મોટો માણસ બનવું એટલે ડોક્ટર, એન્જીનીયર, મોટા બિઝનેસમેન બનવું.  આજે બાળકો ભારે બેગના દબાણ અને માતાપિતાની ઉચ્ચ આકાંક્ષાઓની અપેક્ષા હેઠળ જીવે છે.  આ જ કારણ છે કે નાની ઉંમરે બાળકોમાં આત્મહત્યાનું વલણ વધી રહ્યું છે.

માતાપિતાએ તેમના બાળકોને આત્મનિર્ભરતાનો અર્થ સમજાવવો જોઈએ.  સ્વ એટલે ‘સ્વ’ અને અવલંબન એટલે ‘સપોર્ટ’ એટલે કે સ્વનો આધાર લેવો.  આત્મનિર્ભરતા એટલે તમારા મનની અનંત શક્તિમાં વિશ્વાસ કરવો.  મનની અનંત શક્તિ જ વ્યક્તિને સફળ બનાવે છે.  જે મનથી મજબુત હોય તેના માટે કશું જ અશક્ય નથી.  બાળકોના મન પર આ દબાણ શા માટે આપવું કે તેઓએ એક જ વારમાં સફળ થવાનું છે.  દરેક બાળકમાં અલગ-અલગ ગુણો અને રુચિઓ હોય છે, તેને સમજીને તેને સાચો માર્ગ બતાવવો જરૂરી છે.  તેમને તેમની ક્ષમતા અને શક્તિમાં વિશ્વાસ કરાવવા માટે આપણે જાગૃત થવું જરૂરી છે.

બાળકોને સમય, પ્રેમ, વિશ્વાસ અને ભાવનાત્મક સુરક્ષા આપો.  આપણા બાળકોનું જીવન અમૂલ્ય છે, તેઓ પરિવાર, સમાજ અને દેશનો પાયો છે.  આપણે તેમને આપણી ખોટી વિચારસરણી અને ખોટી આકાંક્ષાઓનો શિકાર થતા બચાવવાના છે.

બાળકોમાં આત્મહત્યાના કારણો

  • માતા પિતાની વધુ પડતી અપેક્ષા
  • સમાજનો બોજ
  • પરિપક્વતા નો અભાવ
  • અપૂરતી માહિતી અને ખોટું શિક્ષણ
  • શરત લગાવવામાં હારી જતા અહમ ઘવાવવો
  • રમત રમતમાં આત્મહત્યા
  • જિદ્દી અને આક્રમકતા
  • ટીવી સિરિયલોની અસર
  • અનુકરણ
  • ગુનાઓ દર્શાવતી સિરિયલોમાંથી જોઈને શીખવું
  • નક્કી કરેલ બાબતો પૂર્ણ ન થતા આત્મહત્યા સુજવી વગેરે

રોકથામ જરૂરી

જો યોગ્ય સમયે બાળકને યોગ્ય દિશામાં નહિ વાળવામાં આવે તો એ દિવસ દૂર નથી કે સમાજ નિષેધક દિશા તરફ પ્રગતિ કરશે.

  • બાળક સાથે ખુલ્લીને વાત કરો.
  • તેને અહેસાસ કરાવડાવો કે તમે તેને સમજી શકો છો
  • તમારી અપેક્ષાનો બોજ બાળક પર ન નાખો
  • નિષેધક ટીવી ચેનલો અને કાર્યક્રમોથી બાળકને દૂર રાખો
  • રિલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદ સમજાવો
  • દરેક સમસ્યાનો રસ્તો છે તે વર્તન દ્વારા સમજાવો
  • બાળકના વર્તનમાં આવેલ પરિવર્તન ની નોંધ કરો
  • બાળકનેઉંડાણ પૂર્વક સમજો
  • તેને વારંવાર કોઈ ભૂલનો અહેસાસ ન કરાવો
  • બાળકને સાયબર બુલિંગનો ભોગ બનતા અટકાવો
  • દરેક શાળામાં એક મનોવૈજ્ઞાનિક હોય તેવી વ્યવસ્થા કરાવવી

લક્ષણો

આમ તો ઘણી વખત આત્મહત્યાના લક્ષણો સીધા દેખાતા નથી હોતા પણ અભ્યાસો દ્વારા જે લક્ષણો સામે આવ્યા એ જોઈએ તો

  • દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ
  • રોજિંદા કામમાં રસ ન લાગવો
  • પોતાની ગમતી બાબતોથી પણ દૂર રહેવું
  • ભણવામાં રસ ન લાગવો
  • ગુસ્સો કરવો કે નાની વાતમાં આક્રમક થઈ જવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.