Abtak Media Google News

કાચિંડાની જેમ ‘કલર’ બદલતા કોરોનાના સમયાંતરે નવા નવા વેરિએન્ટ અને મ્યુટન્ટ સામે આવી રહ્યા છે. ટચુકડા એવા વાયરસે વિશ્વભરના દેશોને બાનમાં લઈ ખળભળાટ મચાવી દીધો છે. કોરોનાના નવા નવા સ્વરૂપ સામે આવતા વાયરસ સામેનું જોખમ વધુ વધતું જઈ રહ્યું છે ત્યારે હાલ વધુ એક નવા વેરિએન્ટ AY.4.2. પર વૈજ્ઞાનિકોની નજર છે. આ વેરીએન્ટના ભારતમાં કેસ નોંધાતા ચિંતા વધુ વધી છે. બ્રિટનમાં જોવા મળેલ આ વાયરસ ભારતમાં પણ દેખા દેતા સરકાર ઉપરાંત સ્થાનિક તંત્રની ચિંતા વધારી દીધી છે. ઘણાં સ્થળોએ આ નવા સ્વરૂપના સેમ્પલ મળી આવ્યા છે.

વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચાવતા કોરોના વાયરસના નવા પ્રકાર AY.4.2 વિશે ભારત સંપૂર્ણ રીતે સતર્ક છે. આ અંગે આજરોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે એક ટીમ કોરોનાના આ નવા પ્રકારને લઈને તેની તપાસમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ની ટીમો વિવિધ પ્રકારના રોગોના અભ્યાસ અને વિશ્લેષણ માટે કાર્યરત છે.

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન પર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સચિવ સહિત આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ સંબોધી મહત્વની જાણકારી આપી હતી. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોવેક્સિનની મંજૂરી અંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે WHO પાસે એક સિસ્ટમ છે જેમાં એક ટેકનિકલ કમિટી છે, જેણે કોવક્સિનને મંજૂરી આપી છે, જ્યારે બીજી કમિટીની આજે બેઠક યોજાવાની છે. આજની બેઠકના આધારે કોવેક્સિનને વૈશ્વિક મંજૂરી આપવામાં આવશે…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.