ભારતીય મહિલા હોકી ટીમે આફ્રિકાને ૪-૩થી ધૂળ ચટાવી: નોકઆઉટની આશા જીવંત

કલપ્રિત કૌર ડિસ્કથ્રોમાં ફાઇનલમાં પહોંચી: ઇતિહાસ રચવાથી એક કદમ દૂર

પી.વી.સિંધુનો આજે સેમિફાઇનલ મુકાબલો

ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં ભારતનું ઉજળું પ્રદર્શન જારી રહ્યું છે. જેના કારણે દેશને હજુ પણ મેડલની આશા જીવંત રહી છે. હોકીમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને ૪-૩થી ધૂળ ચટાવતા હજુ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. તો બીજી તરફ કલપ્રિત કૌર પણ ડિસ્ક થ્રોમાં ફાઇનલમાં પ્રવેશ કરતા ઇતિહાસ રચવાથી માત્ર એક કદમ દૂર છે. આજે પી.વી. સિંધુ પણ બેડમિન્ટન સિંગલ્સ સેમિફાઇનલ મેચ રમશે.

ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને ૪-૩થી હરાવ્યું છે. તેનાથી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂલી ગયો છે. પુલ એ-માં આયર્લેન્ડ અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોનો ફેંસલો થશે. ભારત તરફથી વંદના કટારિયાએ હેટ્રિક ગોલ કર્યા હતા. વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે.

ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી છે અને ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલો ગોલ કર્યો હતો. મેચની ચોથી મિનિટમાં જ નવનીત કૌરના પાસ પર વંદના કટારીયાએ ગોલ કરીને ભારતને ૧-૦થી આગળ કર્યું હતું. આ પહેલા ક્વાર્ટર ફાઇનલ પૂર્ણ થતાં પહેલા સાઉથ આફ્રિકાની ટીમે ગોલ કરીને બરાબરી કરી લીધી હતી. મેચની બીજી ક્વાર્ટર ફાઈનલમાં વંદનાએ એક ગોલ કરીને ટીમને ફરીથી ૨-૧થી આગળ કરી હતી. જ્યારે ફાઇનલ વિસલ પહેલા ભારતીય મહિલા હોકી ટીમે ૪-૩ની લીડ મેળવીને દક્ષિણ આફ્રિકાને મ્હાત આપી હતી.

ટોક્યો ઓલિમ્પિક્સના ૯ માં દિવસે ડિસ્કસ થ્રો કેટેગરીમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અહીં કમલપ્રીત કૌરે ૬૪ મીટરના ડિસ્ક થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર બે જ મહિલા ખેલાડી ૬૪ મીટરનો આંકડો સ્પર્શી શકી હતી. કલપ્રિત કૌરનો ફાઇનલ મુકાબલો ૨જી ઓગસ્ટના રમાશે.

આ સિવાય આજે ભારતની પી.વી. સિંધુ મહિલા બેડમિન્ટનની સિંગલ્સ મુકાબલાની સેમી-ફાઇનલ મેચ રમશે. સિંધુનો મુકાબલો ચાઈનીઝ તાઈપે કી તાઈ ઝુ યિંગ સામે થશે. યિંગ વિશ્વ નંબર-૧ ખેલાડી છે. તેના સિવાય પૂજા રાની પણ બોક્સિંગમાં મેડલ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.