Abtak Media Google News

એક તરફ તહેવારોની સિઝન ચાલી રહી છે તો બીજી બાજુ કોરોનાની અસરતળે મોંઘવારીએ માજા મુકતા દરેક વર્ગને માર પડી રહ્યો છે. ઈંધણની આગ ખાધતેલ સુધી પ્રસરતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે હવે વધતા જતા ફુગાવાના દરને કાબુમાં લઈ તહેવારોમાં સામાન્ય વર્ગને રાહત આપવા સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આસમાને પહોંચેલા ખાદ્યતેલના ભાવને નિયંત્રિત કરવા સરકારે આયાતી તેલ પરની આયાત-જકાત સંપૂર્ણપણે હટાવી લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનાથી દેશના સેંકડો પરિવારોને મોંઘવારીના મારમાંથી આંશિક રાહત મળશે.

આ અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે સરકારે પામ તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલની ક્રૂડ જાતો પરની તમામ આયાત-જકાત 31 માર્ચ, 2022 સુધી રદ કરી છે. ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયા ઓઇલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર હાલ આયાત જકાત પેટે 24.75 ટકા શુલ્ક વસૂલાય છે. જેને ઘટાડીને હવે શૂન્ય કરી દેવામાં આવતા આયાત સસ્તી બનશે અને પરિણામે ઘરેલુ બજારમા વધતાં ભાવને નિયંત્રિત કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પ્રથમ ઘટાડો કરવામાં આવ્યો હતો. ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાં કાપ મૂકવામાં આવ્યો હતો. જો કે, તેમ છ્તા વધતી જતી ઘરેલુ માંગને પગલે છૂટક ભાવ ઊચા રહ્યા હતા. ત્યારે હવે આગામી તહેવારોની સિઝનમાં ગૃહિણીઓની રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અહેવાલોના જણાવ્યા મુજબ નવેમ્બરમાં નવો પાક આવે તે પહેલા હજુ વધુ બે ડ્યુટી કાપની જાહેરાત કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે સરકાર હાલના ભાવ અને પુરવઠાના વલણોના આધારે વધુ બે કાપની જાહેરાત આગામી સમયમાં કરી શકે છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ (CPO) પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસને 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધું છે.

ભારતના સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન (SEA)ના જણાવ્યા મુજબ, CPO પર હવે ડ્યુટી 8.25 ટકા રહેશે જે અત્યાર સુધી 24.75 ટકા હતી. આ ઘટાડા સાથે ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર સેસ 5.5 ટકા (અગાઉ 24.75 ટકા) રહેશે. આ ઘટાડા સાથે, 14 ઓક્ટોબરથી એટ્લે કે આવતીકાલે આરબીડી પામોલીન, શુદ્ધ સોયાબીન તેલ અને શુદ્ધ સૂર્યમુખી તેલ પર અસરકારક ડ્યુટી 19.25 ટકા (અગાઉ 35.75 ટકા) થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.