Abtak Media Google News
  • નાકરાવાડી ખાતે કોર્પોરેશન દ્વારા સી એન્ડ ડી પ્લાન્ટ ઉભો કરાયો: બાંધકામ પરવાનગી લેતી વેળાએ વેસ્ટનો નિકાલ પ્લાન્ટ ખાતે જ કરવાની બાહેંધરી આપવી પડશે
  • કન્સ્ટ્રક્શન વેસ્ટમાંથી પેવિંગ બ્લોકનો નિર્માણ કરાશે: શહેરમાં કલેક્શન સેન્ટર પણ શરૂ કરવાની કોર્પોરેશનની વિચારણા

રાજકોટ શહેરભરમાંથી નિકળતાં બાંધકામ અને ડિમોલીશન વેસ્ટના નિકાલ માટે હાલ કોઇ નિશ્ર્ચિત નીતી કે નિયમો અમલમાં નથી. કોર્પોરેશન દ્વારા અગાઉ આ માટે સાઇટ ચોક્કસ જાહેર કરવામાં આવી હતી છતાં લોકો બાંધકામ વેસ્ટનો આડેધડ નિકાલ કરી શહેરની રોનક બગાડી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા નાકરાવાડી ખાતે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલીશન વેસ્ટના નિકાલ માટે ખાસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જે આગામી સોમવારથી કાર્યરત થઇ જતા સાથે જ સી એન્ડ ડી વેસ્ટના નિકાલ માટેના નવા નિયમો અમલમાં આવી જશે. મન પડે ત્યાં બાંધકામ વેસ્ટનો નિકાલ કરવામાં આવશે તો બાંધકામ પરવાનગી રદ્ કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ અંગે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે આગામી સોમવારથી નાકરાવાડી ખાતે સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવશે. સાથોસાથ બાંધકામ વેસ્ટના નિકાલ માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની અમલવારી પણ શરૂ થઇ જશે. બિલ્ડીંગ પ્લાન મૂકનાર વ્યક્તિ કે કંપની પાસેથી એવી લેખિતમાં બાહેંધરી લેવામાં આવશે કે બાંધકામ દરમિયાન નીકળનારા વેસ્ટનું નાકરાવાડી પ્લાન્ટ ખાતે નિકાલ કરવામાં આવશે. ડબલ સિસ્ટમ ગોઠવવામાં આવશે. નાકરાવાડી ખાતે પણ એક સિસ્ટમ હશે. જેમાં બાંધકામ પરવાનગીના નંબર રાખવામાં આવશે. જે વ્યક્તિ કે કંપની દ્વારા પોતાની સાઇટ પરથી બાંધકામ વેસ્ટ નાકરાવાડી ખાતે ઠાલવવામાં આવશે. ત્યાં તેની એન્ટ્રી કરવામાં આવશે. ત્યારબાદ જ નવું બાંધકામ શરૂ કરી શકાશે. જો આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો બાંધકામ પરવાનગી રદ્ કરી દેવામાં આવશે. ડિસ્મેન્ટલ દરમિયાન નીકળનારા કચરાનો એક ચોક્કસ અંદાજ રાખવામાં આવશે. જેનો નિકાલ જો નાકરાવાડી સી એન્ડ ડી પ્લાન્ટ ખાતે કરવામાં નહીં આવ્યો હોય તો બાંધકામ શરૂ કરવાની છૂટ મળશે નહીં.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હાલ શહેરમાં આડેધડ ઠલવાતા બાંધકામ વેસ્ટ સંદર્ભે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં જે-જે સ્થળે બાંધકામ વેસ્ટના ઢગલા પડ્યા છે. તેનો નિકાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. નવો વેસ્ટ ન ફેંકાય તે માટે વોંચ ગોઠવવામાં આવશે. જો કોઇ પકડાશે તો તેની સામે દંડ અને બાંધકામ પરવાનગી રદ્ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. નાકરાવાડી ખાતે સી એન્ડ ડી પ્લાન્ટ પર બાંધકામ વેસ્ટ લઇ જનાર વ્યક્તિ કે કંપનીએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. આટલું જ નહીં આ પ્લાન્ટનો કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય એજન્સી દ્વારા પ્રિમીયમ ચુકવવામાં આવશે. બાંધકામ વેસ્ટમાંથી એજન્સી પેવિંગ બ્લોક સહિતની વસ્તુઓ બનાવશે. જો કોર્પોરેશનને ગુણવત્તા અનુકૂળ જણાશે તો તેની પાસેથી પેવિંગ બ્લોકની ખરીદી કરશે.

અત્યાર સુધી બિલ્ડીંગ બાંધકામ માટે માત્ર કોર્પોરેશનની મંજૂરી લેવાની જરૂર પડતી હતી પરંતુ નવી વ્યવસ્થામાં ભૂસ્તર વિભાગની પણ મંજૂરી ખોદકામ માટે લેવામાં આવશે. સી એન્ડ ડી વેસ્ટ માટે આ પ્રથમ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જો તે સફળ રહેશે તો શહેરની નજીક વધુ એક પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. આ માટે સ્થળની પણ પસંદગી કરી લેવામાં આવી છે. કોર્પોરેશન કે કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવશે તો તેમાંથી નીકળતા વેસ્ટના નિકાલની જવાબદારી જે-તે વિભાગે નિભાવવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.