Abtak Media Google News

8 મકાનો અને 10  દુકાનો સહિત 20 બાંધકામ પર બુલડોઝર ફેરવી 521.40 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવતું કોર્પોરેશન

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના વોર્ડ નંબર 9 માં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર અલગ-અલગ ટીપીના રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ટીપી સ્કીમ નંબર 16 (રૈયા)ના 12 મીટર તથા 24 મીટર ટીપી રોડ પર ખડકાયેલા 20 બાંધકામો દૂર કરી 521.40 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાએ જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નંબર 9માં ટીપી સ્કીમ નંબર 16 ( રૈયા)ના 12 મીટર અને 24 મીટરના ટીપીના રોડ ખુલ્લા કરાવવા આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર 12 મીટર ટીપીના રોડ પર ખડકાયેલા બે રહેણાંક હેતુ માટેના દબાણો દૂર કરી 89.40 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર જ 24 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાવવા વાણિજ્ય હેતુના 10 બાંધકામો, રહેણાંક હેતુના 2 બાંધકામો અને વાણિજ્ય પ્લસ રહેણાંક હેતુના બે સહિત કુલ 18 બાંધકામ દૂર કરી 432 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આજે ડિમોલિશન દરમિયાન 20 બાંધકામો દૂર કરી  21.40 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સવાલવાળી ટીપી સ્કીમ નંબર 16 (રૈયા)ને તા.7/7/2018 થી પ્રારંભિક તથા તા.26/8/2021થી આખરી મંજૂરી આપવામાં આવતા અમલમાં આવી હતી. જે અન્વયે ધી ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ 1976ની કલમ 68 હેઠળ આ બંને ટીપી રોડ પરના દબાણકર્તાઓને ગત 5 ઓક્ટોબર 2021ના રોજ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.

ત્યારબાદ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી પૂર્વે દસ દિવસથી સ્થળ ઉપર જય ટીબીના સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી કોઇ પણ આસામીને નુકસાની ન થાય તે માટે પૂરતો સમય અપાયો હતો. લગભગ તમામ દબાણકર્તાઓ દ્વારા જાતે જ નુકસાન ન થાય તે રીતે દશામાં ખાલી કરી ડિમોલિશન માટે સહકાર આપવામાં આવ્યો હતો આજે વોર્ડ નંબર નવમાં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર ટીબીના બે રોડ ખુલ્લા કરાવવા માટે 20 બાંધકામોનો ડિમોલિશન કરવામાં આવ્યું હતું.આ કામગીરીમાં વેસ્ટ ઝોન કચેરીના એટીપી અશ્વિન પટેલ,અજય વેગડ, એમ.આર.મકવાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો. ડિમોલિશન ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યું હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.