Abtak Media Google News

વ્યક્તિનું વ્યક્તિત્વ, તેમની કાર્ય કરવાની રીત અને વર્તનની રીતની અસર હૃદય રોગ, બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પર થતી જોવા મળે છે આ વિષય પર મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી દ્વારા અભ્યાસ હાથ ધરાયો

વ્યક્તિને ઘણા શારીરિક રોગો થતા હોય છે પણ ક્યાંક તેનું કારણ માનસિક હોય છે. વ્યક્તિનું વ્યક્તિત્વ, તેમની કાર્ય કરવાની રીત અને વર્તનની રીતની અસર હૃદય રોગ, બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પર થતી જોવા મળતી હોય છે. આ અંગે નો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી દ્વારા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો.

વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલ છે. માનસિક સ્વાસ્થ્યની અસર શારીરિક સ્વાસ્થ્ય પર તેમજ શારીરિક સ્વાસ્થ્યની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આથી કઈ બાબતની અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે તેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે જેથી તેના વિશેની જાગૃતિ મેળવી શકાય.

વર્તન શૈલી એટલે કે વર્તન ભાત. વ્યક્તિ દ્વારા વારંવાર પ્રકાશિત થતા પ્રતિભાવોને કારણે તેનો સ્વભાવ નિશ્ચિત કરવામાં આવે છે જેને વર્તન શૈલી કહેવાય છે. આવેગશીલતા એટલે કે એક પ્રકારનું વ્યક્તિત્વનું લક્ષણ જેમાં વ્યક્તિ ત્વરિત પ્રતિક્રિયા આપે છે, આ વેગ પર નિયંત્રણ કોઈ બેસે છે, બિન આયોજિત કાર્ય કરી બેસે છે અને આ કાર્યનું દબાણ અનુભવે છે. અભ્યાસ માટે 100 હૃદય રોગ વાળા સ્ત્રી પુરુષ, 100 બીપી વાળા સ્ત્રી પુરુષ, 100 કોલેસ્ટ્રોલવાળા સ્ત્રી પુરુષ તેમજ 100 ડાયાબિટીસ વાળા સ્ત્રી પુરુષ પાસેથી માહિતી મેળવી તેમની આવેગશીલતા તેમજ વર્તન શૈલીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં વર્તન શૈલીના બે પ્રકાર એટલે કે ટાઈપ A અને ટાઈપ B વર્તન શૈલી નો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ટાઈપ ? પ્રકારની વ્યકતિમાં ડાયાબીટીશ-બ્લડ પ્રેશર સૌથી વધુ

ટાઈપ A પ્રકારની વર્તન શૈલી ધરાવનાર વ્યક્તિમાં વિરોધ વૃત્તિ, સ્પર્ધાત્મક વૃત્તિ, ગુસ્સો, અધિનાય, સમયની પાબંધતા વગેરે બાબતો વધારે જોવા મળે છે. આ પ્રકારની વર્તન શૈલી ધરાવતી સ્ત્રીઓમાં એટલે કે ટાઈપ A ધરાવતી સ્ત્રીઓમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર વધારે જોવા મળે છે. જે દર્શાવે છે કે આ પ્રકારની વર્તન શૈલીથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગ થવાની શક્યતા વધી જાય છે. ટાઈપ A વ્યક્તિત્વ ધરાવનાર લોકોમાં 56.45% લોકોને હૃદયરોગ, 78.80% લોકોને બ્લડ પ્રેશર, 34.21% લોકોને કોલેસ્ટ્રોલ અને 41.45% લોકોને ડાયાબિટીસનું જોખમ જોવા મળ્યું.

ટાઈપ ? પ્રકારની વ્યકતિમાં હૃદયરોગનું જોખમ વધુ

ટાઈપ B પ્રકારની વર્તન શૈલી ધરાવનાર વ્યક્તિ એકદમ શાંત હોય છે. તેઓ કોઈ કાર્ય નિરાંતે કરવામાં માને છે. સમયસર કાર્ય પૂર્ણ કરવાની તેમને કોઈ ઉતાવળ હોતી નથી. આ પ્રકારની વર્તન શૈલીનું પ્રમાણ કોલેસ્ટ્રોલના દર્દીઓમાં વધારે જોવા મળ્યું હતું. તેની પાછળનું શક્ય કારણ હોઈ શકે કે વધારે પડતી ધીરજ અને શાંતિપૂર્વક નિર્ણય લેવાથી ઘણી વખત સમય હાથ માંથી નીકળી જાય છે જેના કારણે પાછળથી તણાવ આવી શકે છે જે મેદસ્વીતા અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીને આવકારે છે.ટાઈપ B વ્યક્તિત્વ ધરાવનાર લોકોમાં કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ વધુ જોખમી બને છે.ટાઈપ B વ્યક્તિત્વ ધરાવનાર લોકોમાં 61.45% કોલેસ્ટ્રોલ, 45.56% લોકોને હૃદયરોગ, 56.66% લોકોને ડાયાબિટીસ અને 44.65% લોકોને બ્લડ પ્રેશર નું જોખમ જોવા મળ્યું

સૂચનો

ટાઈપ A કે ટાઈપ B કોઈપણ પ્રકારની વર્તન શૈલીનું પ્રમાણ વધારે પડતું હોવાથી તે નુકસાનકારક નીવડી શકે છે આથી તે બંને વચ્ચે સંતુલન બની રહે તે રીતની વર્તન શૈલી કેળવવી જોઈએ. વર્તન શૈલીમાં પરિવર્તન લાવવું શક્ય છે. આથી જો પ્રયત્ન કરવામાં આવે તો તેમાં પરિવર્તન લાવી શકાય છે અને શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહી શકાય છે. વધારે પડતી આવે કે ચિંતા પણ નુકસાનકારક હોય છે આથી જો કોઈ વ્યક્તિ વધારે પડતી આવેગશીલ હોય તો તેમને પ્રયત્ન દ્વારા તેમની આવેગશીલતા માં ઘટાડો લાવવો જરૂરી છે, જેથી કરીને શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.