મોરબીમાં યુવાનોનો નવતર પ્રયોગ: સિલીન્ડર કીટ આપનારને પાંચ રોપાનું વિતરણ

કોરોનાની બીજી લહેરમાં જનસામાન્યને જીવનમાં ઓક્સીજન વાયુ અંગે ખૂબ જ સભાનતા આવી છે. વ્યક્તિના જીવનમાં ઓક્સીજન વાયુનું કેટલું મહત્વ રહેલું છે તે ધ્યાને આવ્યું છે. સામાન્ય દિવસોમાં વ્યક્તિ શ્વાસોચ્છોશ્વાસમાં વાતાવરણમાંથી જ પ્રાણ વાયુ એટલે કે ઓક્સીજન મેળવે છે પરંતુ કોરોના કાળમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે બાટલામાં ભરેલ ઓક્સીજન ગેસને કૃત્રિમ રીતે આપવામાં આવે છે.

પ્રકૃતિની રચના પ્રમાણે વૃક્ષો મનુષ્યો માટે પ્રાણ વાયુ એટલે કે ઓક્સીજન પેદા કરે છે. વૃક્ષો ઓક્સીજન ઉત્પાદન સિવાય પણ મનુષ્ય જીવનમાં અનેકરીતે ઉપયોગી છે તેમ છતાં આધુનિકતાની દોડ પાછળ મનુષ્ય વૃક્ષોનું જતન કરવાનું ભૂલ્યો હોય તેવું પ્રતિત થાય છે. કોરોનામાં જ્યારે દર્દીઓને ઓક્સીજન લેવામાં તકલીફ પડે છે ત્યારે વૃક્ષોનું મહત્વ કેટલું છે તે પણ જણાઇ રહ્યું છે. વૃક્ષોની મહત્તા અંગે જાગૃતિ ફેલાય તેવા શુભ હેતુથી મોરબી સિરામીક ટ્રેડીંગ મિત્ર મંડળ દ્વારા કોરોના કાળમાં જીવનરક્ષક રોપાઓનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે તેઓની રોપા આપવાની પદ્ધતિ બિલકુલ અનોખી છે. કોરોનાના કપરા કાળમાં દર્દીઓ માટે ઓક્સીજન સીલીન્ડર તેમજ કીટની જરૂરિયાત હોય તો સામાન્ય 2000 રૂપિયા ડિપોઝીટ ભરીને કોઇને પણ આપવામાં આવે છે.