મુંદ્રા કસ્ટોડિયલ ડેથમાં બે પોલીસ કોન્સ્ટેબલની વચગાળાના જામીન ફગાવાયા

અબતક, રાજકોટ

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચારી બનેલા મુંદરા પોલીસ મથકના કસ્ટોડિયલ ડેથના મામલામાં પ્રકરણના મુખ્ય આરોપીઓ પૈકીના પોલીસ કર્મચારી જયદેવસિંહ અજિતસિંહ ઝાલા તથા શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જુદા-જુદા કારણોસર અલગ-અલગ કરાયેલી વચગાળાના જામીન માટેની અરજી જિલ્લા અદલાતે નામંજૂર કરી હતી. જેને લઇને આ કેસમાં ન્યાયતંત્રનો કડક રવૈયો બરકરાર રહ્યો હતો.

મુખ્ય ત્રણ આરોપી પૈકીના જયદેવસિંહ ઝાલા માટે તેમની પત્નીની આરોગ્ય સારવાર માટે 30 દિવસના વચગાળાના જામીનની મગાઇ હતી. જ્યારે શક્તિસિંહ ગોહિલ માટે તેમના કાકાનું અવસાન થયેલું હોવાથી ધાર્મિકવિધી કરવાના કારણ સાથે દસ દિવસના જામીન માંગવામાં આવ્યા હતા. ભૂજની અધિક સેશન્સ અદાલતે આ બંને અરજી નામંજૂર કરતા ચુકાદા આપ્યા હતાં.

ચોરીનો ગુનો કબૂલ કરાવવા બે યુવકને પોલીસે થર્ડ ડિગ્રી, પૂછપરછ કરતા બંનેના મોત નિપજ્યા’તા

જયદેવસિંહના કેસની સુનાવણી દરમ્યાન વચગાળા આપવા સામે કેસના તપાસનીશ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ દ્વારા વાંધાઓ સાથે સોગંદનામું રજૂ કરાયું હતું તો ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા તબીબી પ્રમાણપત્રની વિશ્ર્વસનીયતા સામે પ્રશ્ર્ન ઉભો કરતાં આ બાબતે હાઇકોર્ટ દ્વારા વર્ષ-1991માં કચ્છના નિરોણાના આલ રામજી આહીર વગેરે સામેના હત્યા કેસના ઉદાહરણ અને તે બાબતે હાઇકોર્ટે કરેલી કાર્યવાહીના મુદ્ા ટાંકીને વચગાળાની રાહત સામે વાંધા લીધા હતા.

આ દલીલો અને પરિવારના અન્ય સભ્યો પણ સારવાર કરાવી શકે તેમ હોવાના તારણ સાથે માંગણી નામંજૂર કરાઇ હતી. જ્યારે શક્તિસિંહ માટેની માંગણી બાબતની સુનાવણીમાં તપાસનીશ દ્વારા રજૂ કરાયેલા વાંધા ઉપરાંત પરિવારના અન્ય સભ્યો ધાર્મિકવિધી કરાવી શકે છે અને આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૂરી નથી તથા હાલની કોરોનાની સ્થિતિને કેન્દ્રમાં રાખી ન્યાયાધીશે માંગણી ઠુકરાવી દેતો આદેશ કર્યો હતો.

આ બંને કેસની સુનાવણીમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. રાજકોટના ધારાશાસ્ત્રી અનિલભાઇ આર.દેસાઇ, ફરિયાદ પક્ષ વતી ધારાશાસ્ત્રી દેવરાજભાઇ વી.ગઢવી, વાય.વી.વોરા, એ.એન.મહેતા અને એચ.કે. ગઢવી હાજર રહ્યા હતાં.