‘પ્લાસ્ટીક કચરા મુક્ત ભારત’ માટે આત્મીય યુનિ.ની પહેલ: બોટલ ક્રશર મશીનનું લોકાર્પણ

સામાજિક ઉત્તરદાયિત્વના સંસ્કાર માટે જરૂરી કદમ : ત્યાગ સ્વામી

‘સ્વચ્છતા એ જ સેવા’ અંતર્ગત ‘પ્લાસ્ટિક કચરા મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આત્મીય યુનિવર્સિટીએ મહત્વનું કદમ ઉઠાવ્યું છે.  પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ મંચના સહયોગથી પરિસરમાં પ્લાસ્ટિક બોટલને ક્રશ કરવા માટે ‘રિવર્સ વેન્ડીંગ મશિન’ મુકવામાં આવ્યું છે.  જેનું લોકાર્પણ રાજકોટના કાર્યવાહક મેયર અશ્વિનભાઈ મોલીયા અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ શુક્લના હસ્તે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક મુક્ત ભારતની સરળ સમજ આપવા માટે સેમિનાર પણ યોજાયો હતો.

આ પ્રસંગે મેયર મોલીયાએ લોકભાગીદારીને સ્વચ્છતા માટેનું મહત્વનું પરિબળ ગણાવ્યું હતું.  વિદ્યાર્થી અવસ્થાથી જ સ્વચ્છતાનો આગ્રહ રાખતાં લોકો શીખે તો  ‘સ્વચ્છ સમાજ’ની સાથોસાથ ‘સ્વસ્થ સમાજ’નું નિર્માણ શક્ય બને.  સુવિધાઓ વધતી જાય છે તેમ પ્રદૂષણની માત્રા પણ વધતી જાય છે.  તે સંજોગોમાં દરેક લોકોએ જાગૃત થઈને પ્રદૂષણની માત્રા શક્ય તેટલી ઓછી કરવા સહયોગ આપવો જ રહ્યો.  એક શિક્ષણ સંસ્થા પોતાની સામાજિક જવાબદારી નીભાવવા માટે આ પ્રકારની પહેલ કરે તે ખરેખર પ્રશંસનીય બાબત છે.  તેમણે આત્મીય યુનિવર્સિટીને આ માટે અભિનંદન આપ્યાં હતાં.

પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિનોદ શુક્લએ સ્વચ્છતા એ રાજકોટની તાસીર હોવાનું જણાવ્યું હતું.  સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે હજુ ઘણી લાંબી મંઝિલ કાપવાની છે.  રીવર્સ વેન્ડીંગ મશીન તેની પહેલી કડી છે.  આત્મીય યુનિવર્સિટી દ્વારા માનવીય જીવન મૂલ્યોની વિદ્યાર્થીઓમાં પ્રતિષ્ઠા માટે આ પ્રકારના સેવાપ્રકલ્પો હાથ ધરવામાં આવે છે તે સમાજ માટે આનંદપ્રદ ઘટના છે.

સવારે સ્કૂલે આવતા વિદ્યાર્થીનું ઉદાહરણ આપીને ડો. શુકલએ ઉમેર્યું હતું કે, નાહીને  સુઘડ અને સ્વચ્છ કપડાં પહેરી – સરસ તૈયાર થઈને સ્કૂલે આવતા વિદ્યાર્થી કેવા સરસ લાગતા હોય છે ! એવું શહેરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને શહેર લાગવું જોઈએં.  મોટી કંપનીઝને તેમની સામાજિક જવાબદારીની ભાવવાના ભાગરૂપે જે ધનરાશી ખર્ચવાની હોય છે તેનો સીધો લાભ લોકો સુધી પહોંચે તે આ સ્મૃતિમંચનું કાર્ય છે.  પંડિત દીનદયાલ ઉપાધ્યાયના સ્વસ્થ સમાજના સંકલ્પને સાકાર કરવા માટે મંચે સ્વચ્છતા હી સેવાનો યજ્ઞ શરૂ કર્યો છે.  જેમાં આત્મીય યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સેવાકીય સંસ્થાનો સહયોગ મળ્યો તેનાથી ગૌરવની લાગણી થાય છે.

આત્મીય યુનિવર્સિટી પરિસરમાં રીવર્સ વેન્ડીંગ મશીન પ્રોજેકટ અંગે વાત કરતાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં સામાજિક ઉત્તરદાયિત્વ અંગે જાગૃતિ આવે તેમજ પર્યાવરણની સ્વચ્છતા માટે સક્રિય સહયોગ માટેની લાગણી જન્મે તે માટે આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે,  માનવીય જીવનમૂલ્યોથી સભર શિક્ષણ એ આત્મીય પરિસરની વિશિષ્ઠતા છે.  એકબીજાને સહાય કરવી, જરૂરતમંદ લોકોની સાથે ઉભું રહેવું, પર્યાવરણનું જતન કરવું,  કુદરતી સ્ત્રોતોનો સંયમીત ઉપયોગ કરતાં શીખવું, કુદરત સાથે તાલ મીલાવીને જીવવું જેવી જીવનઘડતરની બાબતો શિક્ષણની સાથે આવરી લેવામાં આવે છે.

ભૂતકાળમાં આત્મીયના વિદ્યાર્થીઓએ સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવાં જાહેર સ્થળોની સફાઈમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જાણીતા ઉદ્યોગપતિ કમલનયન સોજીત્રાએ આ પ્રોજેક્ટને સુખી સમાજનાં નિર્માણ તરફનું નક્કર કદમ ગણાવ્યું હતું.  તેમણે ઔદ્યોગિક વિસ્તારોમાં રીવર્સ વેન્ડીંગ મશીન મૂકવાની જરૂરિયાત હોવાનું ઉમેર્યું હતું.

આત્મીય યુનિવર્સિટી પરિસરમાં મૂકવામાં આવેલ રીવર્સ વેન્ડીંગ મશીનનો લાભ સહુ લોકો લઈ શકે છે.  જેમાં પાણી અને અન્ય પીણાંઓની પ્લાસ્ટિક બોટલ ક્રશ કરી નાંખવામાં આવે છે.  બોટલ ક્રશ થવાની સાથે જ બે વિકલ્પ મળે છે. ઓફર્સ અને ડોનેટ.  જો ઓફર્સ વિકલ્પ પસંદ કરવામાં આવે તો તેમાં વિવિધ ઓફર ડિસ્પ્લે થાય છે.  જેમાંથી કોઈપણ એક ઓફર પસંદ કરી શકાય છે.  આમ, પ્લાસ્ટિક કચરાના બદલામાં ઉપહાર મેળવી શકાય છે.  જો ડોનેટ વિકલ્પ પસંદ કરવામાં આવે તો ચોક્કસ રકમ પર્યાવરણની સ્વચ્છતા માટે હાથ ધરાતા સેવા પ્રકલ્પોમાં ઉમેરી દેવામાં આવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રીવર્સ વેન્ડીંગ મશીનમાં આવતી પ્લાસ્ટિક બોટલના કચરાને રિસાયકલ કરીને તેમાંથી ટીશર્ટ, બેગ, પર્સ વગેરેનું ઉત્પાદન કરી શકાય છે.રીબોટ મશીનને કારણે ડંપિંગ યાર્ડ પરનું ભારણ ઘટે છે.ઉપયોગ કરનારને તત્કાળ ઉપહાર મળે છે. લોકોને રિસાયકલ અને રિયુઝનો ખ્યાલ સમજાય છે.

આ કાર્યક્રમમાં આત્મીય યુનિ.ના પ્રોવોસ્ટ પ્રો. સંથાનકૃષ્ણન, ફેકલ્ટી ઓફ એન્જીનિયરીંગના ડીન ડો. જી. ડી. આચાર્ય, વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. લાડવા,  પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિમંચના ટ્રેનિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટના નેશનલ હેડ મહેન્દ્ર ઠાકુર, બૌધ્ધિક પ્રકોષ્ઠના ઉપાધ્યક્ષ વિનોદ ગર્ગ, મહારાષ્ટ્ર યુવા પ્રમુખ અવિનાશ રાય, રાષ્ટ્રીય સંયોજક ગુનિસ ગર્ગ સહિત સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આત્મીય યુનિવર્સિટી પરિસરમાં મૂકવામાં આવેલ રીવર્સ વેન્ડીંગ મશીનનો લાભ આજુબાજુના રહીશો, રાહદારીઓ વગેરે કોઈપણ ઉઠાવી શકે છે.