Abtak Media Google News

ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ મેચમાં જ ધમાકેદાર પ્રદર્શન કરતાં ઈરાન સામે 6-2થી વિજય નોંધાવ્યો

ઈરાનમાં સરકાર વિરોધી આંદોલન ચાલી રહ્યું છે અને તે હવે કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ સુધી પહોંચ્યું છે. ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચમાં ઈરાનના ખેલાડીઓએ પ્રદર્શનનું સમર્થન કરતાં નેશનલ એન્થમ (રાષ્ટ્રગાન) ગાવાની ના પાડી દીધી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પહેલા ઈરાન ફૂટબોલ ટીમના સુકાની અલીરેઝા જહાનબખ્શે કહ્યું હતું કે તમામ ખેલાડીઓ નક્કી કરશે કે તે સરકાર વિરુદ્ધ પ્રદર્શનના સમર્થનમાં રાષ્ટ્રગાન ગાવાની ના પાડશે કે નહીં. ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ્યારે ઈરાનનું રાષ્ટ્રગાન વાગ્યું ત્યારે તમામ 11 ખેલાડીઓ ચૂપ હતા.

હકિકતમાં 16 સપ્ટેમ્બરે ઈરાનમાં 22 વર્ષની યુવતી મહસા અમિનીની પોલીસ અટકાયતમાં મોત થયું હતું. ત્યારબાદ બે મહિનાથી સમગ્ર ઈરાનની જનતા સરકાર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. કુર્દ મૂળની મહસા અમિનીની તહેરાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના ત્રણ દિવસ બાદ તેનું મોત થયું હતું. તેના પર ઈરાનના મહિલાઓ અંગેના ડ્રેસ કોડના ઉલ્લંઘનનો આરોપ હતો. ડ્રેસ કોડ પ્રમાણે મહસાએ હિજાબ પહેર્યો ન હતો. જ્યારે ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો જરૂરી છે. જોકે, મહસાના મોત બાદ ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. મહિલાઓ હિજાબની હોળીઓ કરી રહી છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે.

ફૂટબોલ વર્લ્ડ કપમાં ઈરાનનો પ્રથમ મુકાબલો ઈંગ્લેન્ડ સામે હતો. ઈંગ્લેન્ડનો પણ આ પ્રથમ મુકાબલો હતો. ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ મેચમાં જ ધમાકેદાર પ્રદર્શન કરતાં ઈરાન સામે 6-2થી વિજય નોંધાવ્યો હતો. દોહાના ખલિફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડના વિજયમાં બુકાયો સાકા સ્ટાર રહ્યો હતો. ઈંગ્લેન્ડે કોઈ મોટી ટુર્નામેન્ટની મેચમાં પાંચ કે તેથી વધુ ગોલ નોંધાવ્યો હોય તેવી આ બીજી ઘટના છે. છેલ્લે ઈંગ્લેન્ડે 2018ના વર્લ્ડ કપમાં પનામા સામે 6-1થી વિજય નોંધાવ્યો હતો. બંને વખત ટીમના કોચ ગેરાથ સાઉથગેટ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.