Abtak Media Google News

નિમણૂક વખતે એસસી,એસટી, ઓબીસી, લઘુમતી, મહિલાઓના યોગ્ય ઉમેદવારોને ધ્યાનમાં લેવા કોલેજીયમ કમિટીને ભલામણ

ઉચ્ચ ન્યાયતંત્રમાં પછાત અને લઘુમતી સમુદાયોનું અસમાન પ્રતિનિધિત્વ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લાં પાંચ વર્ષમાં (૨૦૧૮ થી ૨૦૨૨)માં નિમણૂક કરાયેલા તમામ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોમાંથી ૭૯% જનરલ કેટેગરીના ન્યાયાધીશ છે તેવું તાજેતરમાં સંસદીય પેનલ સમક્ષ કેન્દ્રીય કાયદા મંત્રાલયએ આંકડા જાહેર કર્યા છે.

કાયદા મંત્રાલયે કાયદા અને ન્યાય પરની સંસદીય સ્થાયી સમિતિને જાણ કરી છે કે, ન્યાયાધીશોની નિમણૂકની કોલેજિયમ સિસ્ટમના અસ્તિત્વના ત્રણ દાયકાઓ હોવા છતાં ઉચ્ચ ન્યાયતંત્રમાં સામાજિક સમરસતા જે મૂળરૂપે સુપ્રીમ કોર્ટ દ્વારા ઘડવામાં આવી હતી તેની ખોટ વર્તાઈ રહી છે.

જ્યારે દેશની ૨૫ ઉચ્ચ અદાલતોમાં નિમણૂક કરાયેલા મોટાભાગના ન્યાયાધીશ જનરલ કેટેગરીના છે. અન્ય પછાત જાતિ(ઓબીસી) જે દેશની ૩૫% થી વધુ વસ્તી ધરાવે છે. ન્યાયતંત્રમાં ૧૧% ઓબીસી વર્ગના ન્યાયાધીશ છે.

૨૦૧૮થી હાઇકોર્ટમાં નિયુક્ત કુલ ૫૩૭ ન્યાયાધીશોમાંથી માત્ર ૨.૮% લઘુમતી સમાજના ન્યાયાધીશ છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે અનુક્રમે ૨.૮% અને ૧.૩% નું પ્રતિનિધિત્વ મળ્યું છે.

બંધારણીય અદાલતોમાં નિમણૂકની પ્રક્રિયામાં સામાજિક સમરસતા અને સામાજિક ન્યાયના મુદ્દાને સંબોધિત કરવાની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ અને હાઇકોર્ટ કૉલેજિયમની પ્રાથમિક જવાબદારી છે, તેવું કાયદા મંત્રાલયે પેનલને જણાવ્યું હતું.

ન્યાયાધીશોનું કોલેજિયમ બે સ્તરે કાર્ય કરે છે – સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ચાર સભ્યોની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ સર્વોચ્ચ અદાલત માટે ન્યાયાધીશોની નિમણૂક માટે દરખાસ્તો કરે છે, ત્યારે મુખ્ય ન્યાયાધીશોની આગેવાની હેઠળની ઉચ્ચ અદાલતોમાં ત્રણ સભ્યોની કૉલેજિયમ નામોની ભલામણ કરે છે.

કાયદા મંત્રાલયે ચીફ જસ્ટિસને લખેલા પત્રો દ્વારા સમયાંતરે ઉચ્ચ ન્યાયતંત્રમાં સામાજિક વિવિધતા અને સામાજિક ન્યાયના મુદ્દાને સંબોધિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કાયદા અંગેની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષની રજૂઆતમાં તેણે કહ્યું છે કે ન્યાયાધીશોની નિમણૂકમાં કોલેજિયમની પ્રાધાન્યતા હાલની અસમાનતાને નાબૂદ કરવામાં નિષ્ફળ રહી છે.  સરકાર ફક્ત તે જ વ્યક્તિઓને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરે છે જેમની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવે છે.

મંત્રાલયે જોકે, સ્પષ્ટતા કરી હતી કે, બંધારણના અનુચ્છેદ ૨૧૭ અને ૨૨૪ માંથી લેવામાં આવેલા હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકના નિયમો, કોઈ પણ જાતિ અથવા વર્ગના વ્યક્તિઓ માટે અનામતની જોગવાઈ કરતા નથી. જો કે, સરકાર ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશોને વિનંતી કરી રહી છે કે ન્યાયાધીશોની નિમણૂક માટે દરખાસ્તો મોકલતી વખતે સામાજિક વિવિધતા સુનિશ્ચિત કરવા માટે એસસી, એસટી, ઓબીસી, લઘુમતી અને મહિલાઓના યોગ્ય ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવે.

હાઇકોર્ટ કૉલેજિયમ દ્વારા કરવામાં આવેલી તમામ ભલામણો કાયદા મંત્રાલય દ્વારા ચકાસવામાં આવે છે અને ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા પૃષ્ઠભૂમિ તપાસ પછી હાઇકોર્ટ કૉલેજિયમની ભલામણો સાથેનો વિગતવાર અહેવાલ તેમની સલાહ માટે સુપ્રીમ કકરત કૉલેજિયમને મોકલવામાં આવે છે.  સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા નામોને મંજૂરી આપ્યા પછી, સરકાર નિમણૂકોને સૂચિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.