Abtak Media Google News

પાકિસ્તાન અને ચીન સરહદે તૈનાત થશે અત્યાધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ

ભારતીય સૈન્યના આધુનિકરણ માટે છેલ્લા એક વર્ષથી મહત્વના નિર્ણયો થઈ રહ્યાં છે. જેના અંતર્ગત ભારતીય સેનાએ મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ ઉભી કરવા માટે ડીઆરડીઓ સાથે એમઓયુ કર્યા છે. જેમાં એડવાન્સ મીડિયમ રેન્જ સરફેઝ ટુ એર મિસાઈલ તૈયાર કરવામાં આવશે. ભારતીય સેના આવી મિસાઈલોની કુલ પાંચ રેજિમેન્ટ તૈયાર કરી તેને ચીન અને પાકિસ્તાન સરહદે મુકવાની વિચારણા કરી રહી છે. આ કામગીરીમાં ઈઝરાયલ ભારતને મદદ કરવાનું છે.

અત્યાધુનિક મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ દ્વારા દુશ્મનોની બેલેસ્ટીક મિસાઈલ, હેલીકોપ્ટર, એરક્રાફટ, ડ્રોન, એરબોન વોર્નિંગ સીસ્ટમ વગેરેને હવામાં જ તોડી પાડવાની શક્તિ મળી રહેશે. વધુમાં આ સીસ્ટમ એક કરતા વધુ નિશાનને તાકવા માટે પણ સક્ષમ છે જેનો ઉપયોગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ, ટ્રેકીંગ રડાર અને મોબાઈલ લોન્ચર દ્વારા કરી શકાશે.

આ સીસ્ટમને તૈયાર કરવા માટે ઈઝરાયલ ડીઆરડીઓ સાથે મળી કામ કરશે. પરંતુ તેને બનાવવાની કામગીરી મેઈક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં જ થવાની છે. આ અગાઉ પણ ભારતે મેઈક ઈન ઈન્ડિયા હેઠળ વિવિધ સુરક્ષા સીસ્ટમો બનાવી છે. ત્યારે હવે અત્યાધુનિક મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ ભારતને ચીન અને પાકિસ્તાન સામે વધુ મજબૂત બનાવશે કારણ કે, આ સીસ્ટમને ભારત અને ચીનની સરહદે તૈનાત કરવામાં આવવાની છે. ઈઝરાયલ ઘણા સમયથી ભારતની સુરક્ષાને મજબૂત કરવા માટે સહયોગ આપી રહ્યું છે. ત્યારે હવે વધુ એક વખત મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ માટે પણ ડીઆરડીઓ અને ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ સાથે મળી કામ કરવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.