Abtak Media Google News

લોકશાહી શાસન વ્યવસ્થાનું ઉતરદાયિત્વ નિભાવવા કટિબધ્ધતા વ્યકત કરતા યુવરાજ માંધાતાસિંહજી

રાજકોટના રાજવી પરિવારના સભ્ય માંધાતાસિંહજીનો ત્રિદિવસીય રાજતિલક સમારંભ આજે રાજકોટ ખાતે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે યુવરાજ માંધાતાસિંહજીને રાજ્ય સરકાર વતી શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, માંધાતાસિંહજીનો રાજ્યાભિષેક પ્રસંગ એ રાજકોટના રાજવી પરિવારના ભવ્ય ઇતિહાસની શિરમોર કલગી છે. આ ભવ્ય વારસાનો સક્ષમતાપૂર્વક વહન કરવા બદલ વિજયભાઇ રૂપાણીએ યુવરાજને ધન્યવાદ આપ્યા હતા.

Rjt 2632

મુખ્યમંત્રી રૂપાણીએ રાષ્ટ્રપિતા ગાંધીજી અને લોહપુરુષ સરદાર પટેલનું સ્મરણ કરતાં રાજકોટની રાજવી પરંપરાની યશગાથાનું ટૂકું આલેખન કર્યું હતું અને પ્રજાકીય પડકારોનો સ્વીકાર કરવાની હામભીડવી એ રાજકોટની રાજવી પરંપરા રહી છે, એવો સગૌરવ ઉલ્લેખ કર્યો હતો. ઐતિહાસિક પરંપરાનું માનબિંદુ પુન:સ્થાપિત કરવા બદલ માંધાતાસિંહજીની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ દેશના ગૌરવશાળી અતીતમાં ડોકિયું કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ અને લોકશાહી વ્યવસ્થામાં શ્રદ્ધા એ જ રાજ્ય વ્યવસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ધર્મદંડને કેન્દ્રમાં રાખીને રાજદંડ નિભાવવાની પ્રથા સાંપ્રત સમયની માંગ છે, ત્યારે ભૂતકાળ અને વર્તમાનકાળનો યોગ્ય સમન્વય કરી પ્રજાને સર્વોપરિ સ્થાને બેસાડવાનો જ સમગ્ર રાજ્ય વ્યવસ્થાનો આશય સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચ રાજવી પરંપરને આગળ ધપાવવા માંધાતાસિંહજીને શુભકામના પાઠવી હતી

Rjt 2733

રાજકોટના સ્થાપક વિભાજી ઠાકોરના ૧૭માં વંશજ અને ૪૧૦ વર્ષોના વારસાના વાહક તરીકે રાજ્યાભિષેક પામનાર રાજવી માંધાતાસિંહજીએ સનાતન ધર્મનું પાલન કરવાના શપથ લીધા હતા. પૌરાણિક રાજાશાહીનો વારસો અને વર્તમાન લોકશાહીના સમન્વય સમી રાજયની હાલની શાસન વ્યવસ્થાનું યોગ્ય ઉતરદાયિત્વ સંભાળવા માંધાતાસિંહજીએ કટિબધ્ધતા વ્યકત કરી હતી. અને ૨૦૦ વર્ષ જૂના દરબારગઢને મ્યુઝીયમ બનાવી રાજકોટ શહેરની જનતાને અર્પણ કરવાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યાભિષેક ગ્રહણ કરનાર રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાને રાજતિલક કરી શુભકામનાઓ પાઠવી હતી. દ્વારકા શક્તિપીઠના આચાર્ય દંડીસ્વામી સહિતના દેશના ધાર્મિક વડાઓ, વિભિન્ન પ્રાંતના રાજવીઓ તથા તેમના પ્રતિનિધિઓ, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, બાન લેબ્ઝના ચેરમેન મૌલેશ ઉકાણી, વગેરેએ નવનિયુકત ઠાકોર માંધાતાસિંહજીને રાજ તિલક કરી પોંખ્યા હતા.

યુવરાજ માંધાતાસિંહજીએ રાજશાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદીને માનપત્ર એનાયત કર્યું હતું. વિશાળ શમિયાણામાં રાજતિલક પ્રસંગે રચાયેલા વિવિધ કાવ્યોનું પઠન કરાયું હતું. માંધાતાસિંહજીએ ઉપસ્થિત સંતો-મહંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. દંડસ્પર્શ વિધાન, વંશપરંપરાગત તલવારનું શાસ્ત્રોક્ત વિધિસર પૂજન, પોષાક દંડ વિધિ, વગેરે વિધિઓ આ પ્રસંગે યોજાઇ હતી. રાષ્ટ્રગાનની સુરાવલિઓ વચ્ચે રાજકોટ રાજ્યના અને ભારત દેશના ધ્વજને ઉપસ્થિત સૌએ સલામી આપી હતી.

મેયર બીનાબેનઆચાર્યએ સમગ્ર રાજકોટ શહેર વતી માંધાતાસિંહજી જાડેજાને સન્માનઅર્ધ્ય એનાયત કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રીઓ  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમાર, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, અંજલિબેન રૂપાણી, કલેક્ટર રેમ્યા મોહન પોલિસ કમિ. મનોજ અગ્રવાલ, મ્યુનિ.કમિ. ઉદિત અગ્રવાલ, દેશના રાજવી પરિવારના સભ્યો, રાજકોટ રાજઘરાનાના સદસ્યો, વિદેશી નાગરિકો તથા વિશાળ સંખ્યા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.