Abtak Media Google News
  • ‘રામભરોસે’ ક્યાં સુધી ચાલશે?
  • ડેથ ઝોન દુર્ઘટનામાં ગેમઝોનના સંચાલકોની સાથોસાથ સિસ્ટમ ફેઈલ્યોરમાં આંખ આડા કાન કરનાર ‘બાબુ’ઓ પણ એટલા જ જવાબદાર

રાજકોટના ઇતિહાસમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી કરુણ ઘટના શનિવારે બની હતી. ટીઆરપી ગેમ ઝોનમાં આનંદ માણવા ગયેલા નિર્દોષ બાળકો સહીતની કિલકારી અને હાસ્ય કરુણ ચીસમાં તબદીલ થઇ ગઈ હતી. 34 જેટલાં લોકો વિકરાળ આગની ચપેટમાં આવી ભડથું થયાં હતા અને ફક્ત રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહિ પણ આખો દેશ શોકમગ્ન થયો હતો. સમગ્ર ઘટના માનવ સર્જિત હતી તેવું ચોક્કસ કહી શકાય છે કારણ કે, ટીઆરપી ગેમ ઝોન શરૂ કરનાર ’હત્યારાઓ’એ ફાયરના સાધનો માત્ર પણ નહિ રાખીને જાણી જોઈને નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા અને આ કોઈ ભૂલ કે બેદરકારી નહિ પણ કાયદેસરનું ગુનાહિત કૃત્ય છે જ્યાં એકસાથે 34 લોકોના પ્રાણ હણી લેવાયા અને આ ઘટનામાં મોતના મુખમાં ધકેલાઈ જનાર મૃતકોની ભૂલ માત્ર એટલી હતી કે, તેઓ પરિવાર સાથે નિર્દોષ આનંદ કરવા માટે ટીઆરપી ગેમ ઝોન નામના ડેથ ઝોનમાં હાજર હતા. આ ઘટનામાં ફક્ત ગેમઝોનના સંચાલકો જવાબદાર છે તેવું કહેવું પણ અર્ધસત્ય છે, આ ઘટનામાં મનપા-પોલીસ અને માર્ગ મકાન વિભાગના અધિકારી-કર્મચારીઓ પણ એટલા જ જવાબદાર છે. કારણ કે, મનપા અને માર્ગ મકાન વિભાગ દ્વારા ફાયર એનસોસી સહીતની ખરાઈ કર્યા વિના ડેથ ઝોન શરૂ કરી દેવાની મંજૂરી આપવામાં આવી અને બાહોશ ગણાતી આપણી પોલીસ જે નાનકડા આરોપી સાથે ફોટા પડાવવામાં માહિર છે તેણે કોઈ જ ખરાઈ વિના કે વેરિફિકેશન વિના પોઝિટિવ અભિપ્રાય ભર્યો. આ તમામ અધિકારીઓ પણ માનવસંહારની હૃદયદ્રાવક ઘટનાના એટલા જ જવાબદાર છે.

ગુજરાતના ઇતિહાસમાં બનેલી કરુણ ઘટનાઓમાં વધુ એક ગોઝારી ઘટનાનો ઉમેરો થયો છે. ટીઆરપી ગેમ ઝોનમાં 34 માનવજીવ જીવતા હોમાયા છે. નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાયા અને એટલી હદે ભડથું થયાં કે, તેમની ઓળખ ડીએનએ ટેસ્ટ સિવાય શક્ય નથી. પરિવારોને ફક્ત તેમના પરિજન ગુમાવાનું દુ:ખ નથી પણ તેમની ઓળખ કેમ કરવી? એ દુ:ખ પણ એટલું જ છે. હસ્તા-રમતા બાળકો, પરિજનોને આનંદ કરાવવા લઈ જનાર મોટેરાઓ ગેમ ઝોનમાં ગયાં અને ડેથ ઝોનમાંથી ફક્ત ભડથું થયેલા મૃતદેહ બહાર આવ્યા. આગની ઘટના એટલી કરુણ અને હૃદયદ્રાવક હતી કે, આસપાસના વિસ્તારોમાં જાણે ફક્ત મરણચિસો ગુંજી રહી હતી. હવે જયારે આટલી ગંભીર દુર્ઘટના બની ત્યારે આની પાછળ ગેમ ઝોનના સંચાલકો જવાબદાર છે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી પણ શું સંચાલકો જ આ માનવસર્જિત ઘટનામાં જવાબદાર હતા? નહિ… આ ઘટનામાં મુખ્ય જવાબદાર પરિબળ તંત્રની નિષ્ફળતા છે.

તા. 30 ઓક્ટોબર 2022ના રોજ બનેલી મોરબીના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટના કે જેમાં 135 નિર્દોષ લોકો પાણીમાં ગરકાવ થઇ ગયાં અને બહાર આવ્યા તો ફક્ત મૃતદેહ. તા. 18 જાન્યુઆરી 2024ના દિવસે જયારે શાળાના માસુમ બાળકો પ્રવાસમાં ગયાં. માતા-પિતા સંતાનોની પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા પણ માસુમ બાળકો નહિ તેમના મોતના સમાચાર આવ્યા. બોટિંગ દરમિયાન બોટ ઉંધી વળી જતાં શિક્ષકો સહીત 14 લોકોના મોત થઇ ગયાં. અગાઉ વર્ષ 2019ની 24મેના રોજ સુરતમાં બનેલો તક્ષશીલા કાંડ. જ્યાં શિક્ષણના પાઠ ભણવા ટ્યુશન ક્લાસમાં ગયેલા આશાસ્પદ વિદ્યાર્થીઓ સહીત 22 લોકોના કરુણ મોત થયાં હતા. હવે સવાલ એવો છે કે, આ ઘટનામાં શું સંચાલકો જવાબદાર છે? શું તંત્રની કોઈ જવાબદારી ન હતી?

આ તમામ કરુણ ઘટનાઓમાં જવાબદાર પરિબળમાં તંત્રની નિષ્ફ્ળતા પણ એટલી જ જવાબદાર છે. કોઈ ઘટના બને અને તે બાદ કાર્યવાહીના આદેશ આપવામાં આવે, અમુક લોકોની ધરપકડ થાય, તપાસ સમિતિની રચના થાય, રિપોર્ટ આવે અને ત્યારબાદ સમગ્ર માંચડો કોર્ટમાં મૂકી સંતોષ માની લેવામાં આવે છે પણ ખરેખર તંત્રની ભૂમિકા આટલા પૂરતી સીમિત હતી? ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારી કેટલો સમય સંતોષ માની લેવો? શું અમુક શખ્સોની ધરપકડ અને અમુક અધિકારીઓના સસ્પેન્સનથી મોતને ભેટેલા નિર્દોષ લોકોના જીવ પરત આવી જશે?

આ તમામ ઘટનામાં સિસ્ટમ ફેઈલ્યોર એટલી જ જવાબદાર છે. ગેમ ઝોન દુર્ઘટનામાં સિસ્ટમ ફેઈલ્યોર એટલી હદે હતી કે, જો ખરેખર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સરકારી બાબુઓ મુખ્ય આરોપી બની શકે છે. નાના મૌવા રોડ પર બનાવવામાં આવેલ ગેમ ઝોનનું આખેઆખુ બાંધકામ ગેરકાયદેસર હતું. આટલો મોટો માચડો ખડકી દેવાયો પણ તંત્રની મંજૂરી લેવાઈ નહિ. મંજૂરી વિના ખડકી દેવાયેલો માંચડો મનપાના ધ્યાને નહિ આવ્યો હોય? જો ધ્યાને આવ્યો તો પછી કેમ ખરાઈ કરાઈ નહિ? મનપાની મંજૂરી ન હતી, માર્ગ મકાન વિભાગની મંજૂરી ન હતી, ફાયર એનસોસી પણ લેવાઈ નહિ તો પછી પોલીસે કેવી રીતે વેરિફિકેશન કરીને લાયસન્સ મંજુર કરી દેવાયું?

ગેમઝોનમાં કર્મચારીઓ પાસે જ કરાવવામાં આવતું’તું વેલ્ડિંગ : પૂર્વ કર્મચારીનો ખુલાસો

ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં માસૂમ બાળકો, મહિલાઓ, ગેમ ઝોનના કર્મચારી અને યુવાનો વિકરાળ આગ્યમાં હોમાયા છે. આ ઘટનામાં આશરે 34 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે આટલા લોકોના મોત પાછળ જવાબદાર કારણ અંગેની જો વાત કરવામાં આવે તો ગેમ ઝોન અંદર સાગર બગડા નામનો વ્યક્તિ અગાઉ 7 થી 8 મહિના માટે આ ગેમઝોનની અંદક કામ કરી ચૂક્યો છે. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા 3 મહિનાઓથી ગેમ ઝોનની અંદર વેલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવેલું છે. તે ઉપરાંત વેલ્ડિંગનું કામ કરવા માટે સંચાલકો કોઈ વેલ્ડિંગ કરવા માટે બહારથી કામદારોને બોલવવામાં આવતા નથી. પરંતુ મારી જેવા કર્મચારીઓને આ વેલ્ડિંગનું કામ શીખવાડવામાં આવે છે, અને તેની પાસે કરવવામાં આવે છે. તે ઉપરાંત વેલ્ડિંગનું કામ જ્યા ચાલે છે, તેની બાજુમાં જ પેટ્રોલ રાખવામાં આવેલું હોય છે. કેટલીવાર પેટ્રોલ ખુલ્લું પણ મૂકી રાખવામાં આવેલું હોય છે. જ્યારથી ગેમઝોન બન્યું ત્યારથી જ કોઈ પણ પ્રકારની ફાયર સેફટી રાખવામાં આવેલી ન હતી. તે ઉપરાંત મારા અનેક મિત્રો પણ ગેમ ઝોનની અંદર કામ કરતા હતા. જે પૈકી મારા તમામ મિત્રો સલામત રીતે આ ઘટનામાં બચી ગયા છે. પરંતુ મારો ભાઈ અલ્પેશ બગડા હજુ પણ લાપતા છે. મેં સ્ટાફના તમામ લોકોને ફોન કરીને તેના વિશે માહિતી મેળવવાની કોશિશ કરી, પરંતુ દરેક લોકોના ફોન બંધ આવે છે. તો મને જાણ થઈ કે અનેક કર્મચારીઓને આરોપી તરીકે ક્રાઈમ બ્રાન્ચ પોતાની સાથે લઈ ગઈ છે. તો મેં ક્રાઈમ બ્રાન્ચમાં ફોન કર્યો હતો, ત્યાં પણ મને કહેવામાં આવ્યુ કે અલ્પેશ બગડા નામનો કોઈ વ્યક્તિ અહીંયા નથી.

‘બાર મહિને બાવો બોલ્યો’ જેવી તંત્રની સ્થિતિ

ગેમઝોનની ઘટના બાદ તંત્ર દોડતું થઇ ગયું અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઇ કરી દેવામાં આવ્યો છે. પરંતુ સવાલ એ છે કે, અગાઉ રેગ્યુલર પ્રોસેસમાં તંત્ર દોડતું રહ્યું હોત, સમયાંતરે ચેકીંગ કરવામાં આવ્યું હોત, મનપાએ બાંધકામ અંગેની ખરાઈ અને ફાયર બ્રિગેડે એનઓસીની ખરાઈ કરવામાં આવી હોત તો પછી આ ઘટના કદાચ બની જ ન હોત તેવું કહી શકાય છે પણ દુર્ભાગ્યવશ આ પ્રકારની કોઈ જ કામગીરી થતી નથી અને તેનું પરિણામ આ પ્રકારની દુર્ઘટના સ્વરૂપે આવે છે અને આપણે ત્યારે જવાબદારો સામે પગલાં લેવાની માંગણીમાં જોડાઈ જતાં હોઈએ છીએ પણ ખરેખર તંત્રની જે જવાબદારી છે તેનું વહન નથી થતું અને ઘટનાઓ સર્જાય છે તે દિશામાં કેમ કોઈ સવાલ નથી કરાતો? તંત્ર કેમ ઘટનાઓમાંથી સંજ્ઞાન લઈને સિસ્ટમ ફેલ્યોરના છીંડા બુરવાનો પ્રયાસ નથી કરતી? આ તમામ સવાલો શું ફક્ત સવાલો જ બની રહેશે અને હજુ પણ આ કરુણ ઘટના બાદ બે હાથ વાળીને સિસ્ટમના છીંડા જોયા રાખીશું? તે પણ એક સવાલ છે.

શું પાંચ-દસ વ્યક્તિને સસ્પેન્ડ કરવાથી ઘટનાઓ બનતી અટકી જશે? : પડી ભાંગેલી સિસ્ટમ ક્યારે સુધરશે?

ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં હવે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાની જેમ પાંચેક અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પણ સસ્પેન્ડ થયેલા આ પાંચ લોકો જ આ દુર્ઘટનામાં જવાબદાર હતા? આ ઘટનામાં આખી પડી ભાંગેલી સિસ્ટમ જવાબદાર હતી. મંજૂરી વિનાનો માંચડો, એનઓસી વિનાની ગેમ ઝોન, વેરિફિકેશન વિનાની પોલીસની મંજૂરી આ તમામ બાબતોમાં વ્યક્તિ નહિ પણ સિસ્ટમ ફેલ્યોર છે. વડાપ્રધાન મોદી એવુ કહેતા હોય છે કે, અગાઉની સરકારમાં કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલવામાં આવતો અને લોકો સુધી ફક્ત 15 પૈસા જ પહોંચતા અને હાલની સરકારમાં આખેઆખો રૂપિયો પહોંચે છે તો ત્યારે શું કોઈ વ્યક્તિ જવાબદાર હતી કે આખેઆખી સિસ્ટમ જવાબદાર હતી? ત્યારે આખી સિસ્ટમમાં છીંડા હતા એટલે કદાચ એવુ બન્યું હશે અને હાલ કદાચ સિસ્ટમમાં સુધારાથી આખેઆખો રૂપિયો પહોંચતો હશે તો પછી હાલ તંત્રના તમામ વિભાગમાં રહેલા છીંડા ક્યારે બુરાશે તે એક સવાલ છે. આ ઘટનામાં જયારે પાંચેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે બીજો સવાલ એ છે કે, ગેમઝોન જયારે શરૂ થયો ત્યારે શહેરના ઉચ્ચ અધિકારીઓ પણ આ સ્થળે ગયાં હતા અને તેમનો ફોટો પણ વાયરલ થયો છે તો પછી જવાબદાર તો આ ઉચ્ચ અધિકારીઓ પણ ગણાય પરંતુ અમે કોઈ વ્યક્તિની નહિ આ ઘટનામાં જવાબદાર તંત્ર અને તેની પડી ભાંગેલી સ્થિતિને ગણી રહ્યા છીએ.

સિસ્ટમની બેદરકારી ભ્રષ્ટાચાર અને સંકલનનો અભાવ જ ઘટનાઓ પાછળ જવાબદાર સૌથી મોટું પરિબળ

ગેમઝોનની ગોઝારી ઘટનામાં આશરે 34 લોકો જીવતા ભૂંજાયા, મીડિયાએ સતત કવરેજ કર્યું, તંત્ર દોડતું થયું, લોકોએ વ્યથા ઠાલવી એટલે આ ઘટના સૌને યાદ રહી છે પણ દરરોજ જે ઘટનાઓ સિસ્ટમ ફેલ્યોરના લીધે સર્જાય છે તેનું શું? માર્ગ અકસ્માત સર્જાય તો શું તેની પાછળ ટ્રાફિક શાખા અને આરટીઓ જવાબદાર નથી? લોકોએ 7/12 કઢાવવા માટે લોકોએ ધક્કા ખાવા પડે તો તેમાં સિસ્ટમ જવાબદાર નથી? ફૂડ પોઇઝનિંગથી ઢગલો લોકો બીમાર પડે છે તો તેમાં આરોગ્ય વિભાગનો વાંક નથી? વહીવટી તંત્ર મોટાપાયે ડિમોલીશનના ફોટો – વિગત મોકલી પ્રસિદ્ધિ મેળવતી હોય છે પણ જયારે તમે દબાણ થવા દીધું ત્યારે ડિમોલીશનની જરૂર પડી તો પછી દબાણ થવા પાછળ તમે જવાબદાર નથી? આ રોજ બરોજની ઘટનાઓમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા કે વિભાગ નહિ પરંતુ સો ટકા સિસ્ટમ જવાબદાર છે. સિસ્ટમમાં રહેલી બેદરકારી, ભ્રસ્ટાચાર અને સંકલનનો અભાવ જ રોજ નવી ઘટનાઓને નોતરું આપી રહી છે.

શું તમે આંધળા થઈ ગયા છો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઝાટકતી હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે રવિવારે રાજકોટના ગેમ ઝોનમાં 34 લોકોના મોત નીપજેલી આગની ઘટના અંગે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે અને કહ્યું છે કે આ ઘટના પ્રથમ દૃષ્ટિએ ’માનવસર્જિત’ છે. હાઇકોર્ટે લાપતા લોકો અંગે પણ સવાલો કર્યા છે કે, આ લોકો લની ભાળ હજુ સુધી કેમ નથી મળી? તંત્રએ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી? મંજૂરી વિના ધમધમતા ગેમ ઝોન વિરુદ્ધ અગાઉ કેમ પગલાં લેવાયા ન હતા? આ તમામ બાબતોમાં હાઇકોર્ટ આકરાપાણીએ છે અને આજે થનારી સુનાવણીમાં કડાકા ભડાકા થવાના એંધાણ છે.

જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવન દેસાઈની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે તંત્રની જરૂરી મંજૂરી વિના ગેમિંગ ઝોન અને મનોરંજન સુવિધાઓની સ્થાપના કરવામાં આવી છે.

બેન્ચે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલોને સોમવારે સુનાવણીમાં હાજર રહેવા સૂચના આપી હતી. તેઓને કાનૂની જોગવાઈઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું કે જેના હેઠળ આ એકમોની સ્થાપના કરવામાં આવી હતી અથવા તેમના અધિકારક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી મોટી આગમાં જીવ ગુમાવનારા 34 વ્યક્તિઓમાં 12 વર્ષથી ઓછી વયના ચાર બાળકોનો સમાવેશ થાય છે અને ત્રણ વધુ ઘાયલ થયા હતા.

અમને અખબારના અહેવાલો વાંચીને આઘાત લાગ્યો છે જે દર્શાવે છે કે રાજકોટના ગેમિંગ ઝોને ગુજરાત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર)ની છટકબારીઓનો લાભ લીધો હોવાનું જણાય છે.

હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસેથી એ પણ જાણવા માગ્યું હતું કે “શું આવા લાયસન્સ, તેના ઉપયોગ માટેના લાઇસન્સ અને ફાયર સેફ્ટી રેગ્યુલેશન્સના પાલન સહિત” આ કોર્પોરેશનોના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં આવતા સંબંધિત (મનોરંજન) ઝોનને આપવામાં આવ્યા હતા.

કોર્ટે કહ્યું, પ્રથમ દૃષ્ટિએ આ માનવસર્જિત આપત્તિ આવી છે જેમાં બાળકોના નિર્દોષ લોકોના જીવ ગયા છે અને પરિવારોએ તેમના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે.

રાજકોટમાં જે દુર્ઘટના બની તેમા તમામ સદ્ગત  આત્માને શાંતિ મળે એવી શ્રી લાલબાપુની શ્રદ્ધાંજલિ

રાજકોટ માજે દુર્ઘટના બની તે તમામ  દિવ્ય આત્માને શાંતિ અને સદગતિ મળે તે નિમિત્તે ગાયત્રી આશ્રમ ગધેથડ ના શ્રી લાલબાપુ 24000 ગાયત્રી મંત્ર કરી દિવ્ય આત્માના શાંતિ માટે અનુષ્ઠાન અર્પણ કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.