મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સોની માર નહી મારવા 10 હજાર લીધા તા: જામીન અરજી રદ

શહેરમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીને માર નહિ મારવા રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયેલા મહિલા એએસઆઇની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા ફરીયાદી,   તેના પતિ પાર્થ ગોહિલ અને પાર્થના મિત્ર હિતેશ સોલંકી તથા સુરજ ચૌહાણ વિરુધ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મારા મારીનો ગુન્હો દાખલ થયો હતો ફરીયાદીના બીજા દિવસે માલવીયાનગર પોલીસ મથકના મહિલા એ.એસ.આઈ. ગીતાબેન પંડ્યા ફરીયાદીના ઘરે ગયા હતા. અને કહેલ કે મારા મારીના ગુન્હામાં તારુ નામ પણ છે અને ગુન્હાની તપાસ મારી પાસે છે તો તું હાજર થઈ જા, જેથી ફરીયાદીએ કહેલ કે હું મારી રીતે હાજર થઈ જઈશ ત્યારબાદ મહિલા એ.એસ.આઇ. આશરે ત્રણથી ચાર વખત તેઓના ઘરે પાર્થની તપાસ માટે ગયા હતા.

ફરીયાદી ગઈ તા. 16/12/2022 ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મહિલા એ.એસ.આઇ. પાસે હાજર થયેલા અને આરોપી મહિલાએ કહેલ કે તારે ટેબલ જામીન કરાવવા હોય તો પચાસ હજારનો વહિવટ થશે જેથી ફરીયાદીએ કહેલ કે હાલ મારી પાસે હાલ આટલા પૈસા નથી જેથી ફરીયાદીને આરોપી મહિલાએ અટક કરેલા અને બીજા દિવસે જામીન મુક્ત કર્યા હતા. ત્યારબાદ તા. 28/12/2022 ના રોજ ફરીયાદીના મોબાઈલ પર મહિલા આરોપીનો ફોન આવેલો અને મારા પતિ વિશે પુછેલ અને મેં કહેલ કે મને ખબર નથી.

આરોપી મહિલાએ કહેલ કે તારા પતિને ગુન્હાના કામે અટક કરવાનો બાકી છે, જો એ મારી પાસે હાજર થશે તો તેને લોકઅપમાં નહીં રાખવા અને માર પણ નહીં મારવા રૂ.20 હજારની લાંચની માગણી કરી હતી. ફરીયાદીએ દશ હજાર આપેલા બાકીના દશ હજાર માટે વાયદો કરેલો આ દરમ્યાન ફરીયાદીએ એ.સી.બી. પો.સ્ટે.માં મહિલા આરોપી વિરુધ્ધ એ.સી.બી.ની ફરીયાદ નોંધાવતા મહિલા એ.એસ.આઈ. ગીતાબેન પંડ્યાને એસીબીની ટીમે રૂ.10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.

જે લાંચ કેસમાં ચાર્જશીટ બાદ મહિલા એ.એસ.આઈ. ગીતાબેન પંડ્યાએ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો માન્ય રાખી સ્પે. એ.સી.બી. કોર્ટે મહિલા આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.