રાજકોટ શહેરમાં આપઘાતના ચાર પ્રયાસ: પરિણીતા સહિત ચાર ગંભીર

આંબેડકર નગરમાં રિસામણે રહેલી પત્ની પાસેથી પતિ પુત્ર લઈ જતા વખ ઘોળ્યું: રામનાથ પરામાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પતિએ ઝેર પીધું

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં માવતરે રિસામણે રહેલી પરિણીતા પાસે રહેલા પુત્રને લઈને પતિ જતો રહેતા પરિણીતાએ એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. અન્ય બનાવમાં રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતી દિવ્યાબેન પ્રફુલભાઈ નામની 25 વર્ષની પરિણીતા સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેની માતા મંજુલાબેન ચંદ્રપાલના ઘરે રિસામણે હતી ત્યારે એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં દિવ્યાબેન કાલાવડના સરપદડ ગામે સાસરીયુ ધરાવે છે અને છેલ્લા 15 દિવસથી પુત્ર સાથે માવતરે રિસામણે આવી હતી. પરંતુ પતિ પ્રફુલ દિવ્યાબેન પાસે રહેલા પુત્રને લઈને જતો રહેતા દિવ્યાબેનને લાગી આવતા એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય બનાવમાં રામનાથપરામાં આવેલા ભવાનીનગરમાં રહેતા પ્રવીણભાઈ છગનભાઈ બાંભણીયા નામનો 36 વર્ષના યુવાને રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં રામનાથ મહાદેવ મંદિરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પ્રવીણ બાંભણિયાના મામાના દીકરાના જામનગર ખાતે લગ્ન હતા અને પરિવાર સાથે ત્યાં લગ્નમાં ગયો હતો. ત્યારે જામનગરથી રાજકોટ આવવા માટે પ્રવિણ બાંભણીયાએ આઇસરમાં અને પત્નીએ બસમાં લેવાનું કહેતા બંને વચ્ચે રકઝક થઈ હતી. પત્ની સાથે ઝઘડો થતા પ્રવિણ બાંભણીયાએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં સંત કબીર રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પરસોતમભાઈ ગોરવાડીયા નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જ્યારે બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા શુક્લ ખીજડીયા ગામે રહેતા વનીતાબેન મનસુખભાઈ સુરેજા નામના 52 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે અકળ કારણસર ફિનાઈલ પી લીધું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે