Abtak Media Google News

ટાઇટલ વાંચી આશ્ચર્ય થયું હશે અમને પણ આ લખતા દુ:ખ થાય છે.આ ટાઇટલ ભાજપના તમામ એવા નેતાઓને સમર્પિત છે કે જેને ખુરશી મળતા કે ચૂંટણીની ટિકિટ મળતા રાજકોટના ગામદેવતા સ્વયંભૂ રામનાથ મહાદેવના વિકાસની માત્રને માત્ર વાતો કરી અને કામ ખરેખર સ્વ વિકાસના જ કર્યાં. ચોમાસાની સીઝનમાં દર વર્ષે  ભારે વરસાદમાં આજી નદીમાં જયારે ઘોડાપુર આવે છે ત્યારે નદીના પટમાં ફેલાયેલી બેસુમાર ગંદકી દ્રારા રામનાથ મહાદેવનો જળાભિષેક થાય છે.ખરેખર જયારે દેવાધીદેવ મહાદેવનો જળાભિષેક થતો હોય ત્યારે શિવભક્તો હૈયા હોંશથી હરખાતા હોય છે.

પરંતુ જયારે મેઘરાજા રામનાથ મહાદેવનો અભિષેક કરે ત્યારે શિવભક્તોના હૈયા દુભાય છે.આજી રિવરફ્રન્ટ અને રામનથ કોરિદોરની મોટી મોટી વાતો કરતા કોર્પોરેશનના શાસકોમાં આજી નદીમાંથી ગંદકી દૂર કરવાની પણ ત્રેવડ નથી.રાજ્ય સરકારે રામનાથ કોરિડોર પ્રોજેકટ માટે 179 કરોડ ચોક્કસ ફાળવ્યા છે પણ આ ગ્રાન્ટ એક કાન છોડી બીજો કાન પકડવા જેવી છે.

સ્વર્ણિમના કામોમાંથી ગ્રાન્ટની ફાળવણી કરાય છે. હવે જો આ ગ્રાન્ટ ખર્ચી નાખવામાં આવે તો શહેર અન્ય વિકાસ કામો ટલ્લે ચડે તેમ છે.શાસકોમાં એટલી તાકાત નહીં કે રામનાથ કોરીડોર માટે ફાળવેલી  ગ્રાન્ટનો હેડ પણ ફેરવી શકે.સીએમ છાશવારે એવું કહે છે કે,વિકાસ કામો કરતા રહો પૈસાની ચિંતા ન કરો પણ આવી ખાતરી પાણીદાર નીવડતી નથી.રામનાથ મહાદેવને ગંદકીમાંથી મુક્ત કરાવવા માટે જો કંઈ ઘટતું હોય તો તે માત્રને માત્ર દાનત છે.

માત્ર વાતો કરી અખબારોમાં પોતાના ફોટા આવે એટલે રાજી રાજી થઈ જતા ભાજપના નેતાઓએ રામનાથ મહાદેવ મંદિર આસપાસની દુર્દશાની તસ્વીર પણ નિહાળવી જોઈએ.અધિક શ્રાવણ માસમાં આવા દશ્યો ખરેખર શિવભક્તોની લાગણી દુભાવી રહ્યા છે.રાજકોટ ભલે સ્માર્ટ સિટી કે મેટ્રો સિટી બની જાય પરંતુ જ્યાં સુધી રામનાથ મહાદેવને ચોમાસામાં થતા ગંદા પાણીથી થતા જળાભિષેકમાંથી મુક્તિ ન આપવી શકીએ ત્યાં સુધી વિકાસ બેમતબલ જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.