Abtak Media Google News

માતા,પુત્ર,પુત્રવધુ અને બે માસુમ બાળકોએ ઝેરી દવા પી જીવન લીલા સંકેલી લીધી

જામનગર શહેરના કિશાન ચોક નજીક સૂર્યમુખી ચોક પાસે રહેતા વણિક પરિવારના પતિ, પત્ની,બે બાળકો અને ૮૦ વર્ષીય વૃઘ્ધા સહીત પાંચ વ્યકિતએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટનાએ શહેરને હચમચાવી દીધા છે.

અંગ્રેજી વર્ષના પ્રથમ દિવસે સામુહિક આત્મહત્યાના બનાવથી હાલારમાં હડકંપ મચી ગયો છે. બનાવને પગલે સ્થાનીક પોલીસ સહીત ઉચ્ચ અધિકારી દોડી ગયા હતા. અને આપઘાતનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસકેન્દ્રીત કરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરના કિશાનચોક નજીક સુૂર્યમુખી ચોક પાસે રહેતા જયાબેન પન્નાલાલ સાકરીયા નામના ૮૦ વર્ષીય વૃઘ્ધા અને તેના પુત્ર દિપકભાઇ (ઉ.વ.૪પ) પત્ની આરતીબેન દિપકભાઇ (ઉ.વ.૪ર), પુત્રી કુમકુમ (ઉ.વ.૧૦) અને પાંચ વર્ષનો પુત્ર હેમત સહીત પાંચ વ્યકિતએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક દિપકભાઇના પિતા પન્નાલાલએ જણાવ્યું કે સવારે નિત્યક્રમ પ્રમાણે જાગ્યા ત્યારે ઘરમાં કોઇ હિલચાલ ન થતાં પત્નિ, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર જે રૂમમાં સૂતા હતા. તે રુમનો દરવાજો ખખડાવતા કોઇ ન ખોલતા પન્નાલાલને કાંઇક અજુગતુ થયું હોય તેવું લાગતા પાડોશી અને સીટી એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરતાં ડીવાયએસપી એ.પી. જાડેજા અને પી.આઇ. એ.કે.ભુવર સહીતનો સ્ટાફ દોડી ગયા હતા. અને બારણ તોડીને રુમમાં પ્રવેશતા પરિવારના પાંચેય વ્યકિત બેભાન હાલતમાં જણાતા તુરંત તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં તમામને મૃત જાહેર કરી પી.એમ. કરાવ્યુ ઝેરી દવા પી લેવાથી મોત નિપજયું હતું.

પન્નાલાલ સાકરીયાએ જણાવ્યું હતું કે પત્ની જયાબેન સાકરીયા છેલ્લા ચાર વર્ષથી બિમારી હોય તેનો બિમારીના ખર્ચને પહોંચી ન વળતા તથા પુત્ર દિપકભાઇ ફરસાણનો વ્યવસાય કરતા તે ધંધો ચાલતો ન હોય અને મકાન પર બેંક લોનના હપ્તા ચડી જતા આર્થિક સંકડામણથી આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

આધાર ભુત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ચડત લોનના હપ્તા  ભરવા બેંક દ્વારા અવાર નવાર રુબરુ કહેતા તેમજ વ્યાજખોરો દ્વારા પણ ત્રાસ અપાતો હોવાનું ખાનગીમાં ખુલ્યું છે.પોલીસે આ મામલે કાગળો કરી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.