Abtak Media Google News

તા.૧૫મી ઓગષ્ટનો દિવસ ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં લાલ કિલ્લાના કાંગરેથી પ્રતિવર્ષની જેમ રાષ્ટ્રને સંબોધન કરવાના છે. આ સંબોધન એક અબજ અને ૨૦ કરોડની પ્રજા ધરાવતા લોકશાહી રાષ્ટ્રને સંબોધન હશે એટલે એ વિશેષ મહત્વનું બની શકે છે.

Advertisement

વડાપ્રધાને આ સંબોધન માટે દેશની પ્રજાનાં સૂચનો માગ્યા છે. આવું આ પહેલીવાર બન્યું છે. દેશની જનતાનો અવાજ આ સંબોધનમાં જોવા મળે તો નવાઈ નહિ ! લોકસભાની ચૂંટણીમાં પ્રજાનો પ્રચંડ વિશ્ર્વાસ પ્રાપ્ત કર્યા પછી વડાપ્રધાનનું આ પ્રથમ આઝાદી-દિન-સંબોધન હોવાથી પ્રજાની અપેક્ષાનું એમાં પ્રતિબિંબ હોઈ શકે !

આઝાદીદિને જે રાષ્ટ્ર ધ્વજ લાલ કિલ્લાના કાંગરેથી પરંપરાગત લહેરાષે તે આદેશના સવા અબજ પ્રજાજનોનું પ્રતિનિધિત્વ કરતો હશે. એની શાન-બાનની રખેવાળીનો ધર્મ આ દેશની પ્રજાએ બજાવવાનો છે.

આ અવસર એવો છે કે, આપણા દેશની વર્તમાન પરિસ્થિતિ કેવી છે અને સરકાર શું શું કરવા વિચારે છે, તેનો વડાપ્રધાન આ દેશની પ્રજાને ખ્યાલ આપશે !

આમ જોઈએ તો આપણા દેશ આગામી મહિનાઓમાં અકલ્પનીય ઉથલપાથલો નિહાળશે એવી આગાહી રાજકીય ક્ષેત્રનાં અનુભવી અભ્યાસીઓ કરી રહ્યા છે.

 એમનું કહેવું છે કે, લોભસભાની વર્તમાન ચૂંટણીનાં એક પછી એક ચરણનાં મતદાન રાષ્ટ્રના રાજકારણને બુરી રીતે ડહોળી રહ્યા અને સમગ્ર રાષ્ટ્રને છીન્નવિછીન્ન કરી રહ્યા છે. આપણા દેશની એકતા અત્યારે એટલી હદે કમજોર બની છે કે, રાષ્ટ્રને વધુ વિભાજીત કરવા સુધી ઢસડી જશે! આપણાદેશ માટે આ અમંગળ એંધાણ કહી શકાય! અત્યારની આવી હાલત વચ્ચે નીચે મુજબના સવાલો ઉઠે છે.

આપણી પ્રજાકીય એકતાએ આપણો ઈષ્ટદેવ કેમ નથી રહી? આપણી રાષ્ટ્રીય એકાત્યતા એ આપણો આરાધ્યદેવ કેમ નથી રહી? આપણા દેશના બંધારણને આપણો પરમેશ્વર માનવાનું તથા આપણી લોકશાહીને તીર્થસ્થળ સમી ચાહવાનું આપણે કેમ છોડી દીધું છે! આ પણ આપણા દેશને માટે અમંગળ એંધાણ છે!

આ દેશને એક જમાનામાં સારે જહા સે અચ્છા કહીને હોંશભેર અને આદરભેર બીરદાવ્યો હતો. દેશ પ્રત્યેની જાગૃતિથી જ ઈતિહાસ છે. ઈતિહાસ આપણા દેશના સુવર્ણયુગનો સાક્ષી છે. ઈકબાલ ઈસ્લામ ધર્મી હતા. તો પણ તે આવું સૌન્દર્યમંડિત રાષ્ટ્રગાન રચી શકતા હતા. અને મઝબ નહી શીખાતા આપસ મેં બૈર રખના જેવો મૂલ્યવાન ઉપદેશ આપીને ઈતિહાસપુરૂષની હરોળમાં સ્થાન પામ્યા હતા ! આજે ઈકબાલ આપણને જડતા નથી અને તેમણે નિહાળેલો હિન્દુસ્તાન સારે જહા સે અચ્છા કયાંય જડતો નથી!

હરેક મા આપણી મા કેમ નથી રહી ? હરેક બેન આપણી બધાની બેન કેમ નથી રહી? હરેક દીકરી આપણી દીકરી કેમ નથી રહી? આપણા દેશના હરેક નરનારી આપણને આપણા જ ભાઈ ભાંડુ જેવા લાગતા હતા તે દ્રષ્ટી આપણે કેમ ખોઈ નાખી? આ દેશ આપણો છે. આ ભૂમિ આપણી છે. ગંગા આપણી છે. ને સૌની છે. બધા પ્રત્યે એકસરખી છે. બધાના પાપ ધુએ છે.

હરિદ્વાર પણ સૌનું એકસરખું છે.

હરકીપેડી પણ બધા માટે એક સમાન છે. ધર્મ કે સંપ્રદાય વિશે એના જળ કે એના કિનારા કોઈને કયારેય સવાલ પુછતા નથી. જય ગંગામૈયાની આરતીનાં કર્ણપ્રિય ધ્વનિ અને એના મહાત્મ્યના જયઘોષમાં કોણ સામેલ થાય છે. અને કોણ સામેલ થતા નથી. એ જોવાને ગંગાના તટને એના જળપ્રવાહને લગીરે ઉચાટ નથી.

આપણા દેશમાં હમણા હમણા અજબ જેવો ઉચાટ શરૂ થયો છે. અને તે વકરી રહ્યો છે. દોઢસો વર્ષ સુધી મોગલ અને અંગ્રેજી સલ્તનતો હેઠળ ગુલામ એટલો આપણો દેશ હિન્દુસ્તાન હવે ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં વહેચાઈ ગયો છે. સ્વતંત્રતા પામ્યા પછી પણ હિન્દુ મુસલમાન પ્રજા એક બીજા પ્રત્યેનો ધિકકાર અને કોમી વિખવાદોનો અંત લાવી શકી નથી.

આપણા દેશનો રાષ્ટ્રધ્વજ અ્ત્યારે છે તેવો ત્રિરંગો જ રાખવો જોઈએ કે એના સ્થાને ભગવા કે કેસરીયા રંગનો કરી નાખવો જોઈએ? કદાચ ભવિષ્યમાં કોઈ લીલા રંગની ધ્વજાની કલ્પના પણ કરે.

આ દેશનો જનમંચ જયહિન્દ જોઈએ વંદે માતરમ્ જોઈએ કે ભારત માતા કી જય જોઈએ? રાષ્ટ્રગીત જનગણમન કે પછી વંદે માતરમ્ જોઈએ? આપણો સાંસ્કૃતિક મંત્ર જ વસુધૈવ કુટુમ્બકમ છે. આખી વસુંધરા આપણો પરિવાર.. આખી માનવજાત આપણા સગપણમાં બધા જ ધર્મો અને બધા જ સંપ્રદાયો જોડે આપણી સગાઈ આજે એમાનું કાંઈ નથી.. આપણા ઘરમા આ બધાથી સૌદર્યમંડિત તાણાવાણા સાથે આપણે કયાંય જડતા નથી શોધ્યા શોધતા નથી.

આપણા દેશની આવી પરિસ્થિતિ વચ્ચે આપણા જ જમ્મુ-કાશ્મીરમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. કાશ્મીરને લગતી બંધારણની કલમ રદ કરવાની હિલચાલ આપણા સત્તાધીશોએ શરૂ કરી છે.

આઝાદી-દિને જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી પરિબળો દ્વારા પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી નારાઓ થતા રહ્યા છે. અને પાકિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવે છે. આ વખતે ભારત સરકારે કાશ્મીરમાં આવું કાંઈ જ ન થવા દેવાનો વ્યૂહ રચીને ત્યાં મોટા પ્રમાણમાં લશ્કરની જમાવટ કરી છે. કાશ્મીરના નેતાઓ પણ લડાયકતા દાખવી રહ્યા છે. હવે ત્યાં શું થાય છે તે ચિંતાનો વિષય છે. જબરી ઉથલપાથલનાં સંકેત સાંપડે છે. આને અમંગળ અંધારા નહિ તો શું કહેવું?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.