જામનગર: જુની તાલુકા શાળા સામેના જૈન દેરાસરમાં વહેલી સવારે લુખ્ખા તત્વોએ સાધુ-સાધ્વીજીઓ સાથે ગેરવર્તન અને તોડફોડ કરી

જામનગર શહેરમાં અનેક સ્થળોએ જૈન ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીજીઓના ચાર્તુમાસ પ્રવેશના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ દરમ્યાન શહેરમાં આવેલી જુની તાલુકા શાળા સામેના દેરાસરમાં વહેલી સવારે લુખ્ખા તત્વોએ સાધુ-સાધ્વીજીઓ સાથે ગેરવર્તન કરી તોડફોડ કરી હતી. તેમજ દેરાસરની બહાર પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કર્યાની ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર રોષ ફેલાઇ ગયો છે અને પોલીસના પેટ્રોલીંગ ઉપર પર અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.
વહેલી સવારે આંણદાબાવાના ચકલાથી સેન્ટ્રલ બેંક તરફ જવાના માર્ગ પર જુની તાલુકા શાળા સામે આવેલાં શાંતિ ભુવન દેરાસરમાં રાત્રીના સમયે અજાણ્યા આવારા તત્વોએ ઘુસીને તોડફોડ કરી હતી. તેમજ દેરાસરના કર્મચારી અને સાધુ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ઉપરાંત આ લુખ્ખા તત્વોએ દેરાસરની બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યાં હતાં. જામનગર શહેરના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આવી હિચકારી ઘટના બની હશે. દેરાસરમાં થયેલા હુમલાની જાણ થતાં જૈન સમાજના ભરત પટેલ, કોર્પોરેટર નિલેશ કગથરા, નવિન ઝવેરી અને શાંતિભૂવન જૈન સંઘના ટ્રસ્ટી કૌશિક ઝવેરી તથા અન્ય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ કરાતાં પીઆઇ એમ.જે. જલુ તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી જે.એસ. ચાવડા સ્થળ તપાસ માટે આવી ગયા હતા. જૈન દેરાસરમાં બનેલી ઘટનાથી જૈન સમાજમાં રોષની લાગણી ફરી વળી છે.
પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને તાત્કાલિક એક્શનમાં આવીને તોડફોડ કરી સાધુ સાથે અભદ્ર વર્તન કરનાર લુખ્ખા તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મળતી વિગત મુજબ અમુક શખ્સોને ઝડપી લીધા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા તપાસ આરંભી હતી. બીજી તરફ શહેરના માર્ગો પર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરી લોકો ભયમુકત રહી શકે તેવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.