Abtak Media Google News
  • મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી

  • ફાયર બ્રિગ્રેડને જાણ થતા ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી

જામનગર ન્યૂઝ

જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગતરાતે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. જે આગને આજે વહેલી સવારે 5 વાગ્યે 30થી વધુ ફાયર ફાઈટરની મદદથી કાબૂમાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટરની ટીમ રવાના કરવામાં આવી હતી. જે બાદ જરૂર જણાતા અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાના મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે હોવાથી ત્યા ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.

Advertisement

મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગ વહેલી સવારે કાબૂમાં આવી ગઈ હતી ત્યારબાદ જામનગરની ફાયર બ્રિગેડને વહેલી સવારે 5:00 વાગ્યે ત્યાંથી છુટા કરવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર, એસડીએમ, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જિલ્લાની મોટાભાગની પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.Whatsapp Image 2024 02 09 At 10.13.26 58B31B1D

ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા નગરપાલિકા, રાજકોટ, જામનગર જીએસએફસી રિલાયન્સ ન્યારા સહિતની આસપાસના વિસ્તાર તેમજ કંપનીઓની ફાયર બ્રિગેડની ટીમ રિલાયન્સ મોલ ખાતે આગને કાબૂમાં લીધી હતી. 15થી વધુ 108 એમ્બ્યુલન્સ તથા આસપાસની કંપનીઓ તેમજ વિસ્તારોમાંથી મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

રાજકોટથી પણ બે ફાયર ફાઈટર જામનગર મોકલાયા

ખાવડી સ્થિત રિલાયન્સ મોલમાં આગ લાગવાના સમાચાર મળતાં જ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકરે તાત્કાલિક બે ફાયર ફાઈટર જામનગર મોકલવા ચીફ ફાયર ઓફિસર આઈ વી ખેરને સૂચના આપી હતી. ચેરમેન જયમિન ઠાકરે જણાવ્યું હતું કે, બે ફાયર ફાઇટર મોકલવામાં આવેલ છે અને વધુ ફાયર ફાઇટર મોકલવાની આવશ્યકતા જણાશે તો એ માટે પણ રાજકોટ મહાનગરપાલિકા તૈયાર છે.

આગની ઘટનામાં કોઈ જ જાનહાની સર્જાઈ નથી : રિલાયન્સ પ્રવક્તાની સ્પષ્ટતા

રિલાયન્સ પ્રવક્તાએ જણાવ્યું હતુ કે જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગના કારણની તપાસ કરવામાં આવશે.

અનંત અંબાણી તાત્કાલિક જામનગર દોડી આવ્યા

ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને થતા તેઓ મોડી રાત્રે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિત રિલાયન્સના અનેક ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જી જી હોસ્પિટલની મેડિકલ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ

રિલાયન્સ મોલમાં આગની ઘટના બનતા જી જી હોસ્પિટલની તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા હતા. જો કોઈ ઈજાગ્રસ્ત થાય તો તાત્કાલિક સારવાર આપી આબાદ બચાવ કરી લેવા માટે હોસ્પિટલમાં તબીબોની ટુકડીઓ સાથે મોલની બહાર ચાર જેટલી 108 એમ્બયુલન્સને તૈનાત કરી દેવામાં આવી હતી.

 સાગર સંઘાણી

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.