Abtak Media Google News

જામનગર સમાચાર

જીએસટીની અમલવારી શરૂ થયા બાદ જીએસટી કરચોરી ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવી રહી છે જેમાં પેઢી ધારકો ફેક ઇન્વોઈસ , અન્ડર વેલ્યુએશન ગુડ્સ સહિતના અનેક ગોટાળા કરી રહ્યા છે પરંતુ જીએસટી વિભાગ પણ તીવ્રતાથી આ તમામ પેઢી ધારકોને બાનમાં લઈ કાયદસરની કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સેન્ટ્રલ જીએસટીની પ્રિવેન્ટીવ વિભાગની ટીમ દ્વારા જામનગરના બ્રાસ અને સ્ક્રેપના ભંગારના વેપારી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં તેની પાસેથી વિભાગને 67.72 કરોડ રૂપિયાની કર ચોરી કરી હોવાનું સામે આવતા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
સેન્ટ્રલ જીએસટી રાજકોટના નિવારક વિભાગે જામનગરમાં બ્રાસ અને કોપરના ભંગારના વેપારીની રૂ. 67.72 કરોડની કરચોરીના આરોપસર ધરપકડ કરી હતી. સ્ક્રેપ ટ્રેડિંગ ફર્મના માલિક પરાગ હરિયાએ 2017થી જીએસટી રજિસ્ટ્રેશન લીધું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી તે નકલી ઇન્વોઇસ ઇશ્યૂ કરવામાં અને મેળવવામાં સામેલ હતો. કેન્દ્ર સરકાર દ્વારા બ્રાસ પર 18 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. નકલી બિલોનો ઉપયોગ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ ખર્ચ બતાવીને આવકવેરો ટાળવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ સેન્ટ્રલ જીએસટી દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તેમાં અન્ય પેધિધરકોને પણ સાણસામાં લેવામાં આવશે .
આરોપી પરાગ હરિયાએ નકલી ચલણ જનરેટ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે . ઇ ચલણ માટે વેપારીઓએ માલના પરિવહન માટે ઈ-વે બિલ જનરેટ કરવું જરૂરી છે. પરંતુ આ કિસ્સામાં, ઈ-વે બિલમાં દર્શાવેલ વાહનો ન તો ચેકપોસ્ટ પરથી પસાર થયા હતા કે ન તો માલવાહક હતા. જે અંગેની ખરાઈ કર્યા બાદ સંપૂર્ણ ઘટના સેન્ટ્રલ જીએસટી સામે આવી હતી. .બનાવટી ઈનવોઈસ ખરીદનાર ઈન્વોઈસના આધારે ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરે છે. એન્ટ્રીઓ સાચી છે તે બતાવવા માટે, બેંકિંગ ચેનલ દ્વારા ચુકવણીની આપ-લે કરવામાં આવે છે, પરંતુ ચુકવણી પ્રાપ્તકર્તા તેનું કમિશન કાપીને આંગડિયા મારફત પૈસા પરત કરે છે.
બીજી તરફ જામનગરના અન્ય બ્રાસ અને કોપરના ભંગારનો વેપાર કરતા વ્યાપારીઓ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાઇ તો નવાઈ નહી. હાલ ડિજિટલ ઇન્ડિયાના યુગમાં દરેક માહિતી સેન્ટ્રલ એજનસી પાસે હોઈ જ છે . ત્યારે આવકવેરા વિભાગની ટીમ પણ આ કિસ્સામાં આવે તો નવાઈ નહી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.