Abtak Media Google News

શહેર અને જિલ્લામાં ફોરેસ્ટ વિભાગના તઘલખી નિર્ણયથી સામાજિક સંસ્થાઓ અને વન મિત્રોને સર્પ પકડવાની મનાઈ ફરમાવવામાં આવી છે જેના કારણે જિલ્લામાં દરરોજ સર્પ મરવાની ઘટના બની રહી છે. કારણ કે, સર્પ પકડવા કોઈ જતું નથી અને લોકો સર્પને મારી નાખે છે.

શહેર-જિલ્લામાં સર્પ નીકળવાની ઘટના લગભગ દરરોજ ક્યાંકને ક્યાંક બનતી રહે છે જે માટે નેચર કલબ તેમજ તેના દ્વારા ટ્રેનિંગ લીધેલા લોકો સર્પને પકડીને જંગલમાં મૂકવાની કામગીરી કરે છે.આ કામગીરી વિનામૂલ્યે થઈ રહી હતી, પરંતુ વન વિભાગને આમાં ક્યાંક ખોટ દેખાય તો એક પરિપત્ર બહાર પાડીને સર્પ પકડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો જે લોકોએ સર્પ પકડવા હોય તેમણે અરજી કરી ટ્રેનિંગ લઈ વન વિભાગને સાથે રાખી સર્પ પકડી શકાય તેવી લાંબા લાંબી શરતો રાખી જેના કારણે  શહેર અને જિલ્લામાં સર્પ પકડવાની કામગીરી સદંતર બંધ થઈ ગઈ છે અને જ્યાં પણ સર્પ નીકળે છે ત્યાં લોકો બીકના લીધે તેને મારી નાખે છે.

શહેર અને જિલ્લામાં ચોમાસા દરમિયાન સર્પ નીકવાની ઘટના સૌથી વધુ બને છે. અત્યારે વોલેન્ટિયરો દ્વારા સર્પ પકડવાની કામગીરી બંધ હોવાથી જ્યારે પણ ઘર અથવા અન્ય જગ્યાઓ પર સર્પ નીકળે છે ત્યારે લોકો બીકના માર્યા તેને મારી નાખે છે. આવી રીતે દરરોજ સાતથી આઠ સર્પ મોતને ભેટે છે.

સર્પ નીકળે તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો: એસીએફ

સર્પને પકડવા બાબતે વન વિભાગને સાથે રાખવાનો નિયમ તો પહેલેથી જ હતો. હવે આ બાબતે સરકારમાંથી ટ્રેનિંગનો નિયમ આવ્યો છે. છ તાલુકામાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા સર્પ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોએ તેમનો સ્ટેટ કંટ્રોલ 8320002000 પર સંપર્ક કરવો. જેથી તેમના વિસ્તારમાં કોણ સર્પ પકડે છે તે જાણી શકાય અને વન વિભાગના કર્મચારીઓ આવી શકે.

લાખોટા નેચર કલબે સર્પ બચાવવાનું કામ બંધ કર્યુ

લાખોટા નેચર કલબએ એક નિવેદન બહાર પાડી સંસ્થાના સભ્યોને જણાવ્યું છે કે,વન જીવોની બચાવ કામગીરી કરવી નહીં જો કરશે તો તેને સંસ્થાના નિયમ વિરુદ્ધનું કાર્ય ગણવામાં આવશે અને તેના પર કાયદેસરની કાર્યવાહી થશે તો સંસ્થા જવાબદાર રહેશે નહીં. માટે સાપ તથા ઘાયલ પશુ-પંખી અંગે વન વિભાગ, ગંજીવાડાનો સંપર્ક કરવા પ્રમુખ સુરેશ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.