Abtak Media Google News

ગત રવિવારે યુવાનની કરપીણ હત્યા નીપજાવનાર સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના ભાઈને કોર્ટે બે દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. આ હત્યા પૂર્વે પણ આરોપી સામે અડધો ડઝન ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હત્યાના તહોમતદાર એવા સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે ટ્રીપલ મર્ડર, હત્યા પ્રયાસ, મારામારી અને જુગાર સબંધિત આઠ ગુનાઓ નોંધાયા છે. પંચકોશી પોલીસ બંને ભાઈઓને કોર્ટમાંરજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે.

ગત રવિવારે ઠેબા ચોકડી પાસે પેટ્રોલ પંપ પર કારમાં આવેલ સસ્પેન્ડેડ પોલીસકર્મી ઈશ્વરસિંહ જાડેજાએ કાર અથડાવી યુવરાજસિંહ જાડેજા નામના યુવાનને ફંગોળી, છરી વડે હુમલો કરી, એક ઘા ગળાના ભાગે મારી કરપીણ હત્યા નીપજાવી હતી. આ ઘટનામાં ઈશ્વરસિંહના ભાઈની પણ સંડોવણી સામે આવી હતી. આ ઘટનાને અંજામ આપી બંને સખ્સો નાશી ગયા હતા. એલસીબીએ બંને શખ્સોને પડધરી પાસેથી પકડી પાડી પંચકોશી બી-ડીવીજન પોલીસને સુપ્રત કર્યા હતા. પોલીસે બંને શખ્સોને આજે કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ પર લીધા છે.

પોલીસમાંથી જાણવા મળેલ વિગતો મુજબ આરોપી સામે ધાંગધ્રા ખાતે ક્ષત્રીય અને ભરવાડ જૂથ વચ્ચે થયેલ ટ્રીપલ મર્ડર અને રાયોટીંગ, જામજોધપુર પોલીસ દફતરમાં જુગાર સંબંધિત એક ગુનો, પંચકોશી બી ડીવીજનમાં હત્યા પ્રયાસ, સીટી બી અને સીટી એ પોલીસ દફતરમાં મારામારીની ફરિયાદો સહીત આઠ ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લે ભાવનગર બદલી કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પંચકોશી બી ડીવીજન પોલીસે બંધુ પાસેથી કાર, છરી અને કપડા તેમજ અન્ય કોઈ મદદગાર છે કે કેમ તેમજ હત્યા પાછળનો ઈરાદા અંગે ખરાઈ કરી કડીઓ મેળવવા પૂછપરછ શરુ કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.