જામનગર: શાળા,કોલેજો,વેપારીઓને ફાયર સેફટીની નોટિસ આપનાર તંત્ર સફાળુ જાગ્યું, મહાપાલિકા હવે પોતાનું ‘ઘર’ફાયર પ્રુફ કરશે

શહેરમાં આગ દુર્ધટના રોકવા તકેદારીના પગલે શાળા કોલેજ તથા વેપારી સંસ્થાઓને નોટિસ ફટકારનાર અને પગલા લેનાર મહાપાલિકાએ પોતાના બિલ્ડીંગોના ફાયર સેફ કરવા તૈયારી આદરી છે. આ માટે ટેન્ડર સહીતની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

જામનગર શહેરમાં ફાયર સફેટી વિહોણા બિલ્ડીંગોને તેમજ હોસ્પિટલો, હોટલો, સ્કુલો-કોલેજોને નોટીસ આપનાર ખુદ જામનગર મહાનગરપાલિકા હસ્તકના બિલ્ડીંગમાં ફાયર સિસ્ટમ ફીટ કરવા માટે રૂ.180.44 લાખનું ટેન્ડર નોટીસ જાહેર કરવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વિહોણા બિલ્ડીંગોને નોટીસો ફટકારવામાં આવે છે. એટલુ જ નહી અનેક ટયુશન કલાસો અને શાળા-કોલેજોને ફાયર સેફટીના મુદે નોટીસો ફટકારાઇ છે. તેમજ હોસ્પિટલમાં ફાયર સેફટીના અભાવે મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા સીલીંગ સહિતની કાર્યવાહી કરેલ છે.

મહાનગરપાલિકા હસ્તકના બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ સીસ્ટમ અને ઇકવીટમેન્ટ ફીટ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી પડી છે. ખરેખર મહત્વની વાત એ છે કે, મહાનગરપાલિકા હસ્તકના જ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હતો. તે પછી દીવા પાછળ અંધારૂ જેવો ઘાટ સર્જાયો છે. જામનગર મહાનગરપાલિકાના જે બિલ્ડીંગોમાં ફાયર સેફટી નથી તેવા બિલ્ડીંગોમાં પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ દ્વારા ફાયર સીસ્ટમ અને ફાયરના સાધનો ફીટ કરવા માટે રૂા.180.44 લાખનું ટેન્ડર નોટીસ જાહેર કરવામાં આવી છે. શહેરીજનોમાં આ જાહેરાતને લઇને ભારે ચર્ચાએ જોર પકડયુ છે. ખરેખર મહાનગરપાલિકા હસ્તકના તમામ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો હોવા જોઇએ તેના બદલે મહાનગરપાલિકા હસ્તકના જ બિલ્ડીંગોમાં ફાયરના સાધનો ન હોય તે ગંભીર બાબત ગણાય.