Abtak Media Google News

દેશમાં શિક્ષણ, ગુણવતામાં સુધારો કરવા કેન્દ્રની મોદી સરકાર પ્રતિબઘ્ધ પાણી જ વિકાસની બુનિયાદ છે, ગુજરાત સરકારે રાજયના ૧૦ હજાર ગામડાઓમાં નર્મદાના નીર પહોંચાડી ઐતિહાસિક કામ કર્યું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ધ્યાનમાં રાખી સતાધારી પક્ષ ભાજપ દ્વારા મહા લોકસંપર્ક અભિયાન  કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે આજે કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રાજકોટ પશ્ર્ચિમ અને રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં મહાસંપર્ક અભિયાનમાં ભાગ લીધા બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાનું ભાજપ પ્રત્યેનો વિશ્ર્વાસ અને ભાજપની વિકાસ પ્રત્યેની પ્રતિબઘ્ધતા આગામી ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં શિક્ષણની ગુણવતામાં સુધારો કરવા અને ઉચ્ચ શિક્ષણમાં શોધ અને અનુસંધાન માટે કેન્દ્ર સરકાર પ્રતિબઘ્ધ છે. કોંગ્રેસના નેતાઓ બસમાં ફરે છે, જયારે ભાજપના નેતાઓ ઘેર-ઘેર જઈ લોકસંપર્ક કરી રહ્યા છે. એક સમયે ગુજરાતમાં પાણીની ભારે કટોકટી હતી પરંતુ છેલ્લા ૨૨ વર્ષમાં આ રાજયએ ખૂબ જ વિકાસ કર્યો છે. રાજયની ભાજપ સરકારે ૨૨ વર્ષમાં ૧૦ હજાર ગામડાઓ અને ૧૭૩ શહેરોમાં નર્મદાના નીર પહોંચાડયા છે. જે સરકારની સૌથી મોટી ઉપલબ્ધી છે. કોંગ્રેસની સરકારે નર્મદા બંધ બાંધવાનું કામ તો ન્હોતું કર્યું પરંતુ નર્મદા બંધને રોકવાનું કામ તો ચોકકસપણે કર્યું છે. પાણી વિકાસની સાચી બુનિયાદ છે. જનતાને પણ ભાજપ પર પુરો વિશ્ર્વાસ છે અને આગામી ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા ભાજપનો સાથ આપશે તેવો મને પુરો વિશ્ર્વાસ છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ જયારે હું ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે અહીં આવતો હતો ત્યારે એવો પ્રચાર થતો હતો કે ભાજપના હાથમાંથી ગુજરાત નિકળી જશે પરંતુ કામ બોલે છે વિકાસ બોલે છે. આજે દેશમાં ૨૪ કલાક વિજળી આપતુ એક માત્ર રાજય ગુજરાત છે. ૨૦ મુદ્દા અમલીકરણ અને ઔધોગિક ઉત્પાદનમાં પણ આ રાજયએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતવાસીઓની માથાદીઠ આવકમાં ૧૦ ગણો વધારો થયો છે. જયારે ભાજપના શાસનમાં કપાસના ઉત્પાદનમાં ૪ ગણો, મગફળીના ઉત્પાદનમાં બમણો, ફળના ઉત્પાદનમાં ૪ ગણો, શાકભાજીના ઉત્પાદનમાં ૮ ગણો અને દૂધના ઉત્પાદનમાં ૩ ગણો વધારો થયો હોવાનું નોંધાયું છે. કામ અને નેતૃત્વના આધારે ભાજપની જીત નિશ્ર્ચિત બની ગઈ છે. કેન્દ્રની મોદી સરકાર પણ જનતાની સરકાર છે અને જનતાનો અવાજ સાંભળે છે. જેના કારણે જ જીએસટીના દરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.કોંગ્રેસ એવું કહી રહી છે કે જીએસટીમાં ચાર સ્લેબ નહીં પરંતુ એક સ્લેબ જોઈએ છે એટલે ૫ ટકા, ૮ ટકા, ૧૨ ટકા અને ૧૮ ટકાના બદલે કોંગ્રેસ ૧ સ્લેબ માંગીને ટેકસમાં વધારો કરવાની વાત કરી રહી છે. આજે પત્રકાર પરિષદમાં માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.પત્રકાર પરિષદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ભાજપના પ્રદેશ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, મીડિયા ઈન્ચાર્જ નિતીનભાઈ ભુત અને હરેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.