Abtak Media Google News

ભારતના ટોપ 20માં અમદાવાદના બે વિધાર્થીઓ : રાજ્યના કુલ 17 શહેરોમાં યોજાઈ હતી પરીક્ષા

દેશના 9.60 લાખથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું

ધોરણ 12 પછી ડિગ્રી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી જેઇઇ મેઈન્સનું પરિણામ જાહેર થયું છે. રાજકોટના નિર્મિત ભંડેરીએ 99.99 પરસેન્ટાઇલ મેળવી સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. એટલુંજ નહીં બીજા ક્રમે કુશલ મહેતા અને પાર્થ અઘારા કે જેઓને 99.96 પરસેન્ટાઇલ મળેલ છે. બીજી તરફ ભારતના ટોપ 20 વિધાર્થીઓમાં અમદાવાદના 2 વિધાર્થીઓનો સમાવેશ થયો છે.

અમદાવાદના બે વિદ્યાર્થીઓએ 100માંથી 100 પર્સેન્ટાઇલ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી માસમાં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ જાહેર થતાંજ વિધાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બંને વિદ્યાર્થીઓને જેઈઈ એડવાન્સની પરીક્ષામાં સ્કોર કરી બોમ્બે આઈઆઈટીમાં કમ્પ્યુટર સાયન્સમાં જોડાવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ધોરણ 12 પછી રાજ્ય અને દેશની શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઈ મેઈન્સ પ્રથમ તબક્કાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ એવા છે કે, જેમને 100 પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે. દેશભરમાં માત્ર 20 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ સફળતા મળી છે. જેમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગીય અને હરસુલ સુથાર નામના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

ત્રણ વર્ષથી વર્ષમાં બે વાર જેઇઇ મેન્સની પરીક્ષા યોજાય છે. આ બંને પરીક્ષામાંથી જે પરીક્ષાનું સારું પરિણામ હોય એ પરિણામ માન્ય રાખવામાં આવે છે અને એના આધારે એડમિશન મળતું હોય છે. જેઇઇ-મેઇન જાન્યુઆરી સત્રની પરીક્ષા 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે યોજાઇ હતી. જેઇઇ-મેઇનસમાં 9.06 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી 8.6 લાખ વિદ્યાર્થીઓએ બીટેક માટે અરજી કરી હતી,  દેશના 290 શહેરો અને વિદેશમાં 18 શહેરો સહિત 424 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાઓ યોજાઈ હતી. પરીક્ષા ગુજરાતના 17 શહેરોમાં યોજાઈ હતી.

અમદાવાદના કૌશલ વિજયવર્ગીય નામના વિદ્યાર્થીએ જેટલા માર્કની પરીક્ષા હતી, એટલા માર્ક મેળવ્યાં છે. કૌશલએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. જ્યારે હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની અને દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સની પરીક્ષા યોજાતી હોય છે. મેન્સ બાદ એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે. જેના થકી વિદ્યાર્થીઓને આઈઆઈટી અને એનઆઇટીમાં પ્રવેશ મળે છે. ત્યારે આ તમામ વિધાર્થીઓનું માનવું છે કે તેમના દ્વારા જે કોઈ ભૂલ પરીક્ષા દરમિયાન થઈ હોય તે હવેની એડવાન્સ પરીક્ષામાં ન થાય તેના માટે તેઓ મહેનત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.