Abtak Media Google News

રાખડીઓમાં ગર્વભેર ચમકયું “ચંદ્રયાન 3”

વિશ્વ ફલક પર ભારત દેશને ગર્વ અપાવનાર ચંદ્રયાનની રાખડીઓની ધૂમ માંગ

ચંદ્રયાન 3, ચંદ્ર પર લેન્ડ થતા સમગ્ર દેશમાં ખુશીની લાગણી વ્યાપી છે ત્યારે ભારત દેશનું નામ વિશ્વ ફલક પર ગુંજતું થયું છે.રક્ષાબંધન નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાખડીમાં પણ હવે ચંદ્રયાન જોવા મળશે. રાજકોટ શહેમાં વૈજ્ઞાનિકોને બિરદાવવા માટે રક્ષા રૂપી રાખડીમાં ચંદ્રયાન પ્રતીકરૂપે મુકવામાં આવ્યું છે.હાલ રાખડીની ખરીદીમાં ચંદ્રયાનની રાખડી બહેનોની પહેલી પસંદ બની છે.યાજ્ઞિક રોડ પર આવેલ જોહર કાર્ડમાં વેપારીઓએ વૈજ્ઞાનિકોને બિરદાવવા રાખડીઓમાં ચંદ્રયાનનું પ્રતીક બનાવતાની સાથેજ આ રાખડીઓ ધૂમ મચાવી રહી છે.

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી જોહર કાર્ડ અને જોહર ગેલેરી કાલાવડ રોડ, પ્રેમ મંદિર, ગાર્ડન સામે આવેલ શોપમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને અઢળક ડિઝાઇન સાથેની અવનવી રાખડીઓ આવી ગઈ છે. આ વર્ષે બાળકો માટે કાર્ટુન કેરેક્ટર, મોટાઓ માટે ચંદન, સુખડ, રૂદ્રાક્ષની રાખડીઓ સાથે સાથે ભાભી અને નણંદ માટેની લંબા રાખડીની અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે.

ભારત દેશમાં અનેકવિધ તહેવારોની હર્ષોલારા સાથે ઉજવણી કરવામાં આવે છે. તેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાંથી એક અને સૌથી લોકપ્રિય તહેવાર એટલે રક્ષાબંધન, રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધી ભાઈના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે,રક્ષાબંધનનો તહેવાર દરેક ધર્મના લોકો ઉજવે છે, ભાઈની લાંબી ઉમર અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાથના કરતી હોય છે. ત્યારે હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો હોય શહેરની જાણીતી જોહર કાર્ડ શોપમાં આ વર્ષે અવનવી રાખડીઓ આવી ગઈ છે. આ અંગે શોપના માલિક યુસુફભાઈ માંકડાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 56 વર્ષથી રાખડીનું વેચાણ કરીએ છીએ. હાલમાં અમારે ત્યાં અઢળક ડિઝાઇનની રાખડીઓ ઉપલ્બધ છે. જો કે આ વર્ષે ગ્રાહકોમાં રુદ્રાક્ષની રાખડીની ભારે માંગ જોવા મળી રહી છે. અમે રક્ષાબંધનના તહેવારના 6 મહિના પહેલા જ રાખડીની કરાવીએ છીએ અને ખરીદી શરૂ કરીએ છીએ.

હાલમાં બાળકો માટે લાઇટિંગ, મ્યુઝિકવાળી તેમજ બાળકોને પ્રિય એવી કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડીઓ પણ છે. જ્યારે સુખડ, ચંદન, રુદ્રાક્ષ, અમેરિકન ડાયમંડ, કુંદન, સ્પિનર વાળી, ટ્રેડિશનલ મીના વર્ક, એવીલ આઇસ, સહિતની અનેક રાખડીઓ છે. જ્યારે હસનૈન ભાઈએ કહ્યું હતું કે, અમે ગ્રાહકોના ખાસ ઓર્ડર મુજબ નામ અને ફોટાવાળી અને મેટલ પર રાખડીઓ પણ તૈયાર કરાવી આપીએ છીએ. અહી મળતી રાખડીઓમાં પણ કેટલીક ખાસ પ્રકારની ડિઝાઇન અમે ઓર્ડર આપીને તૈયાર કરાવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.