Abtak Media Google News

હવે ઉદ્યોગકારોને ગાંધીનગર સુધી નહીં લંબાવવું પડે, ઘરઆંગણે જ મળી રહેશે ન્યાય

રાજ્યમાં કુલ પાંચ ઝોન જાહેર કરાયા, રાજકોટ ઝોનમાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ જિલ્લાનો સમાવેશ: 50 લાખ સુધીના ફસાયેલા નાણાના કેસોનું બોર્ડ સ્થાનિક ઝોનલ સમિતિ ચલાવશે

સરકાર દ્વારા એમએસએમઇ કાઉન્સિલમાં પાંચ ઝોનની રચના કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં બે ઝોન બન્યા છે. રાજકોટ ઝોનને 7 જિલ્લા આપવામાં આવ્યા છે. જેમાં રાજકોટના અધિક કલેકટરને ચેરમેન બનાવવામાં આવ્યા છે. હવે આ ઝોન કક્ષાની સમિતિમાં 50 લાખ સુધીના ફસાયેલા નાણાના કેસોનું બોર્ડ યોજાશે.

ગુજરાત સરકારે રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે માઇક્રો અને સ્મોલ એકમોની સુવિધા માટે રાજ્ય સ્તરે ફેસિલિટેશન કાઉન્સિલની રચના કરી હતી. પણ ગુજરાતમાં આવા ઉદ્યોગોની સંખ્યા વધારે હોય અને તેને લગતી સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે તે માટે અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ- ભાવનગર એમ પાંચ પ્રાદેશિક કક્ષાએ ઝોનની રચના કરી છે. જેમાં રાજકોટ ઝોનમાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર ઝોનમાં ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રૂ. 50 લાખથી વધુ રકમ ફસાયેલી હોય તેવા એકમોના કેસો રાજ્ય કક્ષાની કાઉન્સિલમાં અને રૂ. 50 લાખથી ઓછી રકમ ફસાયેલી હોય તેવા કેસો પ્રાદેશિક કાઉન્સિલમાં આવશે. રાજ્યકક્ષાની કાઉન્સિલમાં અધ્યક્ષ તરીકે એમએસએમઇ કમિશનર છે. જ્યારે નાયબ સચિવ-લીગલ, પ્રમુખ ગુજરાત સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન તથા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના જનરલ મેનેજર સભ્યો તરીકે તેમજ એમએસએમઇના જોઇન્ટ કમિશનર સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે.

તમામ પ્રાદેશિક સ્તરની કાઉન્સિલમાં અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેક્ટર હેશે. રાજ્ય કક્ષાની કાઉન્સિલરની માફક તમામ પ્રાદેશિક કાઉન્સિલમાં પણ ચેરમેન સહિત કુલ પાંચ સભ્યો રહેશે. રાજકોટ ઝોનની કાઉન્સિલમાં ચેરમેન તરીકે અધિક કલેકટર શિવરાજસિંહ ખાચર, સભ્ય તરીકે ચેમ્બર પ્રમુખ, લેન્ડ ડિસ્ટ્રીકટ મેનેજર, સરકારી વકીલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર રહેશે.

હાલ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રમાં એમએસએમઇ ઉદ્યોગો છે. તેઓના પેન્ડિંગ કેસોની સંખ્યા પણ ખૂબ મોટી છે. તેવામાં હવે ઉદ્યોગકારોને ઘરઆંગણે જ ન્યાય મળી રહે તેવી સુવિધા સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે. જો કે બીજી તરફ રાજકોટ જિલ્લા અધિક કલેકટર ઉપર કામનું ભારણ વધવાનું છે. કારણકે અગાઉથી જ તેઓ પાસે ફૂડને લગતા કેસો ચલાવવાની વધારાની જવાબદારી હોય, હવે વધુમાં એમએસએમઇની જવાબદારી મળી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની પ્રાદેશિક કાઉન્સિલ અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓ આવશે. વડોદરાની પ્રાદેશિક કાઉન્સિલ વડોદરા ઉપરાંત આણંદ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ અને મહીસાગર જિલ્લા કવર કરશે. સુરત પ્રાદેશિક કાઉન્સિલર સુરત ઉપરાંત ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લા આવરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.