Abtak Media Google News

ચેરમેન પુષ્કર પટેલની આવતા મહિને મુદ્ત પૂર્ણ થઇ રહી હોય ધડાધડ લેવાશે નિર્ણય: કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓમાં ભરતી અને બઢતીના નિયમોમાં ફેરફાર કરવાની થોકબંધ દરખાસ્તો

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલની મુદ્ત આગામી 12મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. ત્યારે હવે ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનમાં કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની જમ્બો બેઠકમાં અધધધ કહી શકાય તેટલી 96 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. નિયમ મુજબ દર મહિને સ્ટેન્ડિંગની બેઠક બોલાવવી ફરજિયાત હોય હજુ મુદ્ત પૂર્ણ થાય તે પહેલા એકાદવાર ખડી સમિતિની બેઠક મળે તેવી સંભાવના જણાઇ રહી છે.

Advertisement

કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં પાઇપલાઇનની સુવિધા વિહોણા વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પાણી વિતરણ કરવા, વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ગાર્ડનની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા, નેશનલ હાઇવેથી રામવનને જોડતા રોડને ડેવલપ કરવાના કામ માટે રિવાઇઝ્ડ ખર્ચ મંજૂર કરવા, કર્મચારીઓને આર્થિક તબીબી સહાય ચૂકવવા, સાંઢીયા પુલને દૂર કરી નવો ઓવરબ્રિજ બનાવવા માટે મિલકત કપાતમાં લેવા, લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવા, શ્ર્વાન ખસીકરણ, હડકવા વિરોધી રસી અને ડોગ ફ્રેન્ડલી કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવા, કોર્પોરેશનના અલગ-અલગ કાર્યક્રમોમાં થયેલા ખર્ચને મંજૂરી આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. આ ઉપરાંત કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓમાં ભરતી અને બઢતીના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

ડીએમસીની નવી બે જગ્યા જ્યારે વોર્ડ ઓફિસરની 6 જગ્યા ઉભી કરાશે

કોર્પોરેશનનો વિસ્તાર સતત વધી રહ્યો છે. હાલ શહેરમાં ત્રણ ઝોન કચેરી કાર્યરત છે. ભવિષ્યમાં બે ઝોન કચેરી બનાવવા માટેની પણ વિચારણા ચાલી રહી છે. ત્યારે ડીએમસીની નવી બે જગ્યાઓ ઉભી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. હાલ સેન્ટ્રલ વેસ્ટ અને ઇસ્ટ ઝોનના ડીએમસીની જગ્યા ઉપલબ્ધ છે. જે પૈકી માત્ર બે જ ડીએમસી કાર્યરત છે. ભવિષ્યમાં બે ઝોન કચેરી ઉભી કરવાની વિચારણાં છે. તેને ધ્યાનમાં રાખી ડીએમસીની નવી બે જગ્યા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ ઓફિસરની પણ નવી 6 જગ્યા ઉભી કરાશે. જેમાં 20 વોર્ડ ઓફિસરની સિધી ભરતી કરવામાં આવશે. જ્યારે પાંચને ખાતાકીય પ્રમોશન આપવામાં આવશે. આસિસ્ટન્ટ મેનેજર, ટેક્સ ઓફિસર અને આસિસ્ટન્ટ મેનેજર ટ્રાફીકની જે 25 જગ્યા છે તેને મર્જ કરી દેવામાં આવશે અને આ આઠ નવી જગ્યા ઉભી કરાશે.

વૃક્ષારોપણ માટેનો કોન્ટ્રાક્ટ ફરી સદ્ભાવનાને અપાશે

શહેરમાં જન સહયોગ દ્વારા ગો-ગ્રીન યોજના હેઠળ વૃક્ષારોપણ કરી ત્રણ વર્ષ સુધી નિભાવણીનો કોન્ટ્રાક્ટ સદ્ભાવના વૃધ્ધાશ્રમને આપવામાં આવશે. તેઓએ રૂ.2500ની માંગણી પ્રતિ વૃક્ષદીઠ કરી હતી. દરમિયાન કોર્પોરેશન દ્વારા વૃક્ષદીઠ રૂ.2000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 500 રૂપિયા સંસ્થા દાતાઓ પાસેથી લઇ શકશે. બદલામાં વૃક્ષના પીંજરા પર દાતાના નામની તકતી લખાવી શકશે.

કોઠારિયા સોલવન્ટ પાસેનો 24 મીટરનો રોડ 8 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

શહેરના વોર્ડ નં.18માં કોઠારિયા સોલવન્ટની બાજુમાં આવેલો 24 મીટરનો રોડ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવશે. આ કામ માટે રૂ.8.05 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. 8.10 ટકા ઓછા ભાવે કામ કરી આપવા માટે મારૂતિનંદન ક્ધસ્ટ્રક્શન દ્વારા ઓફર આપવામાં આવી હતી. જેને બહાલી આપવા કાલે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાશે. આ ઉપરાંત વોર્ડ નં.18માં અર્જુન પાર્ક, શણગાર વાટિકા સહિતની સોસાયટીઓમાં મેટલીંગ કરવા રૂ.34 લાખ, રેલવે ટ્રેક નાલાથી સરદાર ઇન્ડસ્ટ્રીઝ રોડ પર વરસાદી પાણીની પાઇપલાઇન નાંખવા રૂ.74 લાખ અને તાલુકા શાળા રોડથી સ્વાતિ પાર્ક પાણીના ટાંકા સુધી વરસાદ પાણીની પાઇપલાઇન નાંખવા રૂ.64.63 લાખ મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.