Abtak Media Google News

હયાત 30 મીટરનો રોડ 6 મહિનામાં 45 મીટર પહોળો થઇ જશે: 64 આસામીઓની મિલકત કપાતમાં લેવાશે: 43 આસામીઓને કપાતના બદલામાં જમીન, 17 આસામીઓને કપાતના બદલામાં એફએસઆઇ અને રૂડાને રોકડ વળતર અપાશે

શહેરના ગૌરવ પથ એવા કાલાવડ રોડને મોટા મવા ગામતળથી શરૂ કરી કોર્પોરેશનની હદ સુધી અર્થાત અવધ રોડ સુધી 150 ફૂટનો કરવા માટે કપાતમાં આવતી 64 મિલકતોના માલિકોને કપાત સામે વળતર આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. કાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 96 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આગામી 6 મહિનામાં કાલાવડ રોડ પહોળો કરવાની કામગીરી આટોપી લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનો સતત વિકાસ થઇ રહ્યો છે. સાથોસાથ કોર્પોરેશનની હદ પણ વધી રહી છે. વાહન વ્યવહારનું પ્રમાણ પણ વધતાં હવે ટ્રાફીકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. મોટા મવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીના હયાત 30 મીટરની પહોળાઇના કાલાવડ રોડને 45 મીટરનો કરવા વર્ષ-2021માં લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી.

આશરે દોઢ કિલોમીટરના આ રોડને પહોળો કરવા માટે અલગ-અલગ 64 આસામીઓની મિલકત કપાતમાં લેવાની થાય છે. અસરગ્રસ્તો સાથે બેઠક કર્યા બાદ જે મિલકતધારકોની મિલકતો કપાતમાં આવે છે. તે પૈકીના 43 મિલકતધારકોને જેટલી જમીન કપાતમાં જાય છે તેટલી જ જમીન અન્ય ટીપી સ્કિમમાં ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે 17 આસામીઓએ કપાતમાં જતી પોતાની મિલકત સામે ભવિષ્યમાં બિલ્ડીંગ પ્લાન મંજૂરી અર્થે રજૂ કરે ત્યારે માર્જીન-પાર્કિંગ તથા એફએસઆઇ વધારાની આપવી તેવી માંગણી કરી છે.

આ રોડ પર રૂડાની પણ જમીન કપાતમાં આવે છે. તેની સામે રૂડાને જંત્રી ભાવ મુજબ રોકડ વળતર આપવામાં આવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ જનરલ બોર્ડમાં ઠરાવ કરી વહિવટી મંજૂરી મળતાની સાથે જ તમામને વૈકલ્પિક વળતર ચૂકવવાનું શરૂ કરાશે અને ત્યારબાદ મોટા મવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીના કાલાવડ રોડને 150 ફૂટનો કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

સ્વર્ણિમની રૂ.418 કરોડની ગ્રાન્ટ માટે સરકારમાં કરાશે દરખાસ્ત

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસકામો માટે રાજકોટ મહાનગરપાલિકાને દર વર્ષે અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દરમિયાન વર્ષ-2023-2024 માટે મળતાપાત્ર રૂ.417.88 કરોડની ગ્રાન્ટ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. આ અંગે કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કર્યા બાદ સરકારમાં મોકલવામાં આવશે.

રેલનગર અન્ડરબ્રિજમાં પાણીની સમસ્યા હલ કરવા 57 લાખનું આંધણ કરાશે

શહેરના વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલા અન્ડરબ્રિજમાં ચોમાસાની સિઝન દરમિયાન સતત ત્રણ થી ચાર મહિના સુધી વરસાદનું પાણી પડે છે. જેના કારણે વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બ્રિજમાં ગ્રાઉટીંગ કરી વોટરપ્રૂફીંગના કામ માટે વધુ રૂપિયા 57 લાખનું આંધળ કરવામાં આવશે. આ કામ માટે રૂ.48.14 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઇનોવેટિવ એન્ટરપ્રાઇઝે આ કામ 21.51 ટકા વધુ સાથે કરી આપવાની ઓફર આપી હતી. વાટાઘાંટાને અંતે 18.51 ટકા ઓન સાથે કામ કરવાની સહમતી આપતા હવે 57.05 લાખનો ખર્ચ કરવામાં આવશે. જેમાં બ્રિજમાં સતત પડતા પાણીને અટકાવવા માટે ગ્રાઉટીંગ કરીને વોટરપ્રૂફીંગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.