Abtak Media Google News

વર્લ્ડબેન્ક દ્વારા નેશનલ હાયર એગ્રીકલ્ચર એજ્યુકેશન પ્રોજેકટ અંતર્ગત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ મારફત અપાયેલ ઈન્સ્ટીટયુટ ડેવલપમેન્ટ પ્લાન પ્રોજેકટના હેતુસર અમલીકરણમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને 88% માર્કસ સાથે દેશમાં સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મળેલ છે.

દેશની કુલ 75 યુનિવર્સીટીઓમાંથી પ્રથમ અને બીજા ચરણમાંથી કુલ 13 યુનિવર્સીટીઓને આવો પ્રોજેક્ટ મળેલ છે. જેના અમલીકરણમાં અને તે પણ હેતુ મુજબ અમલીકરણ, આઉટપુટ અને આઉટકમાં આધારે વર્લ્ડ બેન્ક દ્વારા થર્ડ પાર્ટી મારફત મૂલ્યાંકન કરાવેલ, મૂલ્યાંકન દરમ્યાન સઘળી માહિતી વર્લ્ડ બેન્ક દ્વારા તેમની સાઈટ પરથી એકત્રિત કરેલ, જેમાં વિધાર્થીના વિકાસ માટે કરેલા કાર્યો, ફેકલ્ટી ઈમ્પ્રુવમેન્ટ, પ્લેસમેન્ટ, એન્ટરપ્રેન્યુઅરશિપ, એલ્મની સાથે ઈન્ટરેકશન, ઈન્ડસ્ટ્રીઝ સાથે એમ.ઓ.યુ. જેવા ઘણા પાસાઓને સમાવી માર્કિંગ સીસ્ટમના આધારે મુલ્યાંકન કરી નંબર આપવામાં  આવ્યા હતા.

જેમાં દેશની નામાંકિત કૃષિ યુનિવર્સીટીઓ તથા દિલ્હી સ્થિત આઈ.સી.એ.આર.ની ઈન્સ્ટીટયુટોને પાછળ છોડી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ તકે મંત્રી આર. સી. ફળદુ તથા કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા તથા યુનિવર્સીટી અધિકારીઓ તેમજ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ સર્વેને અભિનંદન પાઠવી આવા ઉમદા કાર્યો થકી કૃષિ યુનિવર્સીટી, ખેડૂતો તેમજ રાજ્યની પ્રગતિમાં સતત પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.