Abtak Media Google News

ઝુંપડપટ્ટીને રેગ્યુલાઈઝ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી શહેરના પૂર્વ મેયર લાખાભાઈ પરમાર સક્રિય રીતે લડત ચલાવતા રહ્યા હતા

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા ઝુપડપટ્ટી મુદ્દે સત્યાગ્રહના સોમવારે ૬૮ માં દિવસે મનપા ખાતે થયેલ હલ્લા બોલ અને ધારણા બાદ સુખદ અંત આવ્યો હોવાનું અગ્રણી ધર્મેશ પરમાર દ્વારા જાણવા મળેલ છે. જુનાગઢ મહાનગરમાં આવેલ ઝૂંપડપટ્ટી ને રેગ્યુલાઇઝ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર સક્રિય રીતે લડત ચલાવી રહ્યા હતા, અને આ વખતના ૬૮ દિવસના ધારણા પહેલા પણ અનેક વખત સત્યાગ્રહ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યા હતા, અને દર વખતે યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી અપાયા બાદ વર્ષોથી આ પ્રશ્ન ટલે ચડતો ગયો હતો.

અંતે લાખાભાઇ પરમારે આ વખતે નિર્ણય લઈને જ જંપશે તેવા મક્કમ નિર્ધાર સાથે આંદોલન ચાલુ કર્યું હતું, તેમાં ઝૂંપડપટ્ટીના લોકો, કોંગ્રેસ, સીપીએમ સહિતના રાજકીય પક્ષો અને આગેવાનો તથા બુદ્ધિજીવીઓનો સંપૂર્ણ ટેકો મળ્યો હતો અને તાજેતરમાં બે મહિના જેવો સમય થઈ જવા છતાં તંત્ર દ્વારા કોઇ જ નક્કર નિર્ણય લેવામાં ન આવતા એક હલ્લાબોલ નો કાર્યક્રમ ગઇકાલે સોમવારે નક્કી કરવામાં આવ્યો હતો. દરમિયાન ગઇકાલે મોટી સંખ્યામાં ઝુપડપટ્ટી વિસ્તારની મહિલાઓ સહિતના લોકોએ મનપા ખાતે હલ્લાબોલ  કર્યો હતો અને ધરણાં યોજયા હતા ત્યારે આગેવાનો કમિશનર તુષાર સુમરાની રૂબરૂ મુલાકાતે ગયા હતા અને આ બાબતે ચર્ચાના અંતે મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા કોઈ નક્કર અને કાયમી નિરાકરણ લાવી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું, આ ઉપરાંત હાઉસ ટેક્ષ લેવા માટે પણ યોગ્ય કરાશે અને ઝૂંપડપટ્ટી વિસ્તાર અને લોકોને મદદ કરી શકાય તે દિશામાં પણ કામ કરશે તેવી બાહેંધરી આપી, ધરણા કાર્યક્રમ મોકૂફ રાખવાનું જણાવતા આગેવાનો એ આંદોલન મોકૂફ રાખવાનું નક્કી કર્યું હતું અને ગઇકાલે સોમવારે ૬૮ માં દિવસે મનપાના પૂર્વ મેયર લાખાભાઇ પરમારે પારણા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.