જુનાગઢ મહાપાલિકા રૂ. ૫.૪૦ કરોડનું બાકી લેણું નહીં ભરે તો ‘કનેકશન કટ’

ગજબ થઇ હો, વીજ તંત્રે અલ્ટીમેટમ આપી દીધું

મહાપાલિકા અને નગરપાલિકાઓની બાકી લેણા ભરવામાં ડાંડાઇ સામે વીજ તંત્રની દાખલારૂપ કામગીરી: વેરા પેટે નગરજનો પાસેથી ઉધરાણી કરતી મહાપાલિકા અને નગરપાલિકાઓ પીજીવીસીએલને બુચ મારવામાં અવ્વલ નંબરે

જૂનાગઢ મહાનગરપાલિકા પાસે છેલ્લા ઘણા સમયથી પી.જી.વિ.સી.એલ.ના વીજ બેલ પેટે રૂપિયા ૫.૪૦ કરોડની ઉધારી બાકી હોવાથી, વીજ તંત્રએ  બાકી બિલ ભરી જવા એક નોટિસ પાઠવી હોવાનું અને ૨૪ કલાકમાં રૂપિયા ભરવામાં નહી આવે તો, મનપાના વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવું સ્પષ્ટતા સાથે આ નોટીસમાં જણાવવામાં આવ્યું છે. જેને લઇને જૂનાગઢ વાસીઓની ચિંતામાં વધારો થયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મહાનગર પાલિકાને વીજ કચેરી જુનાગઢ દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે કે, છેલ્લા ઘણા સમયથી તમારા કુલ મળી રૂ. ૫.૪૦ કરોડ વીજ બિલ ભરવાના બાકી છે, જે  ભરવામાં નહીં આવે તો, મનપાના સ્ટ્રીટ લાઈટ, વોટર વર્કસ અને વાણિજ્ય વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે અને તેની તમામ જવાબદારી મનપા કચેરીની રહેશે એવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે.

પીજીવીસીએલના બાકી રકમની વાત કરીએ તો જુનાગઢ પીજીવીસીએલ જૂનાગઢ મહાનગર પાલિકા પાસે સ્ટ્રીટલાઈટના રૂપિયા ૪૬૨ લાખ, વોટર વર્ક્સ માટેના કનેક્શનના ૭૨.૫૭ લાખ, વાણિજ્ય હેતુના લાઈટ બીલ રૂપિયા ૬.૧૦ લાખ મળી કુલ રૂ. ૫.૪૦ કરોડ માંગતી હોવાની વાત છે. અને આ રકમ છેલ્લા ઘણા સમયથી બાકી ખેંચાતી આવતી હોવાથી કંપનીના અધિકારી દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળયું છે.

આ અંગે જૂનાગઢ મનપાના ડેપ્યુટી કમિશનર લિખિયા તથા મનપાના ઇલેક્ટ્રિક એન્જિનિયર ચુડાસમા દ્વારા વીજતંત્ર એ આ અંગેની નોટિસ આપી હોવાનું સ્પષ્ટ કર્યું છે, ત્યારે સવાલ એ થાય છે કે, મનપા પાણી વેરો, અને વીજ વેરો પુરી કડકાઈ સાથે ઉઘરાવી રહી છે, પરંતુ આ વેરામાંથી પ્રાપ્ત થતી રકમમાંથી વીજ બિલ કેમ ભરાતું નથી ? અને શા માટે જૂનાગઢ મનપા દ્વારા વારંવાર પ્રજાના પરસેવાનથી ભરાયેલા વેરાના રકમનો સદ ઉપયોગ કરવાને બદલે વીજ કંપનીને “ડીલે પેમેન્ટ ચાર્જ” ચૂકવી મનપાની તિજોરીનો આર્થિક બાર વધારવામાં આવે છે.

વીજ બિલ ભરવામાં કદાચ મિસ મેનેજમેન્ટ અથવા ઓછી આર્થિક આવકને કારણે મોડું થાય તે સ્વાભાવિક છે, પરંતુ વારંવાર વીજ કંપનીઓની નોટિસ છતાં મનપા સામે આવડું મોટું વીજ બિલનું કરજ અને મોડું ભરાય એટલે વધારાનો દંડ અંગે મનપાના અધિકારીઓ કે પદાધિકારીઓ વહીવટમાં કેમ ઉણા ઉતરી રહ્યા છે. અને જો આવું જ ચાલશે અને આજે નહિ તો, આવતીકાલે જો વીજ તંત્ર કડક વલણ અખત્યાર કરશે તો જૂનાગઢ મહાનગરની સ્ટ્રીટ લાઈટ બંધ થવા પામશે, લોકો પાણી વગરના રહેશે જ્યારે વાણિજ્ય કનેકશન પણ કટ થતાં મનપા ઓફિસના કામો પણ ઠપ થઈ જવા પામશે. ત્યારે તે તકલીફોની જવાબદારી કોની ? મનપાના અધિકારીઓની ? કે પદાધિકારીઓ ?

જોકે મનપામાં ચર્ચાતી વિગતો અનુસાર જૂનાગઢ વીજ તંત્રના અધિકારીઓને જ્યારે ઉપરથી ઠપકો આવે છે ત્યારે આવી ફોર્માલિટી ખાતર નોટિસ પાઠવાઈ છે અને આવી નોટિસો તો વીજતંત્ર દ્વારા મનપાને વારંવાર આપવામાં આવે છે પરંતુ બાદમાં થોડી ઘણી રકમ ભરાઈ જાય છે અને દિવસેને દિવસે વીજ બિલનો આંકડો મોટો થતો જાય છે.

જૂનાગઢ વીજતંત્ર ખરેખર કડકાઈ વાપરશે તો આગામી ૨૪ કલાકમાં જૂનાગઢવાસીઓને સ્ટ્રીટ લાઈટ વગરના અંધારા અને પાણી વગરના વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામી છે.

મનપા કમિશનરની લોકોને હૈયાધારણા: લાઇટ, પાણી સહિતની સેવાઓ અવિરત ચાલુ રહેશે

જુનાગઢ પીજીવીસીએલ જૂનાગઢ મહાનગર પાલિકા પાસે સ્ટ્રીટલાઈટના રૂપિયા ૪૬૨ લાખ, વોટર વર્ક્સ માટેના કનેક્શનના ૭૨.૫૭ લાખ, વાણિજ્ય હેતુના લાઈટ બીલ રૂપિયા ૬.૧૦ લાખ મળી કુલ રૂ. ૫.૪૦ કરોડ માંગતી હોવાથી અને આ રકમ છેલ્લા ઘણા સમયથી બાકી ખેંચાતી આવતી હોવાથી બુધવારે પીજીવીસીએલ દ્વારા રૂૂ. ૫.૪૦  કરોડના બિલની ઉઘરાણી માટે પી.જી.વિ.સી.એલ. એ ૨૪ કલાકમાં મનપાને બાકી બિલ ભરી જવા એક નોટિસ પાઠવી હતી, અને  ૨૪ કલાકમાં રૂપિયા ભરવામાં નહી આવે તો, મનપાના વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવું સ્પષ્ટતા સાથે આ નોટીસમાં જણાવવામાં આવ્યું હતું. દરમિયાન જૂનાગઢ મનપાના કમિશનર તુષાર સુમેરા એ જણાવ્યું હતું કે, પી.જી.વી.સી.એલ. એ જૂનાગઢ મનપાને નોટિસ પાઠવી છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે તે વાત સાચી છે, પરંતુ મનપા દ્વારા લોકોને અપાતી લાઈટ, પાણી, સહિતની આવશ્યક તમામ સેવાઓ અવિરત રહેશે, તેમાં કોઈ જ અસર નહીં પહોંચે. બીજી બાજુ મનપા દ્વારા પીજીવીસીએલ કંપનીને બિલ પેટેના ચાર હપ્તાની રકમ અમે ભરપાઈ કરી દીધી છે,

અને વધુ એક ભરી હપ્તો ભરી દેવાનો છે, આ માટે મનપા દ્વારા યોગ્ય વ્યવસ્થા તથા સેટલમેન્ટ કરી રહ્યા છીએ. આ સાથે મનપા કમિશનર તુષાર સુમેરા એ પણ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં જુનાગઢ એવું કોર્પોરેશન છે જે લેણાંની ચૂકવણીમાં યોગ્ય વ્યવસ્થા કરી શકે છે, અને પીજીવીસીએલ સાથે યોગ્ય કાર્યવાહી થાય તે માટે વાટાઘાટો પણ ચાલુ છે. જો કે, જુનાગઢ પીજીવીસીએલના સિટી એન્જિનિયર ભીમાણીએ ગઈકાલે અબ તક દૈનિકને આપેલી ફોનીક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પીજીવીસીએલ દ્વારા ચોવીસ કલાકની નોટિસ પાઠવવામાં આવી હતી, જે અંગે મનપા એ આજે બીલની કોઈ રકમ ભરેલ નથી અને સાહેબ હાજર ન હોવાથી આ રકમ સાહેબ આવ્યા બાદ ભરાશે તેવું જણાવવામાં આવેલ છે જેથી હાલમાં પીજીવીસીએલ દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરાઈ નથી.