સુરક્ષાની સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવતી જૂનાગઢ પોલીસ

પરિવારથી વિખુટા પડેલા બાળકોનું સુખદ મિલન કરાવ્યું

જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બે બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દોલતપરા ખાતે રહેતા મૂળ વડોદરા, પ્રતાપનગર ના રહેવાસી અને છેલ્લા ચાર વર્ષથી જૂનાગઢ ખાતે રહી, માર્કેટ યાર્ડમાં મજૂરી કરતા, રાજુભાઇ મોહનસિંહ ઠાકુર રાજપૂતના ૧૨ વર્ષના જોડિયા પુત્રી અક્ષિતા તથા પુત્ર અક્ષિત ગુમ થયેલા હતા. બને જોડિયા બાળકની ઉમર ૧૨ વર્ષની હોઈ, બે દિવસ તપાસ કરવા છતાં મળી આવેલ ના હોઈ, તેના પિતા રાજુભાઇ ઠાકુરે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બને બાળકોના અપહરણ થયા અંગે ગુન્હો દાખલ કરાવ્યો હતો.

આ ફરિયાદ અંગે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ચૌધરી, પીએસઆઇ ચાવડા તથા સ્ટાફના દ્વારા ઝીણવટભરી સઘન તપાસના અંતે ઘરેથી નીકળી ગયેલા બંને બાળકો પોલીસને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોતાના પાળેલા ગલુડિયા સાથે મળી આવેલ હતા. ભૂતકાળમાં એક વાર પુત્ર બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને હોસ્પિટલમાં જમવાનું આવતું હોઈ, જે બાબતની જાણકારી હોઈ, આ બે બાળકો હોસ્પિટલમાં જ રહેતા અને આખો દિવસ રમતા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી ત્યાં જ રહી, જમી લેતા અને હોસ્પિટલના ગાદલમાં જ સુઈ રહેતા હતા.

પોલીસ દ્વારા મળી આવેલ બંને બાળકો તેના પિતા ફરિયાદી રાજુભાઇ ઠાકુરને સોંપતા, પોલીસ સ્ટેશન ખાતે બંને બાળકો તેના પિતાને ભેટી પડેલા હતા. અને બને બાળકો પોતાના પિતાને મળતા, ભાવ વિભોર થયા હતા ત્યારે એ ડિવિઝન ખાતે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા