Abtak Media Google News

વી.કે. ઉંજીયાને પાણીચું પકડાવી દેવાતા પોલીસ બેડામાં ચકચાર

જુનાગઢ મનપાના વોર્ડ નં. ૧૫ ની પેટા ચૂંટણી અંતર્ગત સોમવારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર સોડાની બોટલ વડે હુમલો થયો હતો અને હુમલાના બનાવ અંગે ચાર વ્યક્તિની અટકાયત કરાઇ હતી. તે દરમ્યાન આરોપીઓને પકડી, માર મારવાના આક્ષેપ સાથે રજૂઆત બાદ મહિલા પીએસઆઇ. ને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, આ બાબત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તાબામાં આવેલા ખાડિયા વિસ્તારમાં સોમવારે પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. જેના અનુસંધાને ભાજપના કાર્યકરો દ્વારા સોડાની બોટલથી હુમલો થતા પાંચ મહિલા અને અન્ય કોંગ્રેસી કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ બનાવના અનુસંધાને મહિલા પીએસઆઇ. વી.કે. ઉંજીયા દ્વારા કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં ડી.વાય.એસ.પી કચેરી બહાર મહિલાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ ભાજપના કાર્યકરો દ્વારા થયા હતા અને રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે ગઈકાલે મોડી રાત્રીના એ ડિવિઝનના પીએસઆઇ વી.કે. ઉંજીયાને સસ્પેન્ડ કરાતા પોલીસ તંત્રમાં ચકચાર મચીી જવા પામી છે. જુનાગઢ એ ડિવિઝનના મહિલા પીએસઆઇ. વી.કે. ઉંજીયાને સસ્પેન્ડ કરાતાં આ બાબતે ચર્ચાનો માહોલ ભારે ગરમાગરમ રહેવા પામ્યો છે, તથા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.