Abtak Media Google News

દામોદરકુંડ સામે તૈયાર થયેલ બોક્ષ કલ્વર્ટથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે

જૂનાગઢના દોલતપરા સ્થિત પૌરાણિક જગ્યા ઇન્દ્રેશ્વર મંદિરના નવિનીકરણનો ખાતમુહૂર્ત અને દામોદરકુંડની સામે બોક્ષ કલ્વર્ટના કામનો લોકાર્પણ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી અને પરિવહન, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે યોજાયો હતો.

ગિરનારની ગોદમાં જોગણિયા ડુંગરની તળેટીમાં અતિ પૌરાણિક શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ પ્રસિઘ્ધ મંદિરના નવિનીકરણ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજિત રૂા. 3.81 કરોડના ખર્ચે ભોજનાલય, મલ્ટીપર્પઝ  હોલ, ગૌશાળા, સિક્યુરિટી રૂમ, ટોઇલેટ બ્લોક, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આજુબાજુના વિસ્તારની વિકાસની કામગીરી થશે.

તેમજ શહેરમાં આવેલ દામોદરકુંડ સામે બોક્સ કલ્વર્ટનું કામ રાજ્ય સરકારની ગ્રાન્ટ અંતર્ગત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત અંદાજીત રૂા. 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ કલ્વર્ટ બોક્સ, પ્રોટેક્શન વોલ, પેવર રોડ એન્ડ બ્યુટીફીકેશન વર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢના પર્યટન અને તીર્થ સ્થળોના ખાતમુહૂર્ત, લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકાની આસ્થા અને શ્રઘ્ધાના કેન્દ્ર સમાન અતિ પૌરાણિક મંદિરોમાં નવીનિકરણની કામગીરી થઇ રહી છે. જેનાથી યાત્રિકોની સુવિધામાં વધારો થશે. તેમજ દામોદરકુંડ સામે રોડ થવાથી દર વર્ષ યોજાતા શિવરાત્રી મેળા, પરિક્રમામાં ટ્રાફીકનો પ્રશ્ર્ન હલ થશે.

આ પ્રસંગે મુક્તાનંદબાપુ, શેરનાથ બાપુ, મેયર  ગીતાબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઇ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહેલ, દંડક અરવિંદભાઇ ભલાણી, સંજયભાઇ કોરડિયા, પ્રદિપભાઇ ખીમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.